સાબરકાંઠા સીટ પર ત્રિપાંખિયો જંગ, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધી

સાબરકાંઠા: સીટ પર ત્રિપાંખિયો જંગ, ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોંધાવતા ભાજપની મુશ્કેલી વધીલોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં તમામ પક્ષો દ્વારા જોરશારથી ચૂંટણી પ્રચાર ચલાવવામાં આવી રહ્યો છે ત્યારે ભાજપનો આંતરિક જુથવાદ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. ગુજરાતમાં અલગ-અલગ પાર્ટીના ઉમેદાવારો ફોર્મ ભરી રહ્યા છે ત્યારે સાબરકાંઠામાં ભાજપના અગ્રણી નેતા ભૂપેન્દ્રસિંહ પી. ઝાલાએ પણ આ લોકસભા બેઠક પરથી અપક્ષમાં ઉમેદવારી નોંધાવતા હડકંપ મચી ગયો છે, સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા સામે તેમનો સીધો મુકાબલો થશે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી નોોંધાવતા પહેલા ગ્રોમોર કેમ્પસમાં યોજેલી વિરાટ સભામાં ભાજપના મોટાભાગના કાર્યકરો પણ અપક્ષ ઉમેદવારના ખેસમાં જોવા મળ્યા હતા. તેમની રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો તેમજ ગામના લોકો ઉપસ્થિત રહ્યા હતા. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ જેસીબી મશીનમાં ઉભા રહીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. સાબરકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર શોભનાબેન બારૈયા, કોંગ્રેસના તુષાર ચૌધરી બાદ હવે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભરતા સાબરકાંઠા સીટ પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે.
આપણ વાંચો: ગુજરાત લોકસભા ચૂંટણીઃ પોરબંદરમાં માંડવિયા Vs વસોયા, કોણ બાજી મારશે?
સાબરકાંઠા બેઠકથી ભાજપના કાર્યકર ભૂપેન્દ્રસિંહ પી. ઝાલાના અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવવાનો મેસેજ વાયરલ થતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. કારણ કે ભાજપ અને કોંગ્રેસ બંનેમાં ઉમેદવારને લઈને ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. જ્યારે ભાજપના કાર્યકરો પ્રચારમાં નિરસ જોવા મળી રહ્યા છે. ત્યારે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 19મી એપ્રિલે શુભ મુહૂર્તમાં અપક્ષ ઉમેદવારી નોંધાવવાની જાહેરાત કરતો સોશિયલ મીડીયા પર મેસેજ વાયરલ થતાં ખળભળાટ મચી ગયો હતો.
અપક્ષ ઉમેદવાર ભૂપેન્દ્રસિંહ ઝાલા ગમે તે ઉમેદવારનું જીતનું ગણિત બગાડી શકે છે, જો કે તેમનાથી સૌથી વધુ નુકસાન ભાજપના મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાને થશે તેવું માનવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય કે, સાબરકાંઠા બેઠક ભાજપ માટે પહેલાથી જ વિવાદમાં રહી છે, આ સીટ પર પહેલા ભાજપે ભીખાજી ઠાકોરને ઉમેદવાર જાહેર કર્યા હતા, બાદમાં તેમની જગ્યાએ મહિલા ઉમેદવાર શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે.