ફોકસઃ દામ્પત્ય સુખની ગુરુચાવી: સંતાનને માતા-પિતા બંનેના પ્રેમની જરૂર

- ઝુબૈદા વલિયાણી
પરસ્પરનો વિશ્વાસ અને પ્રેમની ગુરુચાવી દામ્પત્ય સુખનું સ્તંભ હોઈને કેટલાક કિસ્સાઓમાં પત્નીનું ધ્યાન બાળકના જન્મ પછી પતિ તરફથી ખસીને બાળક પર કેન્દ્રિત થાય છે ત્યારે પતિ ચીડાઈ જાય છે.
-પુરુષે ધ્યાનમાં રાખવા જેવી એ એક જ વાત છે કે પેલું બાળક પોતાના સફળ સહજીવનના ફળસ્વરૂપે મળેલું હોય છે.
- એ બાળક જેટલું માનું હોય છે એટલું જ પિતાનું પણ હોય છે, પણ અમુક ઉંમર પછી બાળકને સાચવવાની અને ઉછેરવાની જે કામગીરી સ્ત્રી કરી શકે છે તે પુરુષ કરી શકતો નથી.
-એ જ રીતે નાનપણમાં બાળકને માતાની જાળવણીની જરૂર પડે છે.
-મોટા થયા પછી તેને પિતાના સંસ્કાર અને જાળવણીની જરૂર પડે છે.
-તે રીતે અલગ અલગ તબક્કે અને અલગ અલગ સમયે બાળકને માતાની પણ જરૂર પડે છે અને પિતાની પણ એટલી જ જરૂર પડે છે.
-જેમ પહેલા તબક્કામાં પતિએ પત્નીની બાળઉછેર પ્રવૃત્તિઓમાં શકય એટલા સહકારથી વર્તવું જોઈએ તેજ રીતે બીજા તબક્કામાં પત્નીએ પતિને સાથ આપવો જોઈએ અને આવું થાય તો જ પેલા બે જાણીતા સંવાદો સાંભળવા નહીં મળે:
પહેલો સંવાદ:
*‘તેં જ આને ખોટા લાડકોડથી બગાડયો છે…!’ અને બીજા સંવાદમાં:
*‘તમે જ તેની માગણીઓ પૂરી કરી છે…!’
-આ બંને સંવાદો પ્રેમપૂર્વક બોલાય ત્યાં સુધી વાંધો નથી આવતો, પણ જ્યારે બાળકને કેન્દ્રમાં રાખી પતિ અને પત્ની સામસામી છાવણીમાં જઈને બેસી જાય ત્યારે ખરેખર અનર્થ થાય છે.
*બાળકને માતા અને પિતા બંનેના પ્રેમની જરૂર હોય છે.
*તેના ઘડતરમાં બંનેનો ફાળો હોય છે.
*એ ફાળો જ્યારે બંને પક્ષો સંપૂર્ણ કર્તવ્ય-નિષ્ઠાથી બજાવે છે ત્યારે ચમત્કારિક પરિણામો જોવા મળે છે.
-એક સંવાદ અહીં ટાંકવા જેવો છે.
-પત્ની પોતાના પતિને પૂછે છે:
*‘તમે તમારા લાડકાને એક સાથે પંદર હજાર રૂપિયા કેમ આપી દીધા? આટલા બધા પૈસા તે અવળે માર્ગે પણ ખર્ચી નાખી શકે…!’
-પતિ હસીને કહે છે કે,
*‘તેને અવળે માર્ગે જવું હોય તો વગર પૈસે પણ જઈ શકે છે. હમણાંના યુવકો કોઈ બંધનમાં માનતા નથી. આ તો આપણા પુત્રે મને એમ કહ્યું કે, ‘મારે ધંધો કરવો છે’ તે માટે તેને ઓછામાં ઓછા પંદર હજાર જોઈએ, એટલે તરત જ મેં ચેક આપી દીધો કોઈ પારકાને તો આપી દીધા નથી. તેના બાપના પૈસા છે. તે ઉડાડી મૂકશે તો પણ મને નિરાંત રહેશે. કારણ કે, ભવિષ્યમાં એ માગી શકશે નહીં અને ધંધો કરી કમાણી કરશે તો તને અને મને તેના ભવિષ્ય માટે કોઈ ચિંતા રહેશે નહીં. પંદર હજારની મામૂલી રકમમાં આ સોદો ખોટમાં નથી…!
-‘હિન્દીમાં એક કહેવત છે: ‘તખતિયા યા તખતા.’ તખત એટલે રાજ સિંહાસન અને તખતા એટલે ફાંસીનો માંચડો. એ બે વચ્ચે પસંદગી આપણા દીકરાએ કરવાની છે.
-‘ધારો કે અત્યારે તે સમજપૂર્વક ધંધો કરે અને છતાં અનુભવના અભાવે તે પંદરે પંદર હજાર ગુમાવી દે તો પણ એને સરવાળે લાભ જ થવાનો છે. આ અનુભવના આધારે તે બીજી વાર ભૂલ નહીં કરે. ભૂલ કરવાની જેને તક મળે છે તેને જ સુધરવાનો અવકાશ પણ હોય છે.
‘માણસ ભૂલ જ ન કરે તો તે સુધરે ક્યારે?’
-પતિના મુખે આવું લાંબું ભાષણ સાંભળી મનમાં ને મનમાં પત્ની પણ હરખાઈ જાય છે, પણ તે પોતાનો હર્ષ વ્યક્ત થવા દેતી નથી.
-તેને એક વાતનો આનંદ છે કે યોગ્ય અનુભવ મેળવવા થોડા પૈસા વેડફીને પણ જો પુત્રને સાચી દિશા જડતી હોય અને પિતાને તેની સામે વાંધો ન હોય તો તેનાથી વધારે રૂડું શું હોઈ શકે…?
-વ્હાલી ‘લાડકી’ની બહેનો! આ સંસાર કથા માટે તમારો અભિપ્રાય પ્રોત્સાહિત બની રહેવા પામશે.
આપણ વાંચો: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ આકર્ષણની દુનિયા તરફ ડગ માંડતી દીકરી



