કથા કોલાજ: અમેરિકાના બે સૌથી પાવરફુલ માણસ સાથે પેરેલલ અફેર રાખવાની મારી લાલચ…

- કાજલ ઓઝા-વૈદ્ય
મેરેલિન મનરો, જોન એફ. કેનેડી
(ભાગ: 6)
નામ: મેરેલિન મનરો
સમય: 5 ઓગસ્ટ, 1962 (સવારે 3.50)
સ્થળ: 12305 ફિફ્થ હેલેના ડ્રાઈવ, બ્રેન્ટવૂડ, લોસ એન્જેલસ
ઉંમર: 36 વર્ષ
મેડિસન્સ સ્કવેર ઉપર 40 હજારથી વધારે લોકો એકત્રિત થયા હતા… પ્રેસિડેન્ટ જોન એફ. કેનેડીનો જન્મદિવસ હતો. એની પત્ની નિકી કેનેડી, એનાં સંતાનો, એનો ભાઈ રોબર્ટ કેનેડી-જે અમેરિકાનો એટર્ની જનરલ હતો. એની બહેન પેટ્રિશિયા અને બનેવી પીટર લોફોર્ડ બધા હાજર હતાં. મને પણ એ કાર્યક્રમમાં ખાસ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવી હતી. મેં સ્વીકાર્યું હતું કે, હું સ્ટેજ ઉપરથી એક ગીત ગાઈશ…પરંતુ, એ ગીત મારા મોતનું એલાન કરશે એવું મેં ધાર્યું નહોતું!
એ દિવસે મેં 40 હજાર માણસો અને અમેરિકાના જાણીતા રાજકારણી, ફિલ્મસ્ટાર્સ અને પ્રેસની હાજરીમાં મારા સેક્સી અવાજ અને અંદાજમાં ગાયું, ‘હેપ્પી બર્થ ડે ટુ ધ પ્રેસિડેન્ટ…’ આ ગીત નહોતું-જે.એફ.કે સાથેના મારા રોમેન્સનું એલાન હતું. 1962ના એ મે મહિના સુધીમાં મારા જે.એફ.કે સાથેના નિકટના સંબંધો છે એવું પ્રસ્થાપિત કરવા હું મરણિયો પ્રયાસ કરવા લાગી હતી. આનાં બે કારણો છે-એક રોબર્ટ કેનેડીને મારે સમજાવવું હતું કે, એ મારું કંઈ નહીં બગાડી શકે! બીજું, એફબીઆઈના હેડ જે.એડગરહુવરને મારે આડકતરી રીતે કહી દેવું હતું કે, હું એમનાથી ડરતી નથી.
19મી મેના દિવસે હું આવું કંઈક કરીશ એ વાતના બીજ તો 1961ની 31 ડિસેમ્બરની રાત્રે જ રોપાઈ ગયાં હતાં. 1961ની ન્યૂ યર ઈવ પાર્ટી-પીટર લોફોર્ડના બીચ હાઉસ પર યોજાઈ હતી. એ રાત્રે મેં ખૂબ શરાબ પીધી. જોન કેનેડી સાથે એ રાત્રે મારો વર્તાવ જોનાર દરેક માણસે નોંધ્યું જ હશે કે, અમેરિકાના પ્રેસિડેન્ટ અને મારી વચ્ચે ‘કશુંક’ રંધાઈ રહ્યું છે! અમેરિકાના પ્રેસિડેન્ટ્સની લફરાબાજી અમેરિકન નાગરિક માટે સાવ સામાન્ય બાબત છે, પરંતુ એ રાત્રે અમારી નિકટતાની નોંધ લેનાર લોકોમાં બે જણાંના પેટમાં તેલ રેડાયું હતું, એક-જે.એડગરહુવર (એફબીઆઈનો સૌથી પાવરફુલ માણસ) અને બીજો રોબર્ટ એફ. કેનેડી. હવે તમને સવાલ થશે કે, રોબર્ટને શું વાંધો હોઈ શકે? તો રોબર્ટને પણ મારામાં રોમેન્ટિક ઈન્ટરસ્ટ હતો. એવું નહોતું કે, એને એના ભાઈના સંબંધો વિશે જાણ નહોતી, પરંતુ રોબર્ટ સાથે ફ્લર્ટિંગની રમત કરવામાં હું જરા વધારે ઈનવોલ્વ થઈ ગઈ. વાંક મારો પણ છે જ, અમેરિકાના બે સૌથી પાવરફુલ માણસો સાથે પેરેલલ અફેર રાખવાની મારી લાલચ, આગ સાથે રમવાથી ઓછી ખતરનાક નહોતી. રોબર્ટ કદાચ સાચે જ મારા પ્રેમમાં પડી ગયો હતો! આમ પણ, બે ભાઈઓ વચ્ચે આછી ઈર્ષાનો સંબંધ હતો. રોબર્ટ થોડોક કંટ્રોલ ફ્રીક હતો. એ જોનને પોતાના કાબૂમાં રાખવા માગતો હતો-પરંતુ, જોન બેફામ હતો. એ જ ગાળામાં બીજી એક સમસ્યા એ થઈ કે, જોન મારી સાથે અમેરિકાની રાજનૈતિક અને લશ્કરી બાબતો પણ ગુપ્ત રાખતા નહીં. જે.એફ.