ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ સંબંધમાં સંવાદ ને ભરોસાની બાદબાકી થાય ત્યારે… | મુંબઈ સમાચાર
લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ સંબંધમાં સંવાદ ને ભરોસાની બાદબાકી થાય ત્યારે…

  • શ્વેતા જોષી અંતાણી

તથ્યા આજકાલ એની મમ્મી સાથે મૌનવ્રત લઈને બેઠી હતી. કારણ એટલું જ કે, મમ્મી સુમન એને અમુક દોસ્તો સાથે બહાર જવા પર પ્રતિબંધ મૂકતી. તથ્યાને લાગતું કે આ એની આઝાદી તેમજ મૌલિક અધિકારોનું સંપૂર્ણ હનન છે.

આજે એને બોલ્યા વગર બહાર જતાં જોઈ સુમને એને રોકી.
‘મમ્મી, પ્લીઝ હું બસ મારા ફ્રેન્ડ્સ સાથે મોલ જઈ રહી છું, કોઈ વોર ઝોનમાં નહીં’. તથ્યાના અવાજમાં ચીડ હતી,
‘મેં ના પાડીને કે નથી જવાનું?’ સુમને શાંત પરંતુ મક્કમ સ્વરે કહ્યું,

‘બેટા, તને નથી ખબર પડતી કે કોણ સારું છે ને કોણ ખરાબ. હું મારા અનુભવે કહું છું કે, આ જે તું નવા લોકો સાથે હળીમળી રહી છે એ તારા માટે યોગ્ય નથી…. ’ તથ્યાની આંખો ચકળવકળ થઈ ઊઠી :

‘મોમ, તને તો સોસાયટીના લેડિઝ ગ્રુપ સિવાયના બધાં અજીબ લાગે છે. એનીવેઈઝ, યુ વોન્ટ અન્ડર્સ્ટેન્ડ મી…’ કહી તથ્યાએ ચાલતી પકડી. પાછળ દરવાજો એટલા જોરથી બંધ કર્યો કે, સુમનના કાનમાં તમરા બોલી ગયાં. એને ત્યાં જડ્વત ઉભી રહી. તથ્યાએ બોલેલા શબ્દો વચ્ચે અટવાયેલી.

એક સમય હતો જ્યારે ત્યાં એની આંગળી પકડી બગીચે રમવા જતી. ખોળામાં માથું રાખી સુઈ જતી. એક મિનિટ પણ અળગી ના થતી. અને આજે એજ તથ્યા મા સામે કતરાતી ફરે છે. મોલમાં જવાની ના પાડી એટલે તથ્યાબેન બીજી તરફ વળ્યા. પોતાના રૂમમાં પહોંચી જોરશોરથી મ્યુઝિક સિસ્ટમ ચાલુ કરી. બાજુમાં ફોનની સ્ક્રીન પર ગ્રૂપ ચેટ્સમાં ધડાધડ મેસેજ આવી રહ્યા હતા :

‘આર યુ કમિંગ? તું આવે છે કે નહીં ? ટેલ યોર મોમ ટુ ચીલ. એને મનાવ યાર, કહી દે કે, વી આર જસ્ટ હેંગીગ આઉટ. કોઈ બેંક લૂંટવા નથી જઈ રહ્યાં..હીહીહી’..

તથ્યાએ આહ ભરી. એને સમજમાં નહોતું આવી રહ્યું કે પોતાની જ મમ્મી આટલી બધી ઓવર પ્રોટેક્ટિવ કેમ છે? દરેક વખતે એ જ ડર, શંકા, કચકચ. એકના એક સવાલો ‘શું પહેરીને જઈશ, કોની સાથે જાય છે, ક્યારે પાછી આવીશ? તથ્યા સ્પષ્ટપણે માનવા લાગેલી કે મમ્મીને એની સ્વતંત્રતાનો ડર લાગે છે.

આ તરફ સુમન રુમની બહાર ઉભી હતી. ઈચ્છે તો એ દરવાજો ખટખટાવી શું તોડી પણ શકે એમ હતી, પણ એ થંભી ગઈ. પોતાના કહેવાથી વાત વધુ વણસી જશે એનું બ્રહ્મજ્ઞાન થયું હોય એમ એ પાછી વળી ગઈ. કલાકો પસાર થયા. રાત્રે જમવાના ટેબલ પર બન્ને ચૂપ હતાં. વાતચીતનું કામકાજ ટીવીને સોંપાયેલું. સુમને પહેલ કરી. એક કોશિશ કરી સંવાદ સાધવાની: ‘તથ્યાં કાલે તારા માટે પાસ્તાબનાવું?’ તથ્યાએ સામું પણ જોવાની દરકાર કર્યા વગર જવાબ આપ્યો :

‘ના, હું બહાર નાસ્તો કરવાની છું. સુમનનું હૃદય બેસી ગયું. એ જાણતી હતી બહારનો મતલબ શું હતો. એ કંઈ પહેલાની માફક એ મિત્રો નહોતા જેમની સાથે નિશ્ર્ચિતપણે તથ્યાને બહાર મોકલી શકાતી. મા તરીકે એનો આશય માત્ર તથ્યાની સુરક્ષા અને સલામતીનો હતો, પણ તથ્યાને સમજાવવું કેમ? એમની વચ્ચે સામાન્ય વાતચીત થવી પણ અસામાન્ય બાબત હતી. તથ્યા સાથેની કોઈપણ વાત ચર્ચા કે દલીલ વગર પૂરી ના થતી.

