Shivaji Maharaj Statue Collapse: છત્રપતિ શિવાજીના નામનું રાજકારણ ઔરંગઝેબ ફેન ક્લબ ન કરે: ભાજપ
મુંબઈ: હિંદવી સ્વરાજ્યના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા પર ઊભી કરાયેલી પ્રતિમા ધરાશાયી થઇ તેનાથી મહારાષ્ટ્રની ધરતી પર રાજકીય ભૂકંપ આવ્યો છે અને એકબીજા પર આરોપો પ્રત્યારોપોનો દોર શરૂ થયો છે. વિપક્ષો સરકાર ભ્રષ્ટાચારમાં લુપ્ત હોવાના સહિતના આરોપોથી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે ત્યારે સત્તાધારી પક્ષે પણ વિપક્ષને જડબાતોડ જવાબ આપતી પ્રતિક્રિયા આપી છે.
ઉદ્ધવ ઠાકરે, શરદ પવાર અને કૉંગ્રેસના નાના પટોલેએ ઉદ્ધવ ઠાકરેના નિવાસસ્થાન ‘માતોશ્રી’ ખાતે પત્રકાર પરિષદ યોજી સરકાર પર પ્રહારો કર્યા તેના જવાબમાં ભાજપે કહ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજના નામે રાજકારણ ઔરંગઝેબ ફેન ક્લબ એવી મહાવિકાસ આઘાડીના સભ્યોએ તો ન જ કરવું જોઇએ.
આ પણ વાંચો: છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટવા મુદ્દે આખરે અજિત પવારે માફી માગી
ભાજપે કૉંગ્રેસની ટીકા કરતા જણાવ્યું હતું કે છત્રપતિ શિવાજી મહારાજ સંપૂર્ણ મહારાષ્ટ્રની અસ્મિતા છે અને તેમના નામે રાજકારણ થઇ રહ્યું છે તે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે અને તેમાં પણ ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર કરવાનો વિરોધ કરનારી કૉંગ્રેસ અને તેની સાથેની મહાવિકાસ આઘાડીની ટોળકી જે ઔરંગઝેબ ફેન ક્લબની સભ્ય છે તે લોકો શિવાજી મહારાજના નામે રાજકારણ કરી રહ્યા છે બંધ કરી દેવું જોઇએ. આ એ જ ટોળકી અને તેના સભ્યો છે જે વિશાલગઢ અને પ્રતાપગઢ પર થયેલા અતિક્રમણ બાબતે ચૂપ રહે છે.
વિઠ્ઠલ ભગવાનના પગે સુદ્ધાં ન લાગ્યા, તુલસીની માળા ન પહેરી
ભાજપે મહાવિકાસ આઘાડીના નેતાઓની ટીકા કરતા જણાવ્યું હતું કે તમે તો એ લોકો છો જેમણે છત્રપતિ શિવાજી મહારાજના વંશજો પાસેથી પુરાવા માગ્યા હતા. મુખ્ય પ્રધાન હતા ત્યારે પંઢરપુર ગયા, પરંતુ વિઠ્ઠલ ભગવાનના પગે ન લાગ્યા. તુલસીની માળા ગળામાં ન પહેરી. આ તો ઔરંગઝેબ ફેન ક્લબની વૃત્તિ છે.
ઉદ્ધવ ઠાકરેની વૃત્તિ ઔરંગઝેબ ફેન ક્લબ જેવી છે. ગીધની જેમ ક્યારે કોઇ દુર્ઘટના બને અને કોઇ મૃત્યુ પામે તેની રાહ જોઇને બેઠા હોય છે જેથી ખાવા મળે અને રાજકીય રોટલાં શેકી શકાય. અમારાથી ભૂલ થઇ તો અમે માફી પણ માગી છે.