એઈમ્સની હોસ્ટેલમાં યુવકની આત્મહત્યા

નાગપુર: નાગપુરની ઑલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સીસ (એઈમ્સ)ના બાવીસ વર્ષના ઈન્ટર્ને હોસ્ટેલની રૂમમાં કથિત આત્મહત્યા કરી હતી.
સોનેગાંવ પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે સંકેત પંડિતરાવ દાભાડેનો મૃતદેહ રવિવારે ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. દાભાડેએ એઈમ્સની હોસ્ટેલની રૂમમાં બાથરૂમના દરવાજા સાથે ગળાફાંસો ખાધો હતો.
આપણ વાંચો: અમદાવાદ સ્ટેશન પર RPF ના જવાને આત્મહત્યાનો પ્રયાસ કરનારા માનસિક બીમાર વ્યક્તિનો જીવ બચાવ્યો…
પરભણી જિલ્લાના જિંતુરના વતની દાભાડેએ એમબીબીએસ કરીને ઈન્ટર્ન તરીકે એઈમ્સમાં જોડાયો હતો. મિત્રોએ છેલ્લે શનિવારની રાતે દાભાડેને જોયો હતો. રવિવારે દાભાડે રૂમની બહાર ન નીકળતાં મિત્રોને શંકા ગઈ હતી.
મિત્રોએ હોસ્ટેલના વૉર્ડનને જાણ કરતાં રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો હતો. રૂમમાંથી દાભાડેનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ મળી નહોતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ પ્રકરણે પોલીસે એડીઆર નોંધ્યો હતો. વધુ તપાસ માટે પોલીસે દાભાડેનો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો. (પીટીઆઈ)