લાડકી

અશોકચક્ર પ્રાપ્ત કરનારી પ્રથમ મહિલા નીરજા ભનોત

ભારતની વીરાંગનાઓ -ટીના દોશી

અશોકચક્ર સન્માન, તમગા-એ-ઈન્સાનિયત પુરસ્કાર, ફ્લાઈટ સેફટી ફાઉન્ડેશન હીરોઈઝમ એવોર્ડ, જસ્ટિસ ફોર ક્રાઈમ એવોર્ડ,
સ્પેશિયલ કરેજ એવોર્ડ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય પુરસ્કાર, ભારત ગૌરવ પુરસ્કાર…..
આમાં પહેલો પુરસ્કાર ભારત સરકારનો છે- બીજો પાકિસ્તાન સરકારનો છે, અને ત્રીજો- ચોથો ને પાંચમો અમેરિકાનો છે. છઠ્ઠો ફરી ભારતનો છે ને સાતમો ઇંગ્લેન્ડનો છે…..
આમ ચાર ચાર દેશના સાત-સાત પુરસ્કારોની પ્રાપ્ત કરનાર સ્ત્રી એક જ છે….
એ છે નીરજા ભનોત… ‘પેન એમ એરલાઈન્સ’ ની એરહોસ્ટેસ. કહેવા માટે તો નીરજા ભનોત એક સાધારણ વિમાન પરિચારિકા હતી, પણ માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે ગજબનું સાહસ દેખાડીને એણે ચારસો જેટલા પ્રવાસીઓને બચાવવા પોતાના પ્રાણની પરવા કર્યા વિના હવાઈ ચાંચિયાઓ સાથે જીવસટોસટની બાજી ખેલીને એ શહાદતને વરી. નીરજાની વીરતાને બિરદાવવા-વધાવવા એને ચાર ચાર દેશે સાત મરણોત્તર સન્માનથી પુરસ્કૃત કરી. નીરજા શૌર્ય માટેનો ‘અશોકચક્ર’ પુરસ્કાર પ્રાપ્ત કરનાર પહેલી ભારતીય મહિલા બની. ભારત, પાકિસ્તાન, અમેરિકા અને ઇંગ્લેન્ડે વીરતા માટે પુરસ્કૃત કરી હોય એવી વિશ્ર્વની એકમાત્ર મહિલા હોવાની સિદ્ધિ પણ નીરજાએ મેળવી. ભારત સરકારે દેશની દીકરી નીરજાની સ્મૃતિમાં ૮ ઓક્ટોબર ૨૦૦૪ના રોજ પાંચ રૂપિયાની ટપાલ ટિકિટ બહાર પાડીને એનું ગૌરવ વધાર્યું.

સાહસિક નીરજાનો જન્મ ૭ સપ્ટેમ્બર ૧૯૬૩ના પંજાબની રાજધાની ચંડીગઢમાં થયો. માતા રમા ભનોત ગૃહિણી હતી. પિતા હરીશ ભનોત ‘હિંદુસ્તાન ટાઈમ્સ’ અખબારના મુંબઈ ખાતે બ્યુરો ચીફ હતા. નીરજાનું પ્રાથમિક શિક્ષણ ચંડીગઢની ‘સેક્રેડ હાર્ટ સીનિયર સેક્ધડરી સ્કૂલ’માં થયું. ત્યાર પછીનો અભ્યાસ મુંબઈ સ્કોટિશ સ્કૂલ’ અને ‘સેંટ ઝેવિયર્સ કોલેજ’માં.
ભણવાનું પૂરું થયા પછી ૧૯૮૫માં નીરજાનાં લગ્ન થયાં. એ પતિ સાથે ખાડી દેશમાં ચાલી ગઈ, પણ નીરજાના નસીબમાં વૈવાહિક સુખ નહોતું. પતિ દહેજના મુદ્દે નીરજા સાથે લડતો- ઝગડતો અને મારપીટ કરતો. નીરજા લગ્નનાં બે જ મહિનામાં પતિથી અલગ થઈને મુંબઈ પાછી ફરી.

નીરજા મજબૂત અને મક્કમ મનોબળ ધરાવતી યુવતી હતી. પરિવારના સહકારથી એણે નવેસરથી જિંદગીની પરિપાટી પર એકડો ઘૂંટવાનું શરૂ કર્યું. આમ પણ એ સફળ મોડેલ રહી ચૂકેલી. એણે ફરીથી મોડેલિંગ શરૂ કર્યું. બાવીસેક જાહેરખબરોમાં નીરજા ચમકી. વળી નાનપણથી જ નીરજાને હવાઈ જહાજ પર સવાર થઈને આકાશી સફર કરવાનો પ્રબળ શોખ હતો. પોતાનો શોખ પૂરો કરવા નીરજાએ ‘પેન એમ એરલાઈન્સ’ માં નોકરીની અરજી કરી. પસંદગી થઈ. નીરજા મિયામીમાં પરિચારિકાની તાલીમ લઈને પરત આવી.

