લાડકી

મારી મા એક તવાયફ હતી!

કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય

નરગીસની માતા જદ્દનબાઈ

(ભાગ: ૧)
નામ: ફાતિમા રાશીદ (નરગીસ દત્ત-નિર્મલા દત્ત)
સ્થળ: પાલી હિલ, બાન્દ્રા-મુંબઈ
સમય: બીજી મે, ૧૯૮૧
ઉંમર: ૫૧ વર્ષ
હું આંખો બંધ કરીને મુંબઈની બીચ કેન્ડી હોસ્પિટલમાં કદાચ, અંતિમ શ્ર્વાસ ગણી રહી છું. સહુ માને છે કે, હું કોમામાં છું. મેડિકલ સાયન્સ પણ કદાચ એમ જ માને છે. મારું શરીર સ્થિર છે. શ્ર્વાસ સંતુલિત છે. આંખો બંધ છે અને અન્ય કોઈ હલનચલન નથી, પરંતુ મારું મન જાગૃત છે. બહારના અવાજો સંભળાય છે મને. ધીમા અવાજે વાતચીત કરતા ડોક્ટર્સ મારા માથા પાસે લગાડેલા મોનિટર્સ અને મશીન્સની ધીમી ઘરઘરાટી અને ‘બિપ બિપ’ના સાઉન્ડ્સ મને કોઈ ફિલ્મના દ્રશ્યની યાદ અપાવે છે. ક્યાંક અચાનક કોઈ દિગ્દર્શક કહેશે, ‘કટ!’ …અને હું આંખો ખોલી કાઢીશ. સહુ તાળીઓ પાડશે. દિગ્દર્શક નજીક આવીને ખભો થાબડશે અને કહેશે કે, ‘શું રિયાલિસ્ટિક અભિનય કર્યો છે તમે!’ પણ અફસોસ, એવું નથી. આ જીવનના નાટકની ભજવણીનો અંતિમ અંક છે, કદાચ!

હવે દ્રશ્યમાં ‘કટ’ નહીં થાય, લાઈફ લાઈન કપાઈ જશે… સહુ મારાથી દૂર થઈ જશે. એક તસવીર બનીને લટકી જઈશ, ઘરની એકાદ દીવાલ પર! સંજુ, નમ્રતા, પ્રિયા અને દત્ત સા’બ! સહુ મને યાદ કરશે-મિસ કરશે. મારી ફિલ્મોના ફોટોગ્રાફ્સ, પોસ્ટર્સ, મારા એવોર્ડ્સ, એ ઘરની દીવાલો પર યાદ બનીને ગોઠવાઈ જશે. આમ તો લગભગ બધાનું એવું જ થાય છે. માણસ સામાન્ય હોય કે સ્ટાર, સહુએ ક્યાંક અટકવું પડે છે. હું, જ્યાં અટકી છું ત્યાં કદાચ થોડી વહેલી…

આજે પણ પાછી ફરીને યાદ કરું છું તો મને યાદ આવે છે મારી મા, મારા દાદી-જેમને મેં જોયાં નથી, પરંતુ એમની ખૂબ વાતો સાંભળી છે. અમારા પારિવારિક ઘરનાં એ દ્રશ્યો! કલકત્તામાં અમારું સુંદર ઘર હતું. બંગાળી બાંધણી ધરાવતા એ ઘરના મધ્યમાં ચોક હતો. પ્રવેશ કરતાં જ એક મોટો રૂમ આવતો જે મારી મા મ્યુઝિક રૂમ તરીકે વાપરતી. ભારતીય સિનેમાના શરૂઆતના દિવસોમાં જેમણે પોતાનું નામ કાઢ્યું તેવી ગાયક, સંગીતકાર, નૃત્યાંગના, અભિનેત્રી અને ફિલ્મમેકર તરીકે મારી મા જદ્દનબાઈને ખૂબ સન્માન મળ્યું છે. જોકે, એ સન્માન મેળવવા માટેનો એનો સંઘર્ષ પણ અવર્ણનિય રહ્યો છે. બિબ્બો અને સરસ્વતી દેવી નામની બીજી બે સંગીતકાર સાથે એણે ભારતીય ચલચિત્રોમાં સંગીત આપ્યું, અભિનય કર્યો અને ગાયિકા તરીકે પણ ખૂબ નામના મેળવી. અમારા ઘરમાં લાહોર, મુંબઈ અને કલકત્તાના અનેક સ્ટુડિયોના માલિકો, અભિનેતાઓ, સંગીતકારો, સાજિંદાઓ અને જાણીતા લેખકોની મહેફિલ જામતી. મારી મા પ્રમાણમાં મોડર્ન હતી. એની સાડીઓ, સ્ટાઈલ અને ઝવેરાતના વખાણ થતાં. અમારા ઘરમાં થતી પાર્ટીઓ કલકત્તાની બહેતરીન પાર્ટીઓમાંની એક કહેવાતી.