કે એ વખતે ક્યૂબામાં ફીડેલ કાસ્ટ્રોની કમ્યુનિસ્ટ સરકારને હટાવવાના પ્રયાસ કરી રહ્યા હતા કારણ કે, ફીડેલ કાસ્ટ્રો રશિયન સરકાર સાથે હાથ મિલાવીને અમેરિકાનું નુકસાન કરી રહ્યો હતો. આ મિશન ફેલ થયું એટલું જ નહીં, રશિયાએ ક્યૂબામાં ન્યૂક્લિઅર મિસાઈલો ઉતારી જેને કારણે 13 દિવસ કરતાં વધારે સમય અમેરિકામાં ભયનું વાતાવરણ રહ્યું. અંતે, જે સોદો થયો એમાં રશિયાએ ક્યૂબામાંથી અને અમેરિકાએ ટર્કીમાંથી પોતાની સેના અને મિસાઈલ હટાવી દીધા, પરંતુ આ બધી જાણકારી મારી પાસે હતી. મેં આ બધી વાતો મારી ડાયરીમાં લખી હતી. જે વિશે એક દિવસ શરાબ પીને મેં રોબર્ટને કહ્યું હતું! અમે એક સાંજે સાથે હતા ત્યારે રોબર્ટ કેનેડીએ મને જોનથી દૂર રહેવાની ચેતવણી આપી, મેં રોબર્ટને કહ્યું કે, જો એ મને ડરાવશે તો અમેરિકન સૈન્યની ગુપ્ત લશ્કરી માહિતીઓ અને કેટલાક રાજકીય રહસ્યો હું પ્રેસમાં પ્રગટ કરી દઈશ. એ દિવસથી રોબર્ટ સાવચેત થઈ ગયો હોવો જોઈએ. એણે એફબીઆઈની મદદથી મારા ફોન ટેપ કરવા માંડ્યા. મારી ઝીણી ઝીણી હિલચાલ ઉપર જે.એડગરહુવરના માણસો નજર રાખતા હતા…
યુનીસ મૂરે જે મારી હાઉસકિપર હતી, એ મારા ઘરમાં જ રહેતી હતી. મારા અન્ય સ્ટાફનું ધ્યાન રાખવું-મારા ઘરની કાળજી રાખવાનું કામ યુનીસ કરતી. શરૂઆતમાં એ ખૂબ પ્રામાણિક અને પ્રેમાળ હતી, પરંતુ સમય સાથે મને શક પડવા લાગ્યો કે, એફબીઆઈના માણસોએ એને પણ ખરીદી લીધી હતી! હું ક્યારે ઘરે છું, ક્યારે બહાર જાઉં છું, મને કોણ મળવા આવે છે, એની સાથે મારી શું વાતચીત થાય છે એવી ઝીણી ઝીણી વિગતો રોબર્ટ પાસે કઈ રીતે પહોંચતી હતી એની મને ખબર નહોતી પડતી, પરંતુ એટલું હું ચોક્કસ જાણું છું કે, મારી તમામ વિગતો સીધી એફબીઆઈ અને રોબર્ટ સુધી પહોંચતી હતી.
પછી 5મી ઓગસ્ટનો એ દિવસ આવ્યો, જે દિવસે રોબર્ટ કેનેડી વોશિંગ્ટન ડીસીથી એલએ આવ્યો. એણે સવારે મારે ત્યાં આવીને ડાયરીની માગણી કરી… મેં એ ડાયરી આપવાની ના પાડી. એ પછી ઝઘડો કરીને, ધમકી આપીને રોબર્ટ ચાલી ગયો. હું આખો દિવસ ઘરે જ હતી. ચાર વાગ્યે રોબર્ટ પાછો આવ્યો, ત્યારે એની સાથે એફબીઆઈના માણસો હતા. એણે ફરીથી ડાયરીની માગણી કરી. મેં ફરી ના પાડી. રોબર્ટે મારા પર હાથ ઉપાડ્યો… મેં ફરી એને પ્રેસમાં જવાની ધમકી આપી. આ વખતે કદાચ રોબર્ટ પૂરી તૈયારી સાથે આવ્યો હતો. એફબીઆઈના માણસોએ મારું આખું ઘર ફેંદી નાખ્યું. આ બધું યુનીસ મૂરેની હાજરીમાં બન્યું, પરંતુ રોબર્ટને ડાયરી ન મળી. એણે જતા જતા મને કહ્યું, ‘કાઉન્ટ ડાઉન શરૂ કરી દે. તારી કારકિર્દી અને જીવન બંનેનો અંત નિશ્ર્ચિત છે.’ મેં સાંજથી શરાબ પીવાની શરૂ કરી. જે.એફ.કેને ફોન લગાડવાનો પ્રયાસ કર્યો, પરંતુ મે મહિનામાં બનેલી ઘટના પછી એમણે મારી સાથે સંપર્ક ઘટાડી નાખ્યો હતો. એ ભાગ્યે જ મારા ફોન ઉપાડતા. એમનો સેક્રેટરી કે પબ્લિક રિલેશન પર્સન ફોન ઉપાડીને મને કહેતો, ‘પ્રેસિડેન્ટ બિઝી છે. કંઈ મેસેજ હોય તો મને આપો.’ હું શું મેસેજ આપું? જે માણસ દિવસના ચાર-ચાર ફોન કરતો-મને મારા સેટથી વોશિંગ્ટન ડીસી પ્રાઈવેટ જેટમાં બોલાવતો એ માણસનો અવાજ સાંભળ્યે પણ બે મહિના થઈ ગયા હતા! કદાચ એને પણ એફબીઆઈએ કડક સૂચના આપી દીધી હતી કે, મારી સાથેના સંબંધો નહીં તૂટે તો એની રાજનૈતિક કારકિર્દી જોખમમાં આવી જશે… જોન હવે મારી સાથે વાત કરવા માગતો નહોતો-એટલે 4થી ઓગસ્ટે એ ફોન પર ન આવ્યો. મેં લગાતાર પ્રયાસ કર્યા, પણ વાત ન થઈ શકી.
