અજિત પવારની ‘ફંડ સામે મત’ ટિપ્પણી: NCP (SP)એ EC સમક્ષ એક્શન લેવાની કરી માગ

નાગપુરઃ એનસીપી (એસપી)ના વરિષ્ઠ નેતા અને લોકસભાનાં સાંસદ સુપ્રિયા સુળેએ આજે કહ્યું કે ભારતના ચૂંટણી પંચે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા વિકાસ ભંડોળને મતદારોના સમર્થન સાથે જોડતી ટિપ્પણી જેવી ટિપ્પણીઓ પર નજર રાખવી જોઈએ. તેમના પક્ષના પ્રવક્તા મહેશ તાપસેએ કહ્યું કે ચૂંટણી પંચે તાત્કાલિક પગલાં લેવા જોઈએ, અને અજિત પવારે જાહેર માફી માંગવી જોઈએ.
પુણે જિલ્લાના બારામતી તાલુકામાં માલેગાંવ નગર પંચાયતની ચૂંટણી માટે પ્રચાર દરમિયાન પવારે કહ્યું કે જો શહેર તેમના પક્ષના ઉમેદવારોને ચૂંટે તો તેઓ ખાતરી કરશે કે ભંડોળની કોઈ અછત ન રહે, પરંતુ જો મતદાતા તેમને નકારશે તો તેઓ પણ તેમને “નકારશે”.
આ પણ વાંચો : માલેગાંવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અજિત પવારની મતદારોને ધમકી, વિપક્ષે કાર્યવાહીની માંગ કરી
અહીં એક પત્રકાર પરિષદને સંબોધતા સુળેએ કહ્યું કે એક મજબૂત લોકશાહીમાં આવા નિવેદનો પર નજર રાખવી (ઇસી) ની નૈતિક જવાબદારી છે, પરંતુ આપણે આજકાલ એવું થતું જોતા નથી. મેં પોતે પણ ઇસીમાં કેસ લડ્યો છે પરંતુ બધા કાગળો હોવા છતાં અમને ન્યાય મળ્યો નથી. આપણે ચૂંટણી પંચમાં વિશ્વાસ રાખવો જોઈએ. પરંતુ, કમનસીબે, છેલ્લા કેટલાક વર્ષોમાં સમાજ અને અખબારોમાં ચૂંટણી પંચ પ્રત્યે અસંતોષ જોવા મળી રહ્યો છે, એમ બારામતીના સાંસદે દાવો કર્યો.
જો તમે બધા 18 ઉમેદવારને ચૂંટો છો, તો હું જે વચન આપ્યું છે તે આપવા માટે પ્રતિબદ્ધ છું, પરંતુ જો તમે નકારી કાઢો છો, તો હું પણ નકારી કાઢીશ. તમારી પાસે મત છે, મારી પાસે ભંડોળ છે, એમ પવારે કહ્યું હતું.
આ પણ વાંચો : પુત્ર સામે જમીન સોદામાં ગેરરીતિના આરોપો લાગ્યાના બીજા દિવસે અજિત પવાર મુખ્ય પ્રધાન ફડણવીસને મળ્યા
આ ટિપ્પણીઓ લોકોના લોકશાહી અધિકારો સામે સ્પષ્ટ ધમકી સમાન છે, એમ એનસીપી (એસપી)ના પ્રવક્તા મહેશ તાપસેએ જણાવ્યું હતું. ભારતનું બંધારણ લોકોને વાસ્તવિક સત્તા આપે છે, અને શક્તિશાળી જાહેર પદાધિકારી દ્વારા તેમના મતાધિકાર પર દબાણ કરવાનો કોઈપણ પ્રયાસ લોકશાહી પર સીધો હુમલો છે. અજિત પવાર જાહેર ભંડોળના માલિક નહીં, પરંતુ રક્ષક છે, એમ તાપસેએ ભારપૂર્વક જણાવ્યું.
તેમણે કહ્યું હતું કે સામાન્ય લોકો દ્વારા ચૂકવવામાં આવતા કરમાંથી ભંડોળ આપવામાં આવે છે અને તેનો ઉપયોગ રાજ્ય અને તેના તમામ નાગરિકોના સર્વાંગી વિકાસ માટે થવો જોઈએ, પછી ભલે પસંદ કરેલો ઉમેદવાર ચૂંટણી જીતે કે હારે.
તાપસેએ કહ્યું હતું કે, રાજ્યના પ્રધાન સરકારી ભંડોળનો ઉપયોગ મતદારોને લોભાવવા કે ધમકાવવા માટે કરે ત્યારે ચૂંટણી પાંચ મૂક દર્શક ન બની શકે. તેમણે ભાજપની કેન્દ્રીય નેતાગીરી અને નરેન્દ્ર મોદી આવા નિવેદનો કેમ સહન કરે છે? એવો પ્રશ્ન પણ કર્યો હતો.



