મહારાષ્ટ્રના કૃષિ પ્રધાનને નાશિક કોર્ટે આપી સજા, વિધાનસભ્યપદ જોખમમાં?

નાશિકઃ મહારાષ્ટ્રના કૃષિ પ્રધાન માણિકરાવ કોકાટેને મોટો ઝટકો આપતા નાશિક જિલ્લા કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી છે. આ સાથે જ તેમને 50 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આ કેસ 1995નો છે, જ્યારે તેમના પર અને તેમના ભાઇ સુનિલ કોકાટે પર આવાસ યોજના હેઠળ છેતરપિંડી અને દસ્તાવેજો સાથે ચેડાં કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.
શુ હતો મામલો?
આ કેસ 1995થી 1997 વચ્ચેનો છે. એ સમયે માણિકરાવ અને તેમના ભાઇને સરકારી આવાસ યોજના હેઠળ ફ્લેટ મળ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે તેમની આવક ઓછી હતી અને તેમની પાસે ઘર પણ નહોતું, તેથી તેમને સરકારી યોજના હેઠળ ઘરો આપવામાં આવ્યા હતા.
આપણ વાંચો: એક રૂપિયો તો ભિખારી પણ નથી લેતા, પાક વીમા પર વિવાદાસ્પદ નિવેદન બાદ કૃષિ પ્રધાન મુશ્કેલીમાં
બાદમાં અધિકારીઓએ આ મામલે અનિયમિતતાની ફરિયાદ કરી હતી અને કોર્ટમાં કેસ ચાલ્યો હતો. કોર્ટે કોકાટે અને તેમના ભાઇને હવે દોષિત ઠેરવ્યા છે અને તેમને બે વર્ષની સજા ફટકારી છે. જોકે, આ કેસમાં અન્ય બે આરોપીને રાહત મળી છે.
તેમના વિધાનસભ્યપદને અસર થશે?
માણિકરાવ કોકાટેને બે વર્ષની સજા થયા બાદ હવે સવાલ એ ઊભો થાય છે કે શું તેઓ તેમનું મંત્રી પદ અને વિધાનસભ્ય પદ ગુમાવશે? ભારતીય કાયદા મુજબ જો કોઇ જનપ્રતિનિધિને બે વર્ષ કે તેથી વધુ સમય માટે જેલની સજા થાય છે તો તેમનું સભ્યપદ રદ થઇ શકે છે.
આપણ વાંચો: ખેડૂતો માટે સરકાર લાવી રહી છે આ સ્કીમઃ જાણો કૃષિ પ્રધાને શું કહ્યું?
કોર્ટના આ આદેશ બાદ માણિકરાવ કોકાટેના રાજકીય પદ સામે ખતરો ઊભો થયો છે. એવી માહિતી મળી છે કે તેઓ તેમની સજાને હાઇ કોર્ટમાં પડકારશે. જો હાઇ કોર્ટથી તેમને રાહત મળશે તો તેમનું મંત્રી પદ અને વિધાનસભ્ય પદ હેમખેમ રહેશે.
હાલમાં તો બધું જો અને તો પર નિર્ભર છે. માણિકરાવ કોકાટે તેમના પક્ષ એનસીપી (અજિત પવાર) માટે સમસ્યા બની શકે છે. આ પહેલા અજિત પવારની એનસીપીના નેતા ધનંજય મુંડે વિવાદોમાં ઘેરાયેલા હતા.