ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ એ ઉંમર-જ્યારે ટીનએજર ને પેરેન્ટસ સામસામે આવીને ઊભા રહે છે…

- શ્વેતા જોષી અંતાણી
આજે સવારથી ઘરમાં ધમાચકડી મચેલી… કોઈ નજીકના કૌટુંબિક સગાને ત્યાં પ્રસંગોપાત હાજરી પુરાવવા ઝટપટ પોતપોતાનો નિત્યક્રમ પતાવવામાં સહુ લાગેલા, સિવાય કે નિહારી…. નિહારીને આજકાલ ઘરમાં એકલું-એકલું રહેવાનું હવે વધુ ગોઠે છે જાણે. એને આમ તો બહાર જવું ના ગમે એવું તો સાવ નહોતું , પરંતુ જો મમ્મી-પપ્પા સાથે ક્યાંય જવાનું હોય, કોઈ ફેમિલી ફંકશન હોય કે કોઈ જગ્યાએ લોકોનાં ટોળાં ભેગા થવાના હોય તો ત્યાં જવામાં એના નાકનું ટેરવું ચડી જતાં વાર લાગતી નથી.
કોઈ ચોક્કસ ઉંમરના તબક્કે લગભગ આપણને સહુને આ પ્રકારની લાગણીનો સામનો કરવાનો આવ્યો હોય છે. અત્યાર સુધી મમ્મીને ક્યાંય એકલી બહાર ના જવા દેતી કે પપ્પા ઓફિસ જાય તો પણ કાગારોળ કરી મૂકતી નિહારી હવે એ પ્લાનિંગ બનાવવામાં વ્યસ્ત હોય છે કે આ બધાં બહાર જાય ત્યારે પોતે કયા બહાનાસર સાથે જવાનું ટાળી શકે.
આજે પણ એવું જ કંઈક બહાનું વિચારતી, સાવ ગોકળગાયની ગતિએ નાસ્તો કરી રહેલી નિહારીના ખભ્ભા પર ટાપલી મારી મમ્મીએ કહ્યું, ‘શું આમ આળસુની જેમ બેસી રહી છે? તારા કારણે બધાંને મોડું થશે, ઝડપ કર.. ચાલ.’ હવે ઝાઝું વિચારવાનો સમય નહોતો એટલે નિહારીએ ધડ દેતાં બોલી નાખ્યું, ‘મારે નથી આવવું.’
‘તને કોઈએ પૂછ્યું? મારે ઘણું કામ છે, પ્લીઝ મારી સાથે કોઈ ભેજામારી ના કરીશ’ મમ્મીએ આદેશાત્મક વળતો પ્રહાર કર્યો. જોકે નિહારી પરફેક્ટ ટીનએજમાં હતી એટલે એમ લીધી લપ મૂકે શેની? એણે આગળ ચલાવ્યું :
‘પણ હું ના આવું તો શું વાંધો છે? ત્યાં મારા જેવડું કોઈ નહીં હોય.’
‘હું છું ને, મારી પાસે બેસજે.’ મમ્મી માટે તો નિહારી હજુ એ જ નાની છોકરી હતી જે એનો પાલવ છોડવા તૈયાર ના થતી.
‘ના, મને તારીએ આંટીઓની વાતોમાં રસ નહીં પડતો.’
‘તો પછી રમજે ત્યાં…’ મમ્મીનું આ છેલ્લું વાક્ય સાંભળી નિહારી ખરેખર અકળાય ઊઠી. એ થોડી વધુ ઉગ્ર થતાં બોલી:
‘ના, બિલ્કુલ નહીં. મમ્મા તું જ તો કહે છે કે હવે હું નાની નથી. આમ પણ મને એમ નાના છોકરાઓ સાથે રમવું હવે નથી ગમતું.’ નિહારી વાક્ય પૂરું કરતાં રડમસ થઈ ઊઠી.
‘અરે, તો કંઈ ના કરતી, બેસી રહેજે ચૂપચાપ બીજું શું!’
‘એમ તો મને સહેજપણ નહીં ગમતું, મમ્મા… મારે નહીં આવવું, પ્લીઝ.’
‘એકલી શું કરીશ ઘેર? નાહકની અમને ત્યાં બેઠા પણ તારી ચિંતા રહ્યા કરે..જા, તૈયાર થા. હવે વધુ દલીલ ના જોઈએ મારે.’ -મમ્મીએ બ્રહ્માસ્ત્ર છોડ્યું.
