ઘરેલું ઝઘડાને કારણે પત્નીને સળગાવી મારી નાખવાનો પ્રયાસ: પતિની ધરપકડ

થાણે: થાણેમાં ઘરેલું ઝઘડાને કારણે પત્ની પર જ્વલનશીલ પ્રવાહી ફેંક્યા બાદ તેને સળગાવીને મારી નાખવાનો પ્રયાસ કરવા બદલ પોલીસે 35 વર્ષના રિક્ષાચાલકની ધરપકડ કરી હતી.
દંપતી વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલી રહ્યા હતા અને અલગ રહેતી પત્નીના ચારિત્ર્ય પર પતિ શંકા કરતો હતો તેમ જ વારંવાર તેને ત્રાસ આપતો હતો.
ચિતલસર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે ફરિયાદ અનુસાર દંપતીની છૂટાછેડાની અરજી કોર્ટમાં પેન્ડિંગ છે.
આરોપીએ ઘણી વાર પત્ની તેની સાથે રહે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી અને જો તે આવું ન કરે તો તેને ગંભીર પરિણામ ભોગવવાની ધમકી આરોપીએ આપી હતી.
મંગળવારે સવારે પત્ની કામે જવા માટે નીકળી હતી ત્યારે બોરીવલી ટનલ ક્ધસ્ટ્રકશન સાઇટ નજીક તેને આરોપીએ આંતરી હતી. આરોપીએ તેની પત્ની પર લોખંડના સળિયાથી હુમલો કર્યો હતો અને બાદમાં જ્વલનશીલ પ્રવાહી ફેંકીને તેને સળગાવી હતી.
કેટલાક લોકો મદદ માટે ત્યાં દોડી આવ્યા હતા અને તેમણે આગ બુઝાવી હતી. આમાં દાઝી ગયેલી પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. (પીટીઆઇ)