આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

પહેલા બે તબક્કાના મતદાનમાં ઈન્ડી ગઠબંધનનો સફાયો: વડા પ્રધાન મોદી

સોલાપુર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે એવો દાવો કર્યો હતો કે કૉંગ્રેસ પોતાની દાગી છબી છતાં દેશમાં સત્તા પામવાના સપનાં જોઈ રહી છે, પરંતુ લોકસભાની ચૂંટણીના પહેલા બે તબક્કામાં ઈન્ડી ગઠબંધનનો સફાયો થઈ રહ્યાનું જોવા મળી રહ્યું છે.

મહારાષ્ટ્રના સોલાપુરમાં એક રેલીને સંબોધતાં તેમણે કહ્યું હતું કે ઈન્ડી ગઠબંધનમાં અત્યારે નેતૃત્વ માટે મહાયુદ્ધ ચાલી રહ્યું છે અને તેઓ પાંચ વર્ષમાં પાંચ વડા પ્રધાનની ફોર્મ્યુલા શોધી લાવ્યા છે. આ ગઠબંધન છેવટે દેશને લૂંટવા માટે જ કામ કરવાનું છે.

તેમણે કહ્યું હતું કે લોકોએ 10 વર્ષ માટે તેમને ચકાસી લીધા છે, જ્યારે બીજી તરફ ઈન્ડી ગઠબંધન નેતૃત્વનું સંકટ અનુભવી રહ્યું છે.

આપણ વાંચો: રામ મંદિર બનાવવાનો નિર્ણય આઝાદીના બીજા દિવસે લેવો જોઈતો હતો: વડા પ્રધાન મોદી

આ ચૂંટણીમાં તમે આગામી પાંચ વર્ષ માટે વિકાસની ગેરેન્ટીને પસંદ કરશો અને બીજી તરફ એવા લોકો છે જેમણે 2014 પહેલાં દેશને ભ્રષ્ટાચાર, આતંકવાદ અને બિનકાર્યક્ષમતા આપી હતી. પોતાના દાગી ઈતિહાસ છતાં કૉંગ્રેસ ફરી એક વખત દેશમાં સત્તા હાંસલ કરવાના સપના જોઈ રહી છે. પરંતુ તેમને ખબર નથી કે લોકસભાની ચૂંટણીના પહેલાં બે તબક્કામાં ઈન્ડી ગઠબંધનનો સફાયો થઈ ગયો છે, એમ મોદીએ કહ્યું હતું.

તમે મોદીને 10 વર્ષ માટે ચકાસી લીધો છે. તમે તેના બધા જ પગલાં માપી લીધા છે અને શબ્દો જોખી લીધા છે. બીજી તરફ ઈન્ડી ગઠબંધનમાં નેતૃત્વને મુદ્દે મહાયુદ્ધ ચાલી રહ્યું છે, એમ તેમણે કહ્યું હતું.

તમે દેશનું નેતૃત્વ એવા હાથમાં સોંપશો જેમણે પોતાના વડા પ્રધાનનો ચહેરો હજી સુધી નક્કી કર્યો નથી? શું કોઈ એવી ભૂલ કરી શકે છે? એમ વડા પ્રધાને પૂછ્યું હતું.

ઉદ્ધવની ટીકા કરતાં તેમણે કહ્યું હતું કે નકલી શિવસેના કહી રહી છે કે નેતૃત્વ માટે અનેક વિકલ્પો છે. શું કોઈ દેશ પાંચ વર્ષમાં પાંચ વડા પ્રધાનની ફોર્મ્યુલા પર ચાલી શકે? વાસ્તવમાં તેઓ દેશને ચલાવવા માગતા નથી અને તેમને તમારા ભવિષ્યની કોઈ ચિંતા નથી. તેમને તો ફક્ત મલાઈ ખાવામાં રસ છે, એમ તેમણે કહ્યું હતું.

દલિતો, આદીવાસીઓ કે પછી ઓબીસીના અધિકારોને હાથ લગાવ્યા વગર સરકારે ગરીબોને 10 ટકાનું આરક્ષણ આપ્યું હતું અને તેનું સ્વાગત તો દલિત નેતાઓ દ્વારા પણ કરવામાં આવ્યું હતું.

કૉંગ્રેસ ક્યારેય દલિત, આદિવાસી કે ઓબીસીને નેતૃત્વ સોંપવા માગતી નહોતી. બાબાસાહેબ આંબેડકરને ભાજપની સરકારમાં ભારત રત્ન મળ્યો હતો. ભાજપે દલિતો અને આદિવાસીઓને સૌથી વધુ નેતૃત્વની તકો આપી છે. દલિતના દીકરા (રામનાથ કોવિદ) અને આદિવાસી દીકરી (દ્રૌપદી મુર્મૂ)ને અનુક્રમે 2014 અને 2019માં રાષ્ટ્રપ્રમુખ બનાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button