નિહારી મનેકમને તૈયાર થઈ અને એ દિવસ પૂરતું બધું સમુસૂતરું પાર પડ્યું એમ માની ઘરમાં લોકોએ નિરાંતનો શ્ર્વાસ લીધો, પરંતુ કોઈએ નિહારીની મનોસ્થિતિ જાણવાનો પ્રયત્ન કર્યો નહીં. એ દિવસે તો સતત પાંચ-છ કલાક મૂંગા મોઢે બેસી રહી. ભયંકર હદે કંટાળેલી પણ ખરી, જોકે કંઈ બોલી નહોતી.
નિહારીએ એનો પડઘો પાંચ દિવસ પછી પાડ્યો. રવિવારનો દિવસ એટલે મજા કરવાનો દિવસ, જે નિહારી સજામાં ફેરવી નાખવાની હતી. એનો લગીરેય ખ્યાલ મમ્મી-પપ્પાને નહોતો.
રાબેતા મુજબ રવિવારની સાંજે ફરવા જવાની તૈયારીઓ ચાલુ થઈ, નિહારીના નાના ભાઈએ ઉત્સાહના માર્યા કૂદાકૂદ કરી મુકી અને ફરી નિહારી વિફરી:
‘મારે નથી આવવું… મને તમારી સાથે બહાર આવવામાં મજા નથી આવતી.!’ આ સાંભળી એના પેરેન્ટસ આંચકો ખાઈ ગયાં.
‘અરેરે, આ છોકરીથી તો હવે થાક્યાં. દરરોજ કંઈક નવી ઉપાધી. મારું માથું દુ:ખી આવે છે હવે.’ મમ્મીએ સામો કકળાટ શરૂ કર્યો.
‘કંઈ વાંધો નહીં ચાલ, આજે મજા આવે એવું કંઈક કરીશું’..પપ્પાએ દોરીસંચાર હાથમાં લીધો.
‘ના..આજે તો હું અહીં જ રહીશ..તમે જાઓ.. ’ .
ખૂબ બધી સમજાવટ, ગુસ્સો, ઠપકો, વ્હાલ કંઈ કામે આવ્યું નહી. નિહારી ના માની તે ના જ માની. કચવાતા મને એના મમ્મી-પપ્પા નાના દીકરાની જીદ્દ પોષવા બહાર ગયાં.
જીવનમાં પહેલી વખત દીકરી સાથે ના આવી. એનું દુ:ખ એમના ચહેરા પર તરવરી રહ્યું. આ તરફ નિહારીએ ઘરમાં રીતસર ઠેકડાં માર્યા. વિજયી થવાનો આનંદ, સ્વતંત્રતા મળ્યાનો ઉત્સાહ સમાતો નહોતો. સોશ્યલ મીડિયા સ્ટેટ્સ અપડેટ થયાં. ફ્રેન્ડ્સ સાથે લાંબી વાતો થઈ. ‘આજે ડિનર માટે જઈએ ’ એવું પ્લાનિંગ પણ થઈ ગયું. એકાદ કલાક તો એણે નાહી-ધોઈને તૈયાર થવામાં કાઢી. મમ્મી-પપ્પા ઘેર આવ્યાં ત્યાં તો નિહારીએ બોંબ ફોડ્યો :
‘હું જમવા જવાની છું. એક કલાકમાં પાછી આવી જઈશ.’ સામે જવાબ સાંભળ્થા વગર જ એ બહાર દોડી ગઈ.
આજે તરુણાવસ્થાએ નિહારીને એના પેરેન્ટસથી ત્રણસો સાંઈઠ ડિગ્રી ઘુમાવીને ઊભી રાખી દીધી છે. જીવનની અલગ રાહ તરફ ચાલવાનું પ્રથમ ચરણ.
શું એ યોગ્ય હતું? એનો જવાબ સમય સિવાય કોઈ પાસે નથી હોવાનો. આપણે માત્ર રાહ જોવી રહી કે ભાવિના ગર્ભમાં શું છુપાયેલું હશે.
આપણ વાંચો: લાફ્ટર આફ્ટરઃ પુરુષ કેમ મહિલા ગ્રૂપની મીટિંગથી ભાગે છે…?



