લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ આકર્ષણના લપસણાં માર્ગની આગવી મૈત્રી તરફ દોટ

  • શ્વેતા જોષી અંતાણી

આજનો દિવસ શ્રીજા માટે સામાન્ય કરતાં થોડો અલગ ઉગ્યો. આગલી રાત્રે મમ્મી-પપ્પા સાથે કરેલી વાતો પછી એને આ સવાર વધુ સમજણ ભરી, વધુ લાગણીસભર અને વધુ તાજીમાજી લાગી. રૂમમાંથી બહાર આવીને પણ એના ચહેરા પર સ્મિત અને આંખોમાં અનોખી ચમક હતી.

સ્વાતિએ રસોડામાંથી એ જોયું, દીકરીને તૈયાર થતાં, જાત વિશે થોડી વધુ સભાન થતાં નિહાળી એટલે નાસ્તાની પ્લેટ પીરસતાં હળવી મજાક કરી લીધી:

આજે કંઈ ખાસ છે કે?' ના, મમ્મી’. શ્રીજાનું મરક-મરક થતું મોં પરાણે ખીજવાયું હોય એવા હાસ્ય સાથે એ બોલી:
`કંઈ નથી, પણ થોડું વ્યવસ્થિત તો તૈયાર થવું પડે ને!’

સ્વાતિ એના માથા પર હાથ પસવારી રસોડા તરફ જતા આનંદિત થઈ ઊઠી. દીકરીમાં આવી નાની-નાની સભાનતા આવવી, હાવભાવ બદલાવવા કે પછી એ ખુલ્લા મને વાતો કરે એવી રાહ તો પોતે ક્યારની જોઈ રહેલી. જેનો અંત આવ્યો હતો ગઈકાલ સાંજે. જ્યારે શ્રીજાએ ખુલ્લા મને ઈશાન તરફ અનુભવાય રહેલા આકર્ષણની વાત કરેલી.

આ તરફ શ્રીજાએ સ્કૂલમાં આજે વધુ આત્મવિશ્વાસથી ડગ માંડ્યા. ગઈ રાતે મમ્મી-પપ્પા સાથેની વાત મનને હળવું કરી ગઈ હતી એટલે આજે ડર નહોતો. જોકે આછો ગભરાટ અને થોડી અમસ્તી એકસાઈટમેન્ટ હજુ એનો પીછો છોડવા રાજી નહોતી. ઈશાન સાથે આંખ મળતાંવેંત એણે આત્મવિશ્વાસથી વેવ કર્યું. ખચકાટ વગર ઈશાન પણ સામે વેવ કરી એની તરફ આગળ વધ્યો `Hey,’ ઈશાને હાથ લહેરાવ્યો.

Hi,' શ્રીજાએ સ્મિત સાથે જવાબ આપ્યો. કાલે, તે NBAની ફાઈનલ જોઈ?
ના, મેં મુવી જોયું.' ઓહહો, એમ?’

યસ, અન્ડરસ્ટેન્ડિંગ ટીન લાઈફ યુ નો.' શ્રીજા સહેજ ખભ્ભા ઉલાળતાં બોલી. જવાબમાં ઈશાન હસ્યો: વાઉ, ધેટ્સ સાઉન્ડ ડીપ.’ સામે શ્રીજા પણ મલકાઈ ઊઠી:
`ના હવે..ડીપ તો શું, પણ જસ્ટ અ પાર્ટ ઓફ ગ્રોઈંગ અપ.’

` યસ, બ્રો… ‘ કહી ઈશાને ચાલતી પકડી. શ્રીજાને આજનો આ સંવાદ સરળ લાગ્યો. ઈશાનને શ્રીજા થોડી વધ સહજ લાગી, પણ ટીનએજ વાત હોય અને કોઈ ડ્રામા વગર પૂરી થાય ખરાં! શ્રીજાની સહજતા ત્યાં સુધી ટકી જ્યાં સુધી સ્કૂલમાં એ અફવા ના ફેલાઈ કે ઈશાન અને પ્રિયા કેન્ટિનમાં કલાકથી સાથે બેઠાં છે.

પત્યું. શ્રીજાના મૂડની પથારી ફરી ગઈ. અચાનક એ ધમધમ કરતી પહોંચી ઈશાન પાસે. એકદમ કડક અવાજે પૂછ્યું:
આર યુ ગાય્ઝ ડેટિગ? તને પ્રિયા ગમે છે? ' ઈશાન તો ચોંકી ગયો:શું? ના.. અમે લોકો જસ્ટ મેથ્સ પ્રોજેક્ટની વાતો કરતા હતા. ‘

હવે શ્રીજા છોભીલી પડી. એક ક્ષણ પહેલાં રાડકી થયેલી શ્રીજા નરમઘેંસ થઈ ગઈ. ભોંઠપ, શરમ અને ગામ ગોકીરો થયાના અહેસાસે એને રીતસર ગૂંગળાવી મારી.
આઈ એમ સોરી યાર, મેં ઓવર રીએક્ટ કર્યું.' એણે અફસોસ વ્યક્ત કર્યો. ઈશાન હસ્યો: એનો મતલબ કે તને પરવાં છે, પણ રિલેક્સ ઓકે! આપણે ફ્રેન્ડ્સ છીએ. અને મને ગમે છે કે તું મારી સાથે છો.’