૧૬ જાન્યુઆરી ૧૯૮૬ના નીરજાની આકાશમાં ઊડવાની ઈચ્છાને પાંખો મળી. એ ‘પેન એમ એરલાઈન્સ’ માં એરહોસ્ટેસ તરીકે કાર્યરત થઈ ગઈ.
૫ સપ્ટેમ્બર ૧૯૮૬….નીરજાના જન્મદિનના બે દિવસ પહેલાં ‘પેન એમ એરલાઈન્સ’ની ફ્લાઈટ નંબર- ૭૩ ઉડાન ભરવા તૈયાર હતી. ‘પેન એમ’ પહેલી જ વાર મુંબઈથી કરાચી અને ફ્રેન્કફર્ટ થઈને ન્યૂયોર્ક સુધીનું હવાઈ અંતર કાપવાની હતી. ‘પેન એમ’ ની પહેલી ઉડાન નીરજાની છેલ્લી ઉડાન સાબિત થઈ.

આ જ ફ્લાઈટમાં નીરજા વિમાન પરિચારિકા હતી. ભારત સહિત ૧૪ દેશના ત્રણસો એંસી જેટલા પ્રવાસીઓ, બાર ફ્લાઈટ એટેન્ડન્ટ અને અન્ય કર્મચારીઓ સહિત અંદાજે ચારસો લોકો પ્લેનમાં સવાર હતા. વિમાન નિયત સમયે મુંબઈથી ઊડ્યું ને નિર્ધારિત સમયે કરાચીમાં ઊતર્યું.

એ સમયે સવારના સાડાચાર વાગેલા. ૧૦૯ યાત્રીઓ કરાચીમાં ઊતર્યા. ફ્રેન્કફર્ટ અને ન્યૂયોર્કના યાત્રીઓ વિમાનમાં ચડવા માંડ્યાં. એ જ સમયે વાયુવેગે એક વાહન એરક્રાફ્ટ પાસે પહોંચ્યું. હવાઈમથકના સુરક્ષા ચોકિયાતોના વાહન જેવી દેખાતી ગાડીમાંથી અબૂ નિદાલ સંગઠનના ચાર આતંકવાદી ઊતર્યા. જાયદ અબ્દ અલ લતીફ સફરીની, જમાલ સઈદ અબ્દુલ રહીમ, મુહમ્મદ અબ્દુલ્લા ખલીલ હુસૈન અર રહાયલ અને મુહમ્મદ અલ મુનવ્વર…આ ચારેય પેલેસ્ટિની આતંકીઓ ‘પેન એમ એરલાઈન્સ’ ની ફ્લાઈટ- ૭૩ને પ્રવાસીઓ સાથે હાઈજેક કરીને અમેરિકન સરકાર પર દબાણ લાવીને સાયપ્રસ અને ઈઝરાયલની જેલોમાં કેદ પેલેસ્ટિની કેદીઓને છોડાવવા માંગતા હતા.

