સગાઈ પછી પણ સાથે ફરવાનો ઇનકાર કરનારી ફિયાન્સી પર હુમલો
તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંક્યા પછી આરોપીએ યુવતીની માતાને ફોન કરી ઘટનાની જાણ કરી

પાલઘર: સગાઈ થયા પછી પણ સાથે ફરવાનો આવવાનો ઇનકાર કરનારી વાગ્દત્તા પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરનારા યુવકની પોલીસે ધરપકડ કરી હતી. તીક્ષ્ણ હથિયારના ઉપરાછાપરી ઘા ઝીંક્યા પછી આરોપીએ ફિયાન્સીની માતાને ફોન કરી તેમની દીકરીને મારી નાખી હોવાની જાણ કરી હતી.
યુવતીની માતાએ નોંધાવેલી ફરિયાદને આધારે વિરાર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109 હેઠળ આરોપી અક્ષય પાટીલ (29) વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ પાટીલનું સગપણ તેના જ ગામની વતની 23 વર્ષની ભાવિકા સાથે થયું હતું. ફાર્માસિસ્ટ ભાવિકાના વધુ અભ્યાસ અર્થે તેમનાં લગ્ન એક વર્ષ પાછળ ઠેલાઈ ગયાં હતાં. આ દરમિયાન પાટીલ તેની ફિયાન્સીને સાથે ફરવા જવાની વાત કરતો. ફિયાન્સીએ ફરવાની ના પાડતાં અને વડીલોએ ફરવા માટે તેના પર દબાણ ન કરવા પાટીલને સમજાવ્યો હતો. આ વાતથી પાટીલ ગુસ્સે ભરાયો હતો.
આપણ વાંચો: પાલઘરમાં યુવકો પર હુમલો કરી લૂંટ ચલાવી: સાત પકડાયા
પોલીસ ફરિયાદ અનુસાર ભાવિકા વિરારના મનવેલપાડા ખાતેના મેડિકલ સ્ટોરમાં કામ કરતી હતી. બુધવારે પાટીલ મેડિકલ સ્ટોરમાં ગયો હતો. ભાવિકાને એકલી જોઈ તેણે ફરી ફરવાનો વિવાદ છેડ્યો હતો. આ મુદ્દે બન્ને વચ્ચે બોલાચાલી થતાં આરોપીએ તીક્ષ્ણ હથિયારથી યુવતી પર હુમલો કર્યો હતો.
તીક્ષ્ણ હથિયારના પાંચથી છ ઘા કરવામાં આવતાં લોહીલુહાણ હાલતમાં ભાવિકા જમીન પર ફસડાઈ પડી હતી. બાદમાં આરોપીએ ભાવિકાની માતાને ફોન કરી તેમની દીકરીને મારી નાખી હોવાનું કહ્યું હતું. ડરી ગયેલા ભાવિકાના વડીલો તાત્કાલિક મેડિકલ સ્ટોર પહોંચ્યા હતા, જ્યાં કાઉન્ટર પાછળ બેભાન અવસ્થામાં ભાવિકા મળી આવી હતી.
યુવતીને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાઈ હતી, જ્યાં પ્રાથમિક સારવાર પછી તેને બીજી હૉસ્પિટલમાં ખસેડાઈ હતી. અત્યારે યુવતી આઈસીયુમાં હોવાનું કહેવાય છે. આ પ્રકરણે પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.