ગોવિંદાને કારણે શિંદે જૂથમાં અસંતોષ
મુંબઈ: શિવસેના એકનાથ શિંદે જૂથમાં અભિનેતા ગોવિંદા સામેલ થતાં તેમને લોકસભા ચૂંટણીમાં ઉત્તર-પશ્ચિમ મુંબઈની બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે એવી ચર્ચા ચાલી રહી છે. જોકે ગોવિંદાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે એવી શક્યતાથી શિંદે જૂથના કાર્યકરો અને બીજા નેતાઓએ વિરોધ કરવાનું શરૂ કર્યું છે.
લોકસભા ચૂંટણીમાં મહાયુતિ ગઠબંધન (ભાજપ, શિંદે જૂથ, અજિત પવાર જૂથ)ને મહારાષ્ટ્રમાં 45 સીટ પર વિજય મેળવવાનો લક્ષ્યાંક રાખ્યો છે. શિંદે જૂથ દ્વારા ઉદ્ધવ ઠાકરે જૂથને ટક્કર આપવા માટે વર્તમાન સાંસદ ગજાનન કીર્તિકરને ઉત્તર-પશ્ચિમ મુંબઈથી ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, પણ ઠાકરે જૂથ દ્વારા ગજાનન કીર્તિકરના પુત્ર અમોલ કીર્તિકરને આ સીટ પરથી ટિકિટ આપતા ગજાનન કીર્તિકરે દીકરા સામે ચૂંટણી લડવાથી પીછે હઠ કરી હતી.
ગજાનન કીર્તિકરે પોતાના દીકરા અમોલ કીર્તિકર સામે ચૂંટણી મેદાનમાં ઉતારવાની મનાઈ કરતાં શિંદે જૂથમાં ઉત્તર-પશ્ચિમ મુંબઈની બેઠક પર ઉમેદવારના નામને લઈને હજુ પણ મુંઝવણ ચાલી રહી છે. 14 વર્ષ પછી ફરી એક વખત રાજકારણમાં જોડાયેલા ગોવિંદાએ શિંદે જૂથમાં પ્રવેશ કર્યો હતો, જેથી ગોવિંદાને ઉત્તર પશ્ચિમ મુંબઈની બેઠક પરથી ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે એ વાતનો વિરોધ થઈ રહ્યો છે.
આપણ વાંચો: ‘ગોવિંદા આલા રે’ શિંદે જૂથમાં એન્ટ્રી?
બાળાસાહેબ ઠાકરેએ જે રીતે સામાન્ય શિવસૈનિકોને મોકો આપીને વિધાનસભ્ય અને પ્રધાનો બનાવ્યા તે પ્રમાણે આ બેઠક પર પણ સામાન્ય શિવસૈનિકને મોકો આપવાની માગણી શિંદે જૂથના કાર્યકરોએ કરી હતી, જેથી ઉત્તર-પશ્ચિમ મુંબઈની સીટ પર ઉમેદવારના નામ બાબતે સસ્પેન્સ કાયમ રહ્યો છે.
ઉત્તર-પશ્ચિમ મુંબઈમાં મરાઠી મતદાતાઓની સંખ્યા વધુ છે,જેથી ગોવિંદાની આ બેઠક પર તે ચાલશે નહીં જેથી કોઈ મરાઠી અભિનેતાને આ બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં એવી માગણી શરૂ થઈ છે અથવા કોઈ સામાન્ય શિવસૈનિકને ઉમેદવાર બનાવો એવું વલણ શિંદે જૂથના સભ્યોએ અપનાવ્યું છે.