કલ્યાણ બેઠકનું કોકડું ઉકેલાયું: શિંદે જૂથને બેઠક ફાળવાય તેવી શક્યતા
(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહાયુતિમાં હજી પણ અમુક બેઠકો મામલે ભાજપ, અજિત પવારની એનસીપી અને એકનાથ શિંદેની શિવસેના વચ્ચે ખેંચતાણ ચાલુ જ છે અને તેમાં પણ શિંદેના ગઢ ગણાતી થાણે અને કલ્યાણ બેઠકનો પ્રશ્ર્ન સૌથી મોટો છે. જોકે, આખરે આમાંથી કલ્યાણ બેઠક અંગે ફેંસલો લઇ લેવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
કલ્યાણ બેઠક આખરે શિંદે જૂથના ફાળે ગઇ હોવાની માહિતી મળી છે અને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર તેમ જ કલ્યાણ ખાતેના હાલના સાંસદ શ્રીકાંત શિંદેએ કલ્યાણ મતવિસ્તારમાં લોકોને મળવાનું શરૂ કરી દીધું હોવાનું પણ જાણવા મળ્યું છે.
આપણ વાંચો: કલ્યાણમાં ગર્ભપાત કરાવવા સાસુએ પુત્રવધૂના પેટ પર પાટુ મારી
આ બંને બેઠક ઉપરથી કોણ લડશે એ માટે છેલ્લા ઘણા દિવસોથી મહાયુતિના ત્રણેય પક્ષો વચ્ચે ચર્ચા શરૂ હતી અને બેઠકોનો દોર પણ શરૂ હતો.
થાણે બેઠક માટે ઉમેદવારોની અદલા-બદલી?
થાણે બેઠક પણ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેનો ગઢ છે અને તે પોતે થાણેના છે. એટલે શિંદેના ફાળે થાણે બેઠક જાય એ માટે તમામ પ્રયત્ન ચાલુ છે. જોકે, આ બેઠક માટે એક નવો કિમીયો અજમાવાય તેવી શક્યતા જણાઇ રહી છે. થાણે બેઠક ઉપરથી લડવા ઇચ્છુક ભાજપના મોટા નેતા શિંદે જૂથની શિવસેનામાં પ્રવેશે અને ધનુષ બાણના ચિહ્ન ઉપરથી ચૂંટણી લડે તેવી શક્યતા છે.
દક્ષિણ મધ્ય મુંબઈની બેઠકને લઇ બબાલ: વિભાગ પ્રમુખનું રાજીનામું
દક્ષિણ મધ્ય મુંબઈની બેઠકને લઇને પણ મહાયુતિમાં બધુ બરોબર હોય તેવું નથી જણાઇ રહ્યું. આ બેઠકના કારણે થઇ રહેલી આંતરિક જૂથબાજીના કારણે શિંદે જૂથના એક નેતાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધા હોવાના અહેવાલ છે. આ બેઠકને લઇને શિવસેનાના સાંસદ રાહુલ શેવાળે અને વિધાનસભ્ય સદા સરવળકર વચ્ચે મતભેદ હોવાનું કહેવાઇ રહ્યું છે.
આ વિવાદથી કંટાળીને શિંદે જૂથના વિભાગ ક્રમાંક 12ના પ્રમુખ ગિરીશ ધાનૂરકરે રાજીનામું આપી દીધું હોવાની મહિતી મળી છે. તેમણે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર લખીને પોતાનું રાજીનામું મોકલાવ્યું હતું અને આ પત્રમાં તેમણે પોતાની નારાજગી પણ વર્ણવી હતી.