ઈશાનના શબ્દોમાં એક પ્રકારની નિર્દોષતા હતી. કોઈ પ્રોમિસ નહીં, કોઈ રોમાન્સનો ભાર નહીં. મિત્રતા અને આકર્ષણ વચ્ચે ઝૂલી રહેલા બે તરુણ હૃદય ઘર તરફ વળ્યા.
ઘેર પહોંચતાવેંત શ્રીજાએ સોફા પર પડતું મુક્યું.
સમીરે પૂછ્યું, `બેટા , ક્લાસમાં આજે હવામાન કેવું હતું? ભાવનાઓનું વાવાઝોડું કે લાગણીઓનો હળવો પવન?’

સ્વાતિ હસી પડી: સમીર, છોકરીની ફીલિંગ્સ કોઈ મીટરોલોજી નથી. સમજ્યો ને?' શ્રીજાએ તકિયાથી મારતાં કહ્યું, પપ્પા! યુ આર ઈમ્પોસિબલ, પણ મારે આજે શું થયું એ કહેવું છે.. . સમીરના મનમાં ગર્વ થયો. ટીનએજ દીકરીને સામેથી કોઈ વાત શેર કરવી હોય એ તો જેકપોટ ગણાય.

શ્રીજાએ આખી ઘટના કહી. સ્વાતિએ નરમાઈથી કહ્યું,
`જોયું, વાતચીત કરી લેવાથી વહેમો દૂર કરી શકાય છે. તને જે લાગ્યું એ કહ્યું. બસ, હવે એની વાત પર વિશ્વાસ રાખવાનો. એમ સીધાં કોઈ ક્નકલ્યુઝન પર કૂદકો નહીં મારવાનો’ .

સમીર એની પાસે જતાં બોલ્યો: ‘ જો બેટા, લાગણીઓ હોવી કે ફીલિંગ્સ થવી ખૂબ નોર્મલ છે, પણ લાઈફને મોટા કેનવાસ પર જોવાની આદત પાડજે તો વધુ ચોખ્ખું જોઈ શકીશ. અને હા, અપડેટ આપતી રહેજે. અમે પણ તારી આ અટ્રેકશન સિરીઝના એપિસોડ્સ એન્જોય કરીએ છીએ.’

મીઠો ઝગડો, ખીલખીલાટ હાસ્ય, નિસ્વાર્થ પ્રેમ. શ્રીજા માટે એક પરફેક્ટ ફેમિલી પિક્ચર ઊભું થઈ રહ્યું. હજુ ગઈકાલ સુધી શ્રીજા એકતરફી આકર્ષણને કારણે જાત તરફ બેધ્યાન બનેલી. આજે એ સ્વસ્થ, સંતુલિત અને સરળ બનતી ગઈ. દિવસો પસાર થતાં ગયાં. શ્રીજા અને ઈશાન વચ્ચે મિત્રતા રચાતી ચાલી. ભણવામાં ધ્યાન વધ્યું. ઘરમાં મુક્તપણે વાતચીત વધી. સમીર-સ્વાતિ શ્રીજાના ટીનએજ તોફાનોને હસતા-રમતા દિશાસૂચન કરવાનું શીખી ગયાં.

એક સાંજે સ્વાતિએ સમીરને કહ્યું:
જે બદલાવ આપણે શ્રીજામાં જોઈ રહ્યા છીએ ને એની તમામ ક્રેડિટ આપણે લીધે નથી. શ્રીજા એ આપણી સમક્ષ જાતને ખોલી અને જાતે આ સ્વસ્થતા પસંદ કરી છે.' સમીરે હાથ પકડી જવાબ આપ્યો: હા. કારણકે, એને ખ્યાલ હતો કે આપણી સાથે એની લાગણીઓ સુરક્ષિત છે.’

બહાર હવામાં નરમ પવન વહેતો હતો. ઘરની અંદર વિશ્વાસ, પ્રેમ અને સમજણની સુગંધ છવાઈ હતી. શ્રીજા પોતાના રૂમમાં ડાયરી લખતી હતી :

`મોટાં થવાની મજા આવે છે. થોડું સ્કેરી લાગે, પણ આઈ હેવ માય બેકબોન્સ. માય પેરેન્ટ્સ. ટીનએજ સંતાન માતા-પિતા સાથે શાતા અનુભવે એનાથી રૂડું શું હોય!’

આપણ વાંચો:  કથા કોલાજઃ પૂરી સગવડ ને આદર સાથે ફરી એક વાર હું બોમ્બે ટોકિઝ સાથે જોડાઈ

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button