શિવસેના (યુબીટી) પાકિસ્તાન તરફી: મુખ્યમંત્રી એકનાથ શિંદે
વડા પ્રધાન નરેન્દ્ર મોદી માટે અગ્નિપથ કવિતા વાંચી
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: હારના ડરથી ઈન્ડી ગઠબંધનનું નેતૃત્વ ગભરાયેલું છે. તેમના પગલે પગલે શિવસેના (યુબીટી)એ પાકિસ્તાનની ચાકરી શરૂ કરી દીધી છે. મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી ઈકબાલ મુસા શિવસેના (યુબીટી)ના ઉમેદવારની પ્રચાર રેલીમાં જોવા મળે છે. તેમની પ્રચાર રેલીમાં પાકિસ્તાની ઝંડા ફરકાવવામાં આવે છે એવા શબ્દોમાં શિવસેના (યુબીટી)ની ટીકા કરતાં મુખ્ય પ્રધાને સવાલ કર્યો હતો કે કમરનું કપડું માથા પર બાંધનારાને શરમ શું? ઉબાઠા ગર્વભેર કહી રહ્યા છે કે મારો મત કોંગ્રેસને આપીશ.
હિંદુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેને આ સાંભળીને જે દર્દ થતું હશે તેનો પણ વિચાર કરવામાં આવતો નથી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશમાં સુરાજ્ય લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેની કલ્પના છત્રપતિ શિવરાયે કરી હતી. વારાણસીમાં અમે લોકોએ નરેન્દ્ર મોદીને ફરી મતદાન કરવા માટે ઉત્સુક જનતાને જોઈ.
અમે ભાગ્યશાળી છીએ કે મોદીજી દ્વારા ઉમેદવારી પત્ર ભરવા સમયે હાજર રહેવાની તક મળી. તેમણે એમ પણ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી તો જનતાના વડાપ્રધાન છે.
એકનાથ શિંદેએ વધુમાં જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરોડો દેશવાસીઓ માટે પ્રેરણા સ્ત્રોત છે. તેમના જેવો વડાપ્રધાન પહેલા ક્યારેય થયો નથી અને ક્યારેય ફરી આવશે નહીં.
આ પણ વાંચો: ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી મુંબઈને મહારાષ્ટ્રથી કોઈ તોડી નહીં શકે: એકનાથ શિંદે
હું જ્યારે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળું છું ત્યારે હરિવંશરાય બચ્ચનની કવિતા યાદ આવે છે. તુ ના થકેગા કભી, તુ ના રૂકેગા કભી, તુ ના મુડેગા કભી, અગ્નિપથ લો શપથ! અગ્નિપથ! અગ્નિપથ! નરેન્દ્ર મોદીની રાજકીય કારકિર્દી અગ્નિપથ જેવી જ રહી છે, એમ એકનાથ શિંદેએ જણાવ્યું હતું.
આ ચૂંટણી દેશ માટે છે, આ વિકાસની ચૂંટણી છે. આ ચૂંટણી છે જે દેશને મહાસત્તા તરફ દોરી જશે. મોદીએ કલમ 370 હટાવી રામમંદિર બનાવ્યું. એકનાથ શિંદેએ કહ્યું કે મોદી દેશને મહાસત્તા બનાવવાની ગેરંટી છે.
યુવાનોને રોજગાર આપે, ઉદ્યોગોને પુનજીર્વિત કરે, મહિલાઓને આત્મસન્માન આપે, બાળકો સાથે બાળક બનીને આનંદ કરે અને સર્જિકલ સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને પાઠ ભણાવે તેનું નામ છે વડા પ્રધાન નરેન્દ્ર મોદી.
મોદીજીની બુધવારની કલ્યાણમાં રેલી અને પછી ઘાટકોપરમાં થયેલા રોડ શોને કારણે એમએમઆરની બધી જ 10 બેઠકો પર મહાયુતિનો જ્વલંત વિજય થશે એવો વિશ્ર્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.