પાકિસ્તાન એરપોર્ટ સિક્યુરિટીના આસમાની રંગના ગણવેશમાં સજ્જ ચારેય આતંકીઓ વિમાનની સીડીઓ ચડવા લાગ્યા. દરેકની પાસે એસોલ્ટ રાઈફલ, પિસ્તોલ, હેન્ડ ગ્રેનેડ અને દારૂગોળા લગાડેલા પટ્ટા હતા. હથિયારધારી આતંકીઓને જોઈને નીરજાની છઠ્ઠી ઇન્દ્રિય કામે લાગી ગઈ… એના દિમાગમાં જોખમની ઘંટડી વાગી. નીરજા પોતે ભાગી શકી હોત, પણ એ કાયર નહોતી. એણે પ્રવાસીઓને બચાવવાનો નિર્ધાર કર્યો. નીરજાએ કુશાગ્ર બુદ્ધિનો પરિચય આપ્યો. તરત જ ઇન્ટરકોમ પર કોકપીટમાં પાઈલટ અને અન્ય કર્મચારીઓનો સંપર્ક સાધીને આતંકીઓ વિશે ચેતવણી આપી. પરિણામે આતંકીઓ કોકપીટ સુધી પહોંચે એ પહેલાં પાઈલટ અને અન્ય કર્મચારીઓ ઈમરજન્સી દ્વારેથી નાસી છૂટ્યા. આતંકીઓ સામે હવે એ પ્રશ્ર્ન ઊભો થયો કે, હવે વિમાન ઉડાડશે કોણ?
આતંકવાદીઓએ બંદૂકને નાળચે પ્રવાસીઓને તો તાબામાં લઈ લીધા, પણ વિમાનને અપહૃત કરવા પાઈલટની જરૂર હતી. એમણે પાકિસ્તાની સરકાર પર પાઈલટ મોકલવા દબાણ કર્યું. પણ પાકિસ્તાની સરકારે સ્પષ્ટ ઇનકાર કરી દીધો. નાક દબાવતાં મોઢું ખૂલશે એ ફોર્મ્યુલા પર કામ કરતા આતંકીઓએ કોઈ અમેરિકન પ્રવાસીને મારીને પાકિસ્તાન પર દબાણ આણવાના હેતુથી નીરજાને દરેક યાત્રીના પાસપોર્ટ એકઠા કરવા કહ્યું. નીરજાએ પ્રત્યેક યાત્રીના પાસપોર્ટ એકત્રિત કર્યા અને વિમાનમાં સવાર પાંચ અમેરિકન પ્રવાસીના પાસપોર્ટ છુપાવીને અન્ય પાસપોર્ટ આતંકીઓને સોંપી દીધા. એ પછી આતંકીઓએ એક બ્રિટિશ પ્રવાસીને વિમાનને દરવાજે ખડો કરીને, એને ગોળીએ દેવાની ધમકી આપીને પાકિસ્તાની સરકારને પાઈલટ મોકલવા કહ્યું, પણ નીરજાએ આતંકીને વાતોમાં ભોળવીને પેલા બ્રિટિશ યાત્રીને પણ બચાવી લીધો.

આમ ને આમ સોળ કલાક વીતી ગયા. થોડી વારમાં અંધારું થવાનું હતું. નીરજાને અંધકારની જ આશા હતી. અંધારું થાય તો જ બધા પ્રવાસીઓનાં જીવનમાં અજવાળું થાય. એણે પોતાના સાથીઓને યાત્રીઓને ભોજન અને એની સાથે વિમાનના આપાતકાલીન દ્વાર અંગે માહિતી આપતા કાર્ડનું પણ વિતરણ કરવાનું કહ્યું. નીરજાને ખ્યાલ આવી ગયેલો કે આતંકીઓ તમામ યાત્રીને મારી નાખવા માગે છે. એથી એણે સૌથી પહેલાં આતંકીઓને જ ખાદ્યપદાર્થોના પેકેટ આપ્યાં, જેથી પેટ ભરાયા પછી એ લોકો શાંત મગજથી વાત કરે.
દરમિયાન, યાત્રીઓએ આપાતકાલીન દ્વારો અંગે જરૂરી માહિતી મેળવી લીધી. એવામાં અંધારું પણ થવા લાગ્યું. નીરજા આ જ પળની પ્રતીક્ષા કરી રહી હતી. એણે તાબડતોબ તમામ આપાતકાલીન દ્વાર ખોલી નાખ્યા. યોજના અનુસાર યાત્રીઓ બારણામાંથી કૂદવા માંડ્યાં.

આતંકીઓએ ગુસ્સે ભરાઈને અંધાધૂંધ ગોળીબાર શરૂ કરી દીધો. કેટલાંક પ્રવાસી માર્યા ગયા, પરંતુ નીરજાએ મોટા ભાગના પ્રવાસીઓને બચાવી લીધેલા. કેટલાંક ઘાયલ જરૂર થયેલાં, છતાં જીવિત રહ્યા….
હવે ભૂસકો મારવાનો વારો નીરજાનો હતો. ત્યારે એણે બાળકોનું રુદન સાંભળ્યું. એણે ત્રણેય બાળકને શોધી કાઢ્યા. ત્રણેયને લઈને આપાતકાલીન દ્વાર તરફ આગળ વધી. આતંકીઓએ બાળકો પર ગોળી છોડી, પણ નીરજા ઢાલ બનીને આડી ઊભી રહી. બાળકો બચી ગયાં, પણ નીરજા ગોળીઓથી વીંધાઈ ગયેલી. પછી આતંકીઓ તો પકડાયા, પણ નીરજા શહીદીને વરી ચૂકેલી.
નીરજાનો એક અર્થ દેવી લક્ષ્મી થાય છે. બીજો અર્થ કમળનું ફૂલ થાય છે એટલે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં કહેવાય કે ‘પેન-એમ ૭૩’ ના પ્રવાસીઓ માટે નીરજાના રૂપમાં ખરેખર તો કમળના ફૂલ પર બિરાજમાન દેવી લક્ષ્મી જ સંકટહાર બનીને આવ્યાં હતાં.!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…