થોડા દિવસ આમને આમ વીત્યા. તથ્યા શું કરે છે એ વાતથી સુમન બિલ્કુલ અજાણ હતી. એવામાં એના લેડિઝ ગ્રુપમાં કોઈએ ફોટો મુકી લખ્યું:
‘આજકાલની જનરેશન હવે સાવ વંઠી ગઈ છે…’

એ જોતાવેંત સુમન છળી પડી. હાથમાં સિગારેટ પકડી ઊભેલી છોકરીઓની પાછળ એણે તથ્યાને જોઈ. સુમનનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. ઘરમાં તોફાન મચી ઉઠ્યું. સુમને કાગારોળ કરી, તથ્યાએ સફાઈ આપી.‘ મેં કંઈ કર્યુ નથી. મને તો ખબર પણ નથી એ બધા શું કરી રહ્યા હતા. હું બસ ખાલી સાથે ગયેલી.. ‘સુમન સાચું માને એમ નહોતી. એણે લગભગ ચીસ પાડી:

‘તથ્યા, મેં તારા પર ભરોસો મૂક્યો હતો.’
‘ભરોસો? તથ્યા સામે બરાડી: ’

‘મમ્મી, તે મારા પર ક્યારેય ભરોસો મુક્યો જ નથી. નાનપણથી બસ માત્ર આદેશ આપ્યા છે. આ કર- આ ના કર. અહીં જા ને ત્યાં નહીં…. તે ક્યારેય એવું જાણવાની કોશિશ કરી છે કે, હું શું વિચારું છું? સાચું કહું તો પણ માનતી નથી. ભરોસાની વાત તો તું રહેવા જ દે….’

રાત્રે સુમનને ઊંધ ના આવી. એ વિચારતી રહી. શું સાચે પોતે દીકરીને સમજવામાં ઊણી ઊતરી છે? આવું કેમ થાય? જેવા બાળકો એની ટીનએજ દુનિયામાં પહોંચે કે મા-બાપ એમને દુશ્મન સમાન શા માટે ભાસતા હશે?

જવાબ સરળ છે. જો બાળપણથી એમની સાથે થોડો વધુ સમય પસાર કર્યો હોય, એક એવો સેતુ બનાવ્યો હોય કે જ્યાં તેઓ પોતાની લાગણીઓ સુરક્ષિત મહેસૂસ કરી શકે તો ટીનએજ આવતા એમના દોસ્ત બની શકાય છે.

મોટાભાગના પેરેન્ટ્સ અજાણપણે એમની લાગણીઓને ઠેસ પંહોચાડતા રહે છે. અને પછી સુમન માફક નજીક જવાની કોશીશ કરે ત્યારે સંતાનોને લાગે છે કે આ એમની અંગત સ્વતંત્રતાનું હનન છે.

કારણ કે તમે એમ અચાનક કોઈના દોસ્ત ના બની શકો. એક ટીનએજરના તો નહી જ. નાનપણમાં તથ્યા ઢીંગલીઓ સાથે વાતો કરતી તો સુમન દોડીને એને ટપારતી. ‘આવા વેવલાવેડા નહી કરવાના…’ તથ્યાને ડ્રોઈંગ કરતી જુએ તો લાઈફ લેસન આપતા બોલી ઉઠતી :

‘મેથ્સ કર. એ કામ આવશે. આવા લીટોડિયા નહી…’

તથ્યા સ્કૂલની વાતો કરતી ત્યારે સુમન પોતાના કામમાં વ્યસ્ત રહેતી. સુમનના મગજમાં આવા અનેક સવાલ-જવાબ આપમેળે થવા લાગ્યા.

અંતે વહેલી સવારે નિષ્કર્ષ પર પહોંચી કે પોતે હંમેશાં એક સારી મા બનવાના પ્રયત્નોમાં લાગી રહી, પણ તથ્થાની હૃદયસ્થ મા બનવાનું ચૂકી ગઈ છે. જોકે જાગ્યા ત્યારથી સવાર હવે પોતાનું વલણ એ બદલશે એવું નક્કી કરી બહાર નીકળી. જુએ છે તો તથ્યા પોતાના બેગ-બિસ્તરા પેક કરીને બેઠી છે. સુમનને જોતાં એ બોલી :

‘મારે દાદા-દાદી પાસે જવું છે… ’
‘તથ્યા, કદાચ મેં તને બહુ રોકી. કંટ્રોલ કરી. મને ડર હતો કે આ દુનિયા તને હાનિ પહોંચાડશે. મારો ડર એટલો વધી ગયો કે, મેં તને મારી જાતથી દૂર કરી દીધી… ’

તથ્યાએ બેગ ઉપાડી માત્ર એટલું કહ્યું :

‘મોમ ક્યારેક ગુસ્સા કે ખીજ વગર માત્ર વાત કરવાના આશયથી વાત કરી શકીશ? આઈ ઓલ્સો નીડ ટુ ટોક, પણ આજે મારે દાદી પાસે જવું છે… ’

એ સાંભળી સુમન હકારમાં માથું હલાવતી તથ્યાને વળગી પડી. બહાર કેબનો અવાજ સંભળાયો ને તથ્યા ‘સી યુ સુન…’ કહી જતી રહી.

સુમન મનોમન બોલી ઊઠી: ‘ટીનએજ દીકરીને કેદ નથી કરી શકાતી. તમે એને બસ, સમજી શકો અથવા તો સમજાવી શકો છો…’

આપણ વાંચો:  દાલ-રોટી ખાઓ… પ્રભુ કે ગુણ ગાઓ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button