રાતના સાડા નવ વાગ્યે મેં મારા રૂમમાંથી બહાર નીકળીને જ્યૂસ પીધો. એ પછી હું મારા રૂમમાં પાછી ચાલી ગઈ. લગભગ સાડા ત્રણ વાગ્યે યુનીસે ડો. રાલ્ફ ગ્રીનસનને ફોન કરીને બોલાવ્યા. એનું કહેવું હતું કે, મારા રૂમની લાઈટ ચાલુ હતી, પણ હું જવાબ નથી આપતી! મારા રૂમનો દરવાજો અંદરથી બંધ હતો-ડો. રાલ્ફ ગ્રીનસને કાચ તોડીને અંદર દાખલ થવું પડ્યું, અને એમણે અંદરથી દરવાજો ખોલ્યો એવું યુનીસે પોલીસને આપેલા નિવેદનમાં લખાવ્યું.
રાત્રે સાડા ત્રણ વાગ્યે ડો. રાલ્ફ ગ્રીનસન મારા રૂમમાં દાખલ થયા ત્યારે હું નગ્ન હાલતમાં મારી પથારીમાં ઉંધી સૂતી હતી… મારો ફોન ક્રેડલ પર નહોતો, રિસિવર મારા હાથમાં હતું. મેં કોને ફોન કર્યો એની વિગતો તપાસતા ખબર પડી કે, મારી હેરડ્રેસર અને પીટર લોફર્ડને મેં છેલ્લા ફોન કર્યા હતા. પીટર લોફર્ડે પોતાના નિવેદનમાં લખાવ્યું કે, મેં મારા ફોનમાં એને કહ્યું હતું, ‘સે ગુડ બાય ટુ પ્રેસિડેન્ટ!’ મારા પલંગની બાજુમાં બાર્બેચ્યુરેટ્સ અને ક્લોરલ હાઈડ્રેટ નામની ઊંઘની ગોળીઓની બોટલ્સ ખાલી હતી. આ બંને દવાઓ ભેગી લેવાથી જીવલેણ થઈ શકે… એ વાતની મને ખબર હતી! ચાર વાગ્યે મારા ફેમિલી ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. એમણે મને મૃત જાહેર કરી.
હોલિવૂડની એક સુપરસ્ટાર-36 વર્ષની ઉંમરે આ દુનિયા છોડીને જઈ ચૂકી હતી…
(સમાપ્ત)
નોંધ: મેડિકલ-ઓટોપ્સી રિપોર્ટ્સ અને ટોક્સિકોલોજી રિપોર્ટમાં એવું જાહેર કરવામાં આવ્યું કે, આ બંને દવાઓ એના પેટમાં નહીં, બલ્કે બ્લડ અને લિવરમાં હતી. અર્થ એ થાય કે, એનિમા અથવા ઈંજેક્શન દ્વારા આ દવા એમના શરીરમાં દાખલ કરવામાં આવી હોય. ચાર વાગ્યે મૃત જાહેર થયા છતાં પોલીસને લગભગ ચાર કલાક પછી બોલાવવામાં આવી, ત્યાં સુધીમાં રૂમની સફાઈ કરી દેવામાં આવી હતી અને ચાદરો વોશિંગમશીનમાં ધોઈ નાખવામાં આવી હતી. યુનીસ મૂરેએ પોતાનું નિવેદન વારંવાર બદલ્યું, જેમાં ક્યારેક ત્રણ તો ક્યારેક સાડા ત્રણ, ક્યારેક લાઈટ ચાલુ તો ક્યારેક મેરેલિને એને બૂમ પાડ્યાની વિગતો બદલાતી રહી…
આપણ વાંચો: ફેશન: કેવી લેસ સિલેક્ટ કરશો?