વિશેષઃ કોણ છે ‘ફોર્બ્સ’ મેગેઝિનમાં સ્થાન પામનાર એકમાત્ર આશા કાર્યકર? | મુંબઈ સમાચાર
લાડકી

વિશેષઃ કોણ છે ‘ફોર્બ્સ’ મેગેઝિનમાં સ્થાન પામનાર એકમાત્ર આશા કાર્યકર?

રાજેશ યાજ્ઞિક

‘ફોર્બ્સ’ જેવાં પ્રતિષ્ઠિત મેગેઝિનમાં સ્થાન પામવા તમારે મિલિયોનેર કે બિલિયોનેર કે સુપરસ્ટાર અથવા તો કોઈ પાવરફુલ પોલિટિશિયન હોવું જરૂરી છે?

ના, જરાય નહીં. એના તેના માટે જરૂરી છે તમારા કર્મક્ષેત્રમાં નિષ્ઠાવાન પ્રયત્ન, જે લોકોના જીવનને જ નહીં, એમના હૃદયને પણ સ્પર્શી જાય. આવી મહિલાઓ જ નારીશક્તિનું સાચું ઉદાહરણ છે.

મટિલ્ડા કુલ્લુ! આ નામ ભાગ્યે જ કોઈએ પહેલાં સાંભળ્યું હશે, પરંતુ આજે એ આખી દુનિયામાં પ્રખ્યાત છે. ઓડિશાની રહેવાસી મટિલ્ડા કુલ્લુ ન તો કોઈ ઉદ્યોગપતિ છે કે ન તો ઉચ્ચ શિક્ષિત છે. આશા કાર્યકર તરીકે, તે માત્ર 5,000 રૂપિયાનો પગાર મેળવે છે તેમ છતાં ‘ફોર્બ્સ- ઈન્ડિયા વુમન-પાવર 2021’ ની યાદીમાં સ્થાન મેળવનાર એ પ્રથમ ભારતીય આશા કાર્યકર છે.

2005માં સરકારે રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન શરૂ કર્યું અને નબળા સમુદાયોને આરોગ્ય સંભાળ સાથે જોડવા માટે આ આશા કાર્યકરોની ભરતી કરી. ભારતમાં આવા દસ લાખથી વધુ કાર્યકરો સક્રિય છે. મટિલ્ડાની સફર 2006 માં ઓડિશાના સુંદરગઢ જિલ્લાના ગર્ગદબહાલ ગામમાં આશા કાર્યકર તરીકે શરૂ થઈ હતી.

આ પહેલા એ પતિ સાથે ઘર ચલાવવા માટે નાની નોકરીઓ અને સીવણકામ કરતી હતી, જે 4 લોકોના પરિવાર માટે પૂરતું નહોતું. આશા વર્કર તરીકે કામ કરવાનો એનો મુખ્ય ઉદ્દેશ્ય પરિવાર માટે પૈસા કમાવવાનો હતો, પણ પોતાના કર્મને એણે ધર્મ માનીને જે રીતે નિભાવ્યું, તેની કહાણી ન માત્ર રોચક છે, પરંતુ પ્રેરણાદાયક પણ છે.

મટિલ્ડાનો દિવસ દરરોજ સવારે 5 વાગ્યે ઉઠવાથી શરૂ થાય છે. પરિવાર માટે નાસ્તો અને બપોરનું ભોજન તૈયાર કર્યા પછી અને ઢોરની સંભાળ રાખ્યા પછી, તે સવારે 7:30 વાગ્યે સાઈકલ પર પોતાના ઘરેથી કામ માટે નીકળે છે.

ગર્ગદબહાલ ગામમાં ગામલોકો બીમાર પડે ત્યારે ન તો ડોક્ટર પાસે જતા કે ન તો હોસ્પિટલ જતા, એ લોકો સારવાર માટે ‘ઝાડ ફૂંક’ (કાળો જાદુ) કરતા. સગર્ભા સ્ત્રીઓને પ્રસૂતિ માટે હોસ્પિટલમાં જવાની પણ મંજૂરી નહોતી, તેથી બાળજન્મ દરમિયાન મુશ્કેલીઓના ઘણા કિસ્સાઓ સામે આવતા હતા. આવી સ્થિતિમાં, મટિલ્ડાનું પહેલું કાર્ય આ માનસિકતા બદલવાનું અને ગ્રામજનોને આરોગ્ય યોજનાઓ સમજાવવાનું હતું.

કુલ્લુને ગામલોકોને યોગ્ય તબીબી માર્ગો અપનાવવા માટે શિક્ષિત કરવામાં વર્ષો લાગ્યા. સદ્ભાગ્યે મટિલ્ડાને કેટલાક શિક્ષિત ગ્રામજનોનું સમર્થન મળ્યું. ઘરે ઘરે જઈ, ગ્રામજનોને આરોગ્ય યોજનાઓ અને આરોગ્ય તપાસના મહત્ત્વ વિશે એ માહિતી આપતી, પરંતુ કુલ્લુ અનુસૂચિત જનજાતિની હોવાથી કેટલાંય ઘરોમાં એને જાતિવાદ અને અસ્પૃશ્યતાનો સામનો પણ કરવો પડ્યો.

