ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ સજાથી મળે સર્વોતમ શીખ…

શ્વેતા જોષી અંતાણી
શનિવારની સવાર અનુશ્રીને હંમેશાં ખાલી-ખાલી લાગતી. સ્કૂલમાં પણ માહોલ રજા જેવો જ છવાયેલો રહેતો. નાના છોકરાઓને છુટ્ટી રહેતી, મોટાઓને પરીક્ષા. વચગાળાના વિદ્યાર્થીઓ ઈત્તર પ્રવૃતિઓ કરતાં. અનુશ્રીને એટલે જ શનિવાર અકળાવતો. આમ તો અનુશ્રી મીઠડી હતી. ડાન્સની શોખીન, પરફેક્શનિસ્ટ, આત્મવિશ્વાસથી છલોછલ, પણ એની એકજ નબળાઈ. એ જ્યાં રેઢિયાળપણું જુએ ત્યાં બાખડી પડે.
ઝઘડે નહીં, પણ એની જીભડી કાતરની જેમ ચાલે. એમાં એક દિવસ ટીચરનો ઈગો કાતરી ગઈ. સજામાં એને મળ્યું ડિટેન્શન. કોઈએ એને સફાઈનો મોકો ના આપ્યો. કારણ જે હોઈ તે પણ એની ઈમેજનો સોથ વળી ગયો એ ખ્યાલે ડિટેન્શન રૂમમાં બેસેલી અનુશ્રી ગુસ્સાથી તમતમી ઉઠેલી. સામે અન્ય ચાર ચહેરા પણ બેસેલા જોયાં. એક હતો આરવ, સ્કૂલનો હેડ બોય.
`આ હીરોને શું લેવા ડિટેન્શન મળ્યું હશે?’ અનુશ્રી મનોમન વિચારી રહી. એની ડાબી તરફ ચોપડીમાં ઊંધું ઘાલીને કાવ્યા બેસેલી. એ જોઈને તો અનુશ્રીને રીતસર આઘાત લાગ્યો. આ ભણેશરીને તે વળી શાની સજા? જમણી તરફ નજર નાખી ત્યાં તો અમન ડોકાયો. ઓહો! સ્કૂલનો સ્પોર્ટ્સ કેપ્ટન, નેશનલ હોકી પ્લેયર, છોકરીઓનો હાર્ટ થ્રોબ. આ અહીં ક્યાંથી? નક્કી આ સ્કૂલ સિતારાઓને મારા કનફ્રન્ટેશન માટે અહીં બોલાવ્યા લાગે છે. ટીચર્સ પણ કંઈ ઓછા નથી. આજે મારી નાલેશી કરીને પોતાના અપમાનનો બદલો લેશે.
એટલે હવે કોઈ ના બોલે તો આપણે તો પહેલ કરવી જ નથી. એ વિચારે અનુશ્રી હોઠ ભીડી, અદબ વાળી ચૂપચાપ બેસી રહી. થોડી મિનિટો પસાર થઈ ત્યાં ધડ્! દઈને દરવાજો ખુલ્યો. એકસાથે બે વ્યક્તિ અંદર આવી.. કો-ઓર્ડિનેટર સર રાહુલને લગભગ બોચી પકડી ખુરશી સુધી દોરી લાવ્યાં. બધાં સામે જોઈ માત્ર એટલું જ કહ્યું, `તમે જાતને કઈ રીતે જુઓ છો. આનો જવાબ નિબંધ સ્વરૂપે લખો. અને પાછળ ધમ્મ દેતાં દરવાજો બંધ થયો.
થોડું વધારે જોર કર્યું હોત તો એ જૂના ઑડિટોરિયમનો દરવાજો બારસાખનો સાથ છોડી દેતાં વાર ના કરત. હા, ડિટેન્શન રૂમ કે જ્યાં સ્ટુડન્ટ્સને સજાના ભાગરૂપે બેસાડવામાં આવતાં એ એજ ઑડિટોરિયમનો ગ્રીનરૂમ હતો, જ્યાં અનુશ્રીએ અનેકોવાર ડાન્સ પર્ફોમન્સ આપેલું. એ વાહવાહી ને તાળીઓનો ગડગડાટ એના કાનમાં અત્યારે પણ ગાજી ઉઠ્યા. પોતે સ્ટેજ પર હીરોઈનની અદાથી પ્રવેશ કરતી એ દ્રશ્ય આંખ સામે તરવરી ઉઠ્યું.અને આજે પોતે ગુનેગાર માફક અહીં બેઠી છે એ વિચારે આંખમાં આંસુ તગતગી ગયાં.
પહેલો એકાદ કલાક કોઈ કશું જ ના બોલ્યું. ઘણો સમય એમ જ પસાર થયો ત્યાં સહુના આશ્ચર્ય વચ્ચે અચાનક કાવ્યાએ પુસ્તકમાંથી મોં ઊંચું કરી હોઠ ફફડાવ્યા: `આ એ જ ઓડિટોરિયમ છે જ્યાં મેં મારી કવિતાઓ વાંચી, પુસ્તકોનું પઠન કર્યું. લોકોએ મને વખાણી, મારા શબ્દોની સરાહના કરી અને આજે મને અહીં જ સજા આપવામાં આવી છે. કારણ ફક્ત એટલું જ કે ટીચર મને કંઈપણ પૂછે હું ક્યારેય જવાબ આપતી નહીં..’ આટલું બોલતાં તો કાવ્યા ગળગળી થઈ ગઈ. ઓહો..
