દિંડોરી-નાશિક બેઠક પરથી 10 જણે ઉમેદવારી પાછી ખેંચી
મહાયુતિ અને મહાવિકાસ આઘાડીને મોટી રાહત

નાશિક: લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પૂર્વે જ નાશિક અને દિંડોરી લોકસભા બેઠક પરના 10 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેતા મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના ઉમેદવારોને મોટી રાહત મળી છે. 10 જણે ઉમેદવારી પાછી ખેંચતા મતોનું વિભાજન ઓછું થશે અને તે મત મહાયુતિ અને મહાવિકાસ આઘાડીના ઉમેદવારોના ફાળે જાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે સોમવાર 20મી મેના રોજ યોજાનારા મતદાન માટે ઉમેદવારી પાછી ખેંચવા માટેનો છેલ્લો દિવસ હતો. નાશિક અને દિંડોરીની બેઠક પર 20મી મેએ મતદાન યોજાશે.
ઉમેદવારી પાછી ખેંચનારાઓમાં અમુક મહત્ત્વપૂર્ણ ઉમેદવારોનો પણ સમાવેશ થાય છે. કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા-સીપીઆઇ(એમ)ના ભૂતપૂર્વ વિધાનસભ્ય જે.પી.ગાવિતે પણ દિંડોરી બેઠક પરથી પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી અને પોતાનું સમર્થન શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના ઉમેદવાર ભાસ્કર ભાગરેને જાહેર કર્યું હતું.
આ જ બેઠક પરથી ભાજપના ભૂતપૂર્વ સાંસદ તેમ જ વિદ્રોહ કરનારા હરિશચંદ્ર ચવાણે પણ આરોગ્યના કારણોસર પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. ચવાણની ઉમેદવારીના કારણે મહાયુતિના ઉમેદવાર તેમ જ કેન્દ્રીય પ્રધાન ડૉ.ભારતી પવારને મુશ્કેલનો સામનો કરવો પડી શક્યો હોત, કારણ કે ચવાણ આ વિસ્તારમાં સારો એવો દબદબો ધરાવે છે.