અમે ક્ષત્રિય સમાજ સાથે સંપર્કમાં છીએઃ ભાજપ ઉકેલ લાવવા મથે છે પણ…
અમદાવાદઃ રવિવાર રાજકોટ પાસે આવેલા રતનપરમાં લગભગ ત્રણેક લાખથી વધારે ક્ષત્રિયોની હાજરીમાં યોજાયેલા મહાસંમેલન બાદ ભાજપની ચિંતા વધી ગઈ છે. રાજકોટ ખાતે પરષોત્તમ રૂપાલાની ટિકિટનો વિરોધ કરતો ક્ષત્રિય સમાજ સમાધાનના મૂડમાં નથી ત્યારે મુખ્ય પ્રધાન ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સોમવારે એક પત્રકાર પરિષદને સંબોધી હતી.
આ દરમિયાન મુંબઈ સમાચાર દ્વારા ક્ષત્રિય સમાજની નારાજગી અને માગણી વિશે પૂછવામાં આવતા પાટીલે જણાવ્યું હતું કે હું, મુખ્ય પ્રધાન ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સહિતના નેતાઓ ક્ષત્રિય સમાજ સાથે સંપર્કમાં છીએ અને ચર્ચા ચાલી રહી છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ભાજપના કદાવર નેતા પરસોત્તમ રૂપાલા મંગળવારે રાજકોટ લોકસભા બેઠક પર નામાંકન દાખલ કરવાના છે ત્યારે ક્ષત્રિય સમાજે 19 એપ્રિલ સુધીમાં રૂપાલા પાસે ફોર્મ ખેંચાવવા માંગણી કરતું અલ્ટિમેટમ પણ આપી દીધું છે.
આપણ વાંચો: અસ્મિતા મહાસંમેલનઃ રુપાલાની ટિકિટ પાછી ખેંચવા મુદ્દે ક્ષત્રિય સમાજે ભાજપને આપ્યું અલ્ટિમેટમ
રાજકોટમાં મળેલા અસ્મિતા સંમેલન પછી હવે સરકારે આ સંમેલનની વિગતો ગુપ્તચર વિભાગ, પોલીસ અને વિવિધ ખાનગી એજન્સીઓને સક્રિય કરી તમામ માહિતી એકત્રિત કરવા માટે કહી દીધું છે. આ ઉપરાંત કેટલા રાજવીઓ પણ આ અસ્મિતા સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા કે કોની કેટલી પરદા પાછળ સક્રિયતા રહી હતી ? એ તમામ પાસા ચકાસવામાં આવશે. ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે આ વિરોધનાં સૂરને કોઈ ભાજપાઈ નેતા જ હવા આપી રહ્યું છે કે કેમ ? અંતરંગ વર્તુળો માને છે કે , એ દિશામાં પણ સરકારે અને ભાજપે ચક્રો ગતિમાન કર્યા છે.
જો કે, પાર્ટી પાસે થોડી-ઘણી માહિતી છે પરંતુ અત્યારે લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી છે એટલે કોઈ મોટા પગલાં લે તો ‘ઘરણ ટાણે સાંપ નિક્ળ્યા; જેવી સ્થિતિ થાય. એટલે લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ જેમનો જેમનો હાથ આ રૂપાલાના વિરોધ પાછળ રહ્યો છે તેમને પાર્ટી વીણી-વીણીને ઘરભેગા કરી દેશે, તેવી ચર્ચાઓ ભાજપમાં ચાલી રહી છે. જેથી પાર્ટીમાં જ રહીને ભવિષ્યમાં કોઈ નેતા વિરોધી કે સમાજ વિરોધી પ્રવૃતિને વેગ ના મળે અને એક પાઠ તરીકે આ પગલાને જોવામાં આવશે.
જોકે હાલમાં તો ક્ષત્રિય સમાજે કરેલો હુંકાર ભાજપ માટે ચિંતાનો વિષય છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત આગમન પર પક્ષના નેતા મીટ માંડીને બેઠા છે, તેવું પણ ચર્ચાઈ રહ્યું છે.