મહારાષ્ટ્ર

અસામાજિક તત્વોથી દૂર રહો, અજિત પવારનો બીડમાં કાર્યકર્તાઓને સંદેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે બુધવારે બીડમાં એનસીપીના કાર્યકર્તાઓને એવો સંદેશ આપ્યો હતો કે છબી સ્વચ્છ રાખો અને અસામાજિક તત્વોથી દૂર રહો. અજિત પવાર બીડમાં એનસીપીના યુવા કાર્યકર્તાઓના મેળાવડાને સંબોધી રહ્યા હતા.

અહીં ઉલ્લેખનીય છે કે મસ્સાજોગના સરપંચ સંતોષ દેશમુખની ગયા વર્ષે કરપીણ હત્યા કરવામાં આવી અને તેને પગલે એનસીપીના નેતાના નજીકના કાર્યકર્તા વાલ્મિક કરાડની આ હત્યાકેસમાં ધરપકડ થતાં, કેબિનેટ પ્રધાન ધનંજય મુંડેને વિપક્ષી દબાણને કારણે રાજીનામું આપવાની ફરજ પડી હતી. આ બધી બાબતોને ધ્યાનમાં લેતાં બીડમાં તેમના નિવેદનનું મહત્ત્વ વધી જાય છે.

આપણ વાંચો: મુસ્લિમ ભાઈ-બહેનોને હેરાન કર્યા છે તો…અજિત પવારે જાહેર મંચ પરથી આપી ચીમકી…

તમારી છબી સ્વચ્છ રાખો અને અસામાજિક તત્વોથી દૂર રહો એમ બીડ જિલ્લાના પાલક પ્રધાનની જવાબદારી પણ સંભાળતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું હતું. તેમણે એમ પણ કહ્યું હતું કે થર્મલ સ્ટેશનની આસપાસ ફ્લાય એશ એકઠી કરવાના વ્યવસાયમાં પડેલા તેમ જ રેતી અને જમીન માફિયાને પાઠ ભણાવવામાં આવશે.

જિલ્લાના લોકોએ પોતાની માનસિકતા બદલવાની આવશ્યકતા છે એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે બાકીના આખા રાજ્યની પ્રગતિ થઈ ગઈ છે, જ્યારે અહીં કચરો હટાવવાનો પણ મુદ્દો બની જાય છે. તેમણે એમ પણ કહ્યું હતું કે પાર્ટીમાં કોઈપણ વ્યક્તિને સામેલ કરતી વખતે તેમનો પરિચય મેળવવો આવશ્યક છે.

આપણ વાંચો: 2047 સુધીમાં વિકસિત ભારતના PM Modiના વિઝનને મજબૂત બનાવતું બજેટ અજિત પવારે રજૂ કર્યું

પવારે જણાવ્યું હતું કે પહેલી મેના રોજ મહારાષ્ટ્રને 62 વર્ષ પૂરા થશે, પરંતુ મરાઠવાડાના (બીડ સહિત) આઠ જિલ્લામાં ખાસ વિકાસ જોવા મળતો નથી. આપણે બીડની છબીને બગાડવાના અને જાતિમાં લોકોને વહેંચી નાખવાના પ્રયાસોને રોકવા પડશે અને જિલ્લાને વિકાસના પંથે મૂકવો પડશે, એમ તેમણે કહ્યું હતું.

પાર્ટીના કાર્યકર્તાઓને તેમણે 80 ટકા સમાજકાર્ય અને 20 ટકા રાજકારણનો મંત્ર આપ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button