લાડકી

લાફ્ટર આફ્ટર : દાંત સાથે ચેડાંના ચક્કર…

-પ્રજ્ઞા વશી

આમ તો માણસજાતે કોઈની પણ સાથે ચેડાં કરવા જોઈએ નહીં, પણ માણસજાતનું તો ભાઈ, એવું છે ને કે એને ચેડાં કર્યાં વિના તો ચાલે જ નહીં. માણસજાત ચાલતા કૂતરાં સાથે ચેડાં કરે તો ક્યારેક કરંટ લાગે એવા પ્લગ કે લાઇવ (જીવતા) વાયરો સાથે ચેડાં કરે. ક્યારેક તો માંડ શાંત પડેલી એવી પત્ની સાથે ચેડાં કરે. વહુ સાસુ સાથે, કે પછી સાસુ કાલિકા સમી વહુ સાથે ચેડાં કરે ત્યારે જ એનું મન શાંત થાય છે, પણ એનું પરિણામ તો જે ચેડાં કરે, એને જ ખબર પડે!

શહેરના એક ભાઈ ગામમાં આવ્યા અને ઘેટાં, બકરાં, ગધેડા જોઈને ખુશીના અતિરેકમાં ગધેડાના પૂંછડાને આમળવા ગયા. અને ‘ગધા તો આખીર ગધા હૈ!’ એણે તરત જ જાત બતાવી અને જોરથી એક લાત મારી. બીજા એક ભાઈ પાગલખાનાની મુલાકાતે ગયા. પાગલખાનામાં ડોક્ટરે જુદા જુદા પ્રકારના પાગલો પાસે જઈ વિગત આપવા માંડી.

પેલા મુલાકાતી ભાઈએ એકદમ શાંત લાગતા એવા ભાઈ પાસે જઈ, રામ જાણે શું પૂછ્યું, કે પેલા ભાઈએ ઊભા થઈને સીધો એક તમાચો મારી કહ્યું, ‘મને લાગે છે કે તું જ પાગલ છે…! જા, તારી દવા કરાવ. ભાગ અહીંથી…’ ડોક્ટરે આખો મામલો હાથમાં લીધો, નહીંતર બીજા પાગલો પણ પોતાનો પરચો બતાવતે.

માણસજાત અન્ય સાથે તો ચેડાં કરે જ, પણ પોતાની જાત સાથે પણ ચેડાં કરતો રહે છે. જમાનાના ખાધેલ અને અનુભવીઓ પણ અતિ જ્ઞાની હોવા છતાં ચેડાં કરવામાં પાછા પડતા નથી.

અમારા એક પડોશી માધવભાઈ ચેડાં કરવામાં નંબર વન પુરવાર થતા રહે છે, જેમ કે ચાર વાર પરણ્યા અને ચાર વાર છૂટાછેડા કરી નવરા થયા તો પણ પાંચમી વાર પરણવાના ચેડાં કર્યાં. અને એમાં તો ગળામાં એવું છછુંદર ગળાયું, કે નહીં અંદર જાય કે નહીં બહાર! આખરે એ પાંચમી એની મિલકત, દાગીના, ઘરબાર અને આજીવન દર મહિને રોકડ પણ એટલી ભારે લઈને ગઈ કે માધવભાઈ જીવનભર ચેડાં કરવા તો ઠીક, પણ જિંદગી સામે આંખ પણ મિલાવતા ભૂલી ગયા છે.
એકવાર અમે પણ ચેડાં કરવા ગયા. અમારી દાઢ થોડી હલવા લાગી તો એ જોવા માટે અમે અમારું મોં થાય એટલું પહોળું કરીને અરીસા સામે ઊભા રહીને એક ચીપિયા વડે દાઢને હલાવી જોઈ. થોડો આંચકો લાગ્યો, પણ હજી અમને સંતોષ ન થયો. એથી અમે લાકડાની ટૂથપીક લઈને બે દાઢ વચ્ચે ખોતરવાની પ્રક્રિયા ચાલુ કરી.

આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : કવિતા કરવાથી શું થાય?