જોકે, મારી માનું બાળપણ અત્યંત સંઘર્ષમય અને ગરીબીમાં વીત્યું હતું. મારા બાળપણમાં મેં જે માણ્યું એ બધું મારી માને મળ્યું નહોતું. મારાં નાની, મારી માની મા દાલિપબાઈ બનારસની તવાયફ હતી. એ સમયે તવાયફોનો દબદબો હતો. આજે આપણે જેને સેક્સ વર્કરના નામે ઓળખીએ છીએ એવું નહીં, એ વખતની તવાયફો સંગીતની જાણકાર હતી. મોટામોટા કલાકારો એમની પાસે શીખવા આવતા. એમની પાસે એક ગ્રેસ હતો. એમનો આદર કરવામાં આવતો. એવી મારી દાદી દાલિપબાઈ પાસે બનારસ ઘરાનાના કલાકારો ઠુમરી અને દાદરા શીખવા આવતા. ટપ્પા અને ખયાલ એમની માસ્ટરી હતી. એમણે એમના જ એક ચાહક મિયાંજાન સાથે લગ્ન કર્યાં અને મારી મા જદ્દનબાઈનો જન્મ થયો. ૧૮૯૨ની આસપાસનો સમય હશે એમ મારી મા કહેતી કારણ કે, એ સમયે જન્મ તારીખ કે સાલનો કોઈ રેકોર્ડ રાખવાની પદ્ધતિ નહોતી. દેશ અંગ્રેજોનો ગુલામ હતો. ૧૮૫૭નો વિપ્લવ દબાઈ ગયો હતો, હજી નાના મોટા છમકલા થતા રહેતા, પરંતુ ગાંધી નામના એ સ્વાતંત્ર્ય વીરનો હજી ઉદય થયો નહોતો.

પાંચ વર્ષની ઉંમરે મારી માના હાથમાં સંગીતનો તોડો બંધાયો અને એણે શાસ્ત્રીય સંગીત શીખવાની શરૂઆત કરી, પરંતુ એના પિતા મિયાંજાનનું અવસાન થયું. પાંચ વર્ષની ઉંમરે એણે પિતા ગુમાવ્યા અને સાત વર્ષની ઉંમરે એની માતાનું મૃત્યુ થયું. લગભગ અનાથ પરિસ્થિતિમાં જદ્દનબાઈ માટે રોજેરોજનું ભોજન પણ અઘરું હતું, ત્યાં સંગીતની વાત તો શું કરવી! એની માની બહેનપણીએ એને થોડા સમય માટે આશ્રય આપ્યો, પરંતુ લાંબો સમય ત્યાં રહી શકે એમ નહોતી. શિક્ષણનો અભાવ અને સંગીતની ટ્રેનિંગ માટે પૈસા કે બીજી કોઈ સગવડ ન હોવા છતાં એની મમ્મીની બહેનપણીએ એને કલકત્તા મોકલવાની તજવીજ કરી. કલકત્તામાં વસતા શ્રીમંત ગણપત રાવ (ભય્યા સાહેબ સ્કિન્ડિયા) પાસે એ શરૂઆતનું સંગીત શીખી શકે એ માટે વિનંતી કરી. એ દિવસો ગુરૂ-શિષ્ય પરંપરાના દિવસો હતા. મારી મા, જદ્દનબાઈ એક મુસ્લિમ પરિવારની દીકરી હોવા છતાં એક ચુસ્ત હિન્દુ પરિવારમાં રહીને પોતાના સંગીતના શિક્ષણની શરૂઆત કરે છે… આજે વિચારું છું તો સમજાય છે કે, ધર્મના વાડા તો આપણે બાંધ્યા છે. સંગીત, સિનેમા, કલાને ધર્મના વાડા ક્યારેય નડ્યા નથી. શ્રીમંત ગણપત રાવ પાસે સંગીત શીખી રહેલી મારી
મા જદ્દનબાઈ એટલી બધી હોનહાર અને ઉત્તમ પુરવાર થઈ કે ૧૯૨૦માં જ્યારે
શ્રીમંત ગણપત રાવ ગુજરી ગયા ત્યારે ઉસ્તાદ મોઈનુદ્દીન ખાને સામેથી એને પોતાની શિષ્યા તરીકે આમંત્રિત કરી. મોઈનુદ્દીન ખાન સાહેબે જાતે એને ઉસ્તાદ ચંદુ ખાન સાહેબ અને ઉસ્તાદ લાભ ખાન સાહેબ પાસે મોકલીને સંગીતનું ખાસ પ્રશિક્ષણ અપાવ્યું. જોકે, તવાયફી છૂટી નહીં!

