નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ગૃહ પ્રધાન અમિત શાહે કેરળમાં કોંગ્રેસ અને શાસક પક્ષ પર નિશાન સાધતા કહ્યું કે…

અલાપ્પુઝા (કેરળ): ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે આજે કેરળમાં કોંગ્રેસ અને શાસક પક્ષ ડાબેરી પર નિશાન સાધ્યું હતું. બંને પક્ષો રાજ્યમાં લોકસભાની ચૂંટણી જીતવા માટે પ્રતિબંધિત સંગઠન ‘પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા’ (પીએફઆઇ)નું સમર્થન લઈ રહ્યા છે, એમ અમિત શાહે આરોપ મૂક્યો હતો.

શાહે આરોપ લગાવ્યો હતો કે જ્યારે પીએફઆઇની રાજકીય શાખા ‘સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઑફ ઈન્ડિયા’ (એસડીપીઆઇ) એ કેરળમાં કૉંગ્રેસના નેતૃત્વ હેઠળના યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (યુડીએફ)ને પોતાનું સમર્થન જાહેર કર્યું છે, ત્યારે લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (એલડીએફ) પીએફઆઇ પર પ્રતિબંધ પર મૌન છે. નોંધનીય છે કે અમિત શાહે કેરળના અલાપ્પુઝા લોકસભા ક્ષેત્રમાં ભાજપના ઉમેદવાર શોભા સુરેન્દ્રનના પક્ષમાં પ્રચાર કરતા આ વાત કહી હતી.

તેમણે 2021માં ભાજપના ઓબીસી મોરચાના નેતા રણજીત શ્રીનિવાસન અને પાર્ટીના અન્ય કાર્યકર્તાઓની તેમના ઘરમાં થયેલી હત્યાનો ઉલ્લેખ કરતા આરોપ લગાવ્યો હતો કે આ હત્યાઓ પીએફઆઈ જેવા આતંકવાદી જૂથો દ્વારા કરવામાં આવી હતી. શાહે કહ્યું હતું કે જ્યાં સુધી મોદી સરકાર સત્તામાં છે ત્યાં સુધી પીએફઆઇ પર પ્રતિબંધ રહેશે અને તેને દેશમાં ક્યાંય કામ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

આપણ વાંચો: અમિત શાહે કલમ 370 પર રાહુલ ગાંધી અને મહેબૂબા મુફ્તી પર નિશાન સાધ્યું, કહ્યું- ‘કોઈની હિંમત નથી…

તેમણે દેશના તમામ પરમાણુ શસ્ત્રોનો નાશ કરવાના પોતાના ચૂંટણી ઢંઢેરામાં આપવામાં આવેલા વચનોને લઇને ડાબેરીઓ પર નિશાન સાધ્યું હતું અને દલીલ કરી કે એલડીએફ ભારત પરમાણુ શક્તિ બને તેવું ઈચ્છતું નથી. તેમણે કહ્યું કે ભારત પરમાણુ શક્તિ બનીને રહેશે અને તેની રાષ્ટ્રીય સુરક્ષામાં કોઈ દખલ નહીં કરે. શાહે કરોડો રૂપિયાના કરુવન્નુર કો-ઓપરેટિવ બેન્ક કૌભાંડનો પણ ઉલ્લેખ કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે આ કૌભાંડ એ ડાબેરીઓ દ્વારા સહકારી ક્ષેત્ર પર હુમલો છે અને તેમણે ખાતરી આપી હતી કે મોદી તમામ થાપણદારોને તેમના પૈસા પાછા મળે અને જવાબદારોને સજા થાય તે સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે. ભાજપના નેતાએ કોંગ્રેસ પર સીપીઆઈ(એમ) અને કેરળના સીએમ સામેના આવા કૌભાંડો અને અન્ય ભ્રષ્ટાચારના આરોપો પર મૌન રહેવાનો આરોપ લગાવ્યો હતો.

શાહે કોંગ્રેસ અને ડાબેરી પક્ષો પર પણ પ્રહારો કર્યા અને આરોપ લગાવ્યો કે તેઓ બંને કેરળ અને પશ્ચિમ બંગાળમાં એકબીજા સાથે લડવાનો ઢોંગ કરે છે જ્યારે દેશના અન્ય ભાગોમાં તેઓ સાથે છે. તેમણે દાવો કર્યો કે દુનિયા અને ભારતમાં સામ્યવાદીઓ ખતમ થઈ ગયા છે અને એ જ રીતે દેશમાં કોંગ્રેસ પણ ખત્મ થઇ રહી છે. તેમણે કહ્યું કે આ ભાજપનો સમય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button