વિધાનસભ્ય સુરેશ ધસની માફી બાદ અભિનેત્રી પ્રાજક્તાએ પણ સૌનો આભાર માન્યો

મુંબઈ: ભાજપના વિધાનસભ્ય સુરેશ ધસે તાજેતરમાં પ્રધાન ધનંજય મુંડેને લક્ષ્ય બનાવતા દક્ષિણ ભારતની અભિનેત્રીઓ રશ્મિકા મંદાના, પ્રાજક્તા માળીના નામ લીધા હતા. તેમના નિવેદન બાદ પ્રાજક્તાએ મુંબઈમાં પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે રાજકારણ માટે મહિલા કલાકારોના નામનો દુરુપયોગ કરવાનું યોગ્ય નથી. તેથી સુરેશ ધસે માફી માગવી જોઇએ, એવી માગણી પણ તેણે કરી હતી.
આ પ્રકરણે પ્રાજક્તાએ મુખ્ય પ્રધાનની મુલાકાત લઇને પોતાનું નિવેદન રજૂ કર્યું હતું. ત્યાર બાદ સોમવારે મારા નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવ્યો હોવાનું સુરેશ ધસે જણાવ્યું હતું તથા દિલગીરી પણ વ્યક્ત કરી હતી.
આપણ વાંચો: સુરેશ ધસે જાહેરમાં માફી માંગવી જોઈએ; પ્રાજક્તા માળી મહિલા પંચમાં ફરિયાદ કરશે
સુરેશ ધસે દિલગીરી વ્યક્ત કર્યા બાદ પ્રાજક્તાએ વીડિયો શેર કરીને ‘આજે આ સંપૂર્ણ પ્રકરણ પર મારા તરફથી પણ પડદો પાડવામાં આવે છે’, એમ કહીને તેણે સૌનો આભાર પણ માન્યો હતો.
પ્રાજક્તાએ કહ્યું હતું કે પત્રકાર પરિષદ યોજવાથી લઇને અત્યાર સુધી મારા પરિવારને અનેક મેસેજ આવ્યા હતા.
મહિલાઓના સન્માન માટે દરેક સ્તરે અવાજ ઉઠાવવામાં આવ્યો જેને કારણે અમને પીઠબળ મળ્યું. આ સિવાય હું સુરેશ ધસનો પણ આભાર માનું છું, કારણ કે તેમણે પણ મન મોટું કરીને સર્વ મહિલા વર્ગની માફી માગી. આ પરથી તેઓ છત્રપતિ શિવાજી મહારાજના વિચારો ધરાવે છે એ સાબિત થાય છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો પણ હું આભાર માનું છું, એમ તેણે વધુમાં જણાવ્યું હતું.