ધીમે ધીમે એ પ્રક્રિયામાં અમે વજન આપવાનું ચાલુ કર્યું અને ટૂથપીકનો અગ્રભાગ દાઢના પોલાણમાં ગરક થઈ ગયો. અમારી બેચેની વધી, દુ:ખાવો પણ વધ્યો અને પેલી ટૂથપીકનો અગ્રભાગ અમને સતત ચેલેન્જ આપવા લાગ્યો કે, ‘લે, તાકાત હોય તો મને કાઢ! હું તો નિરાંતે આ પોલાણમાં મારું ઘર બનાવીશ. સાથે કોહવાટ અને દુર્ગંધ પણ ફેલાવીશ.’
આમ નાનકડું એવું તણખલું અમને ચેલેન્જ આપે તે કેમ ચાલે? અમે બીજી એક ટૂથપીક કાઢી અને ‘કાંટો કાંટાને કાઢે’ એમ ફરી ટૂથપીકથી જ ખોતરવા માટે મોં થાય એટલું પહોળું કરી મંડી પડ્યા. પણ સરકતી માછલીઓની જેમ પેલું તણખલું હાથ આવે, આવે ને હાથમાંથી સરકે.

જાણે દમયંતી જેવો કોઈ શાપ! પહેલાં ઘરના લોકો, પછી ધીરે ધીરે અડોશ પડોશના, પછી વીડિયો વાયરલ થતાં મિત્રો, સગાંવહાલાં દોડતાં આવવા લાગ્યાં. માણસ એટલી સલાહ! અહીં મોં ફાડી ફાડીને ખોતરવા જતાં મોં દુ:ખવું શરૂ થયું અને એક તણખલું શોધવામાં એની આસપાસના ચાર દાંતો પણ ખોતરાઈ ગયા. દાંતમાંથી લોહી વહેવા લાગ્યું તે નફામાં!
એવામાં ઘરે આવેલા એક હિતેચ્છુએ કહ્યું, ‘આમ તે કંઈ દાંત ખોતરવા બેસી પડાય છે? કોઈ પ્રોબ્લેમ હોય તો ડોક્ટરનો દુકાળ થોડો પડેલો છે? (પેલા ભાઈના બંને છોકરા ડોક્ટર છે અને તે પણ દાંતના.) અરે! આ જો અંદર રહી ગઈ, તો સડો ચાલુ થઈ ગયો સમજો. લ્યો, આ મારું કાર્ડ. મારું નામ દેજો. બિલમાં 20% ઓછા કરી આપશે.’

એકે કહ્યું, ‘આના કરતાં ગરમ પાણીના કોગળા કરી નાખો અથવા પહેલાં ટૂથબ્રશ જોરથી ઘસો. ભલભલા તણખલાં નીકળી જશે. આમ એક તણખલામાં આખું ગામ ભેગું કરવાની કંઈ જરૂર નહોતી.’ (રામ જાણે! કોણે મારો વીડિયો બનાવી વાયરલ કર્યો.)

અમે દુ:ખતાં મોંએ બોલ્યા, ‘અહીં દાઢ દુ:ખે છે ને તમે જાતજાતના સાવ નકામા ઉપાયો મારા માથે શા માટે મારો છો?’
બાજુવાળા મુરબ્બી બોલવામાં બાકી રહી ગયેલા. એમણે શરૂ કર્યું, ‘આ તકલીફને કદી હસવામાં લેવી નહીં. એકવાર સડો પેઠો, એટલે ખલાસ! બધા દાંત ગયા સમજો. આ જુઓ, અમે આ ચોકઠા ઉપર આવી ગયા.’ એમ કહી ચોકઠા બહાર કાઢવાની ચેષ્ટા કરવા જાય, એ પહેલાં એમનાં પત્ની જોરથી ચિલ્લાયાં, ‘હવે અહીં પણ ચોકઠાનું પ્રદર્શન કરવા બેસી ના જતા. રોજ રોજ ઘરમાં તમારા ચોકઠાનાં દર્શન કરીને મને ઊલટી જેવું થાય છે. સમજ્યા?’

એ બંને લડવાનું શરૂ કરે એ પહેલાં અમે ‘ઓ… ઓ…’ કરીને ત્યાંથી ઝડપથી ઊઠીને બાથરૂમમાં ભરાયા અને ત્યાં મોંમાં પાણી ભરી કોગળો કરવા જતાં જ અમારી દાઢ એના તણખલા સહિત બહાર ફેંકાઈ. જ્યાં સુધી બહાર બેઠેલાં વિખેરાયાં નહીં, ત્યાં સુધી અમે દાઢનું વિસર્જન કેમ કરવું, એની જગ્યાએ નવી દાઢ કેવી અને ક્યારે મુકાવવી… એ વિચારવા લાગ્યા. પણ હવે દાંત સાથે તો ચેડાં ન કરવા, પરંતુ બીજા કોઈની પણ સાથે ચેડાં ન કરવા એવો દ્રઢ નિર્ણય કરીને જ અમે બહાર નીકળ્યા.

આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : આવા જેકીનું શું કરવું?

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button