આ પણ વાંચો…વિશેષ – પૂર્ણમાસી જાની: એક આદિવાસી સ્ત્રી કઈ રીતે બની ‘પદ્મશ્રી’?

શરૂઆતમાં, એનું મુખ્ય કાર્ય ગામની ગર્ભવતી મહિલાઓની તપાસ કરવાનું અને એમને શક્ય તેટલી તબીબી સહાય પૂરી પાડવાનું હતું. એણે 200થી વધુ મહિલાઓને પ્રસૂતિ કરવામાં મદદ કરી છે. ધીમે ધીમે લોકો એના ઉપર વિશ્વાસ પણ મૂકવા લાગ્યા. જૂની પેઢીના લોકો હજી જાતિવાદના કારણે એનાથી દૂર રહેતા, પણ નવી પેઢીના લોકો મદદ માટે એની પાસે જતા હવે ખચકાતા નથી. ક્યારેક ગામલોકોની તબિયત સારી ન હોય તો એ કુલ્લુના ઘરે દવા લેવા માટે આવી જાય છે.

ઘણીવાર, એને અડધી રાતે પ્રસૂતિ માટે ગર્ભવતી સ્ત્રીની મદદ કરવા દોડી જવું પડે છે. એના અન્ય નિયમિત કાર્યોમાં પ્રસૂતિ પહેલા/પ્રસૂતિ પછીની તપાસ, રસીકરણ, સેનિટાઇઝેશન, સ્વચ્છતાને પ્રોત્સાહન આપવું, પોલિયો અને અન્ય રસીઓ આપવી, સર્વેક્ષણો કરવા વગેરેનો સમાવેશ થાય છે. અને મહત્ત્વની વાત એ, કે આ બધું મટિલ્ડા એકલા હાથે સંભાળે છે!

આટલી મહેનત પછી એને માત્ર 5,000 રૂપિયા મળે છે! સરકાર તરફથી અપાતી પ્રોત્સાહક રકમ આપવામાં પણ સરકારી બાબુઓ જાણે પોતાના ગજવામાંથી આપવાના હોય તેવા ઠાગાઠૈયાં કરે. હમણાં આશા વર્કરોએ 2 વર્ષથી બાકી રકમ માટે આંદોલન કરવાની પણ ફરજ પડી હતી.

કોવિડના સમયગાળામાં મટિલ્ડા કુલ્લુએ કરેલું કામ ખૂબ પ્રશંસનીય બન્યું હતું. માર્ચ મહિનામાં રાષ્ટ્રવ્યાપી લોકડાઉન પછી જ્યારે આખા દેશને ઘરે રહેવાનું કહેવામાં આવ્યું, ત્યારે આશા વર્કરોને દરેક ઘરની મુલાકાત લેવા અને ગામલોકોને આ નવા વાયરસ વિશે શિક્ષિત કરવાનું કહેવામાં આવ્યું. લોકો કોવિડ ટેસ્ટથી દૂર ભાગતા હતા, એમને સમજાવવા ખરેખર મુશ્કેલ હતા.

લોકોના સીધા સંપર્કમાં આવવાનું હતું, છતાં પીપીઈ, માસ્ક, ગ્લોવ્સ અને સેનિટાઇઝર પણ નહોતા મળ્યા. આમ છતાં મટિલ્ડાએ પોતાનું કામ પૂરી નિષ્ઠાથી નિભાવ્યું. કોવિડની બીજી લહેર દરમિયાન પોતે ચેપગ્રસ્ત થઇ હોવા છતાં, સ્વસ્થ થયા પછી બે અઠવાડિયામાં ફરી કામ શરૂ કર્યું હતું.

ફેલાતી અફવાઓ વચ્ચે લોકોને વેક્સીન લેવા સમજાવવું પણ ભગીરથ કાર્ય હતું. જે એણે કરી બતાવ્યું. તેમાં ગામના લોકોનો મટિલ્ડામાં રહેલો વિશ્વાસ પણ મહત્ત્વનો સાબિત થયો. આજે, મટિલ્ડા કુલ્લુ લગભગ 1,000 લોકોની સંભાળ રાખે છે, જેમાંથી મોટાભાગના ખારિયા જાતિના છે.

આશા કાર્યકરોને સરકારની આંખ અને કાન કહેવાય છે, કેમકે છેવાડાના ગામડામાં પાયાના સ્તરે શું પરિસ્થિતિ છે તેની કોઈપણ માહિતી માટે અધિકારીઓ સંપૂર્ણપણે એમના ઉપર આધાર રાખે છે. તેમ છતાં એમને મહેનતનું પૂરું વળતર મળતું નથી. આવી સ્થિતિમાં પણ પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરીને દેશસેવામાં અમૂલ્ય યોગદાન આપતી મટિલ્ડા જેવી લાખો આશા કાર્યકર્તાઓ, ખરેખર આપણા દેશના ઉજ્જવળ ભવિષ્યની આશા છે.

આ પણ વાંચો…વિશેષઃ પુરુષનાં શરીરમાં અટવાઈ ગયેલી સ્ત્રીની વ્યથા…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button