અનુશ્રીને પહેલીવાર અહેસાસ થયો કે, આને તો મારી જેમ સજા મળી છે. આ કંઈ મને સજા આપવા નથી આવી. મનોમન રાજી થતી પોતે કંઈ બોલવાનું વિચારે એ પહેલા અમન બોલી ઉઠ્યો, `હા, યાર આ સ્ટેજ ઉપર મેં કેટલાં બધાં ઇનામો લીધાં છે. કેટલી બધી વખત ટ્રોફીઓ જીતી છે. અને એકવાર પેલા જાડીયા હેરીને મેં ધોકાવી શું નાખ્યો, આ લોકો બધું ભૂલી ગયાં. મને પણ એમ થાય છે કે, આ સ્ટેજે મને કેટલું બધું આપ્યું છે.’
આરવ પણ વચ્ચે બોલ્યો: `આજે હું સ્કૂલના હેડબોય તરીકે અહીં બેઠો છું. મારા માટે તો એ જ મોટી શરમજનક વાત છે. રોજ પેલો રાઘવ મને મન પડે એવી ગાળો આપતો, પણ આજે હું બોલ્યો તો મારો હેડબોયનો બેઝ લઈ લીધોને અહીં ધકેલી દીધો…’
રાહુલ માથું ખંજવાળતા બોલ્યો: `મને તો સજા હંમેશાં મળતી જ રહી છે. મારા પેરેન્ટ્સને એક સુંદર, હોશિયાર, ડાહી, ટેલેન્ટેડ દીકરી છે. એમને મારી કંઈ પડી નથી. આ સ્ટેજ પરથી મારા પર્ફોર્મન્સને વધાવનાં કોઈ હોય એની રાહ આજે પણ હું જોઉં છું. કારણ કે મારા મા-બાપને તો મારી બહેન સિવાય કોઈની પડી જ નથી….’
આટલું સાંભળ્યા પછી અંતે અનુશ્રી બોલી: `હું પણ સખત પરફેક્શનમાં જીવવાની લાલચમાં અહીં પહોંચી છું. મને બહુ જ અફસોસ થાય છે…’
પછી તો શું? કલાકો વિત્યાં, નિબંધો લખાયાં, વાતો થઈ તકલીફો વર્ણવાય. આમ વાતાવરણ ડહોળાય ગયું. બધાં પાસે કહેવા માટે ઘણું હતું, એટલે આરવના હેડબોય ટે્રઈટ્સ ઊભા થયાં. એણે કહ્યું, `આપણે દરેક પોતપોતાની વાત અહીં વારાફરતી કહીએ. કોઈ શબ્દોની ચોરી નહીં, કોઈ છોછ નહીં, કોઈ જજ થવાનો ડર નહીં. ખુલ્લા મને આપણા વિચારોને અહીં વહેવા દઈએ.’
બધાં એ વાતને વધાવી લીધી અને એક પછી એક દરેકે પોતાનું હૈયું એ ડિટેન્શન રૂમમાં ઠાલવી નાખ્યું. એનું જે પરિણામ આવ્યું એ અદ્ભુત હતું. હમણાં ઘડીક પહેલા એકબીજાથી ડરતાં આ સ્કૂલના સુપર સ્ટાર્સને આજે ખ્યાલ આવ્યો હતો કે એમની પાસે ઘણું બધું હોવા છતાં સ્વભાવ-સંસ્કારમાં કંઈક એવું ખૂટ્યું ચોક્કસ છે જે આજે એમને અહીં સુધી દોરી લાવ્યું. જાણે તણાવસ્થા એ એમની પાસે જકાત માગી.
જાણે કહી રહી હોય કે તમે સહુ હોશિયાર છો, પરફેક્ટ છો, સફળતા મેળવી રહ્યા છો, આગળ વધી રહ્યા છો, પણ હું તમને એમ છૂટ્ટા થોડાં મુકીશ? હું તમને એહસાસ કરાવીને રહીશ કે ઉંમરનો આ તબક્કો કેવો અટપટો હોય. બસ, ઉંમરના એજ તબક્કા સામે બાથ ભીડી રહેલા એ પાંચ તણો આજે અજાણપણે એકબીજાનો સહારો બની બેઠાં હતાં. બહાર એમની વાતો સાંભળી રહેલા ટીચર્સની આંખોમાં હરખના આંસુ હતાં અને સજાના નામે આ હોનહાર તણોને શીખ આપી શક્યા એનો સંતોષ પણ હતો.
અંદર અનુશ્રી સહિત બીજા ચારેચાર એમની વચ્ચે થયેલી ચર્ચાના અંશો નિબંધમાં ઉતારી રહેલા ત્યારે એમની વાતોને વિસ્તારપૂર્વક અન્ય વિદ્યાર્થીઓને જણાવવાનો નિર્ણય શિક્ષકગણ દ્વારા લેવાય ચૂક્યો હતો. અને સ્કૂલમાં સોમવારની સવારે પ્રથમ નિબંધ નામે `અનુશ્રી – ધ પરફેક્શનિસ્ટ ગર્લ’ વંચાવાની રાહ જોવાય રહી હતી.