સંગીત શીખ્યા પછી પણ એના ભૂતકાળ અને એની નસ્લ એની સાથે ચાલતી રહી. મારી મા જદ્દનબાઈ પોતાની મા દાલિપબાઈ કરતાં પણ વધુ લોકપ્રિય થઈ, પરંતુ તવાયફ તરીકે! ૨૦ વર્ષની ઉંમરથી એને ત્યાં મોટા મોટા લોકો એનું સંગીત સાંભળવા આવતા. રામપુર, બિકાનેર, ગ્વાલિયર, ઈન્દોર અને જોધપુરના રાજઘરાનામાંથી એને મહેફિલ માટેનાં આમંત્રણો આવતા, પરંતુ હજી સુધી એની ઓળખ તો ‘બાઈજી’ તરીકે જ કરવામાં આવતી. મારી મા, જદ્દનબાઈનાં સ્વપ્નો મોટાં હતાં. એણે એક વાત નક્કી કરી લીધી હતી-જીવનભર તવાયફી નહીં કરે!

ભારતીય ફિલ્મના જન્મનો એ સમયગાળો હતો. ૧૯૧૩માં પહેલી ફિલ્મ બની, ‘રાજા હરિશ્ચન્દ્ર.’ દાદા સાહેબ ફાળકે નામના એક માણસે ચલચિત્ર બનાવીને ભારતીય સિનેમાને એક નવો આયામ, નવી ઓળખ આપી. એ જ ગાળામાં મુંબઈ અને લાહોરમાં ધીમે ધીમે સ્ટુડિયો ખૂલવા લાગ્યા. સરદાર ચંદુલાલ અને બોમ્બે ટોકીઝ, પારસી ઉદ્યોગપતિ જમશેદજી ફરાદજી
મદન દ્વારા ૧૯૦૨થી દર વર્ષે દસ ફિલ્મોનું નિર્માણ શરૂ થયું. જે ૧૯૧૯માં વિલીન થઈ ગયું, પણ ત્યાં સુધીમાં અનેક ફિલ્મોએ ભારતીય વ્યવસાયિક સિનેમાને એક શરૂઆત કરી આપી. બસ એ જ સમય હતો જ્યારે મારી માએ નવેસરથી પોતાની જિંદગી વિશે વિચાર કર્યો. કોલંબિયા ગ્રામોફોન કંપનીએ ભારતમાં રેકોર્ડ્સ બનાવવાની શરૂઆત કરી. લાખની રેકોર્ડ ઉપર અવાજને ધ્વનિ મુદ્રિત કરીને એને ફરીથી સાંભળી શકાય એવા એક વિજ્ઞાનની શરૂઆત સાથે ગ્રામોફોન લગભગ દરેક શ્રીમંત ઘરની શોભા બની ગયું. મારી માએ સૌથી પહેલાં કોલંબિયા ગ્રામોફોન કંપની સાથે પોતાની ગઝલ રેકોર્ડ કરી. એની લોકપ્રિયતામાં તો વધારો થયો જ, પરંતુ સાથે સાથે એની ગરિમા અને ગૌરવ પણ એક જુદા સ્થાને પહોંચ્યાં.

ગ્રામોફોન રેકોર્ડ પર એની તસવીરો જોઈને સૌથી પહેલાં પ્લે આર્ટ ફોટો ટોન કંપની, નામની એક લાહોરની ફિલ્મ કંપનીએ મારી માનો સંપર્ક કર્યો. જદ્દનબાઈ, એના સ્વભાવ મુજબ જિદ્દી અને હિંમતવાળી હતી. એ સમયે સારા ઘરની છોકરીઓ ફિલ્મોમાં કામ કરતી નહીં બલ્કે ફિલ્મોમાં કામ કરવા માટે તવાયફો અને ગાયક ઘરાનામાંથી જ છોકરીઓને શોધી લાવવામાં આવતી. મારી માએ પ્લે આર્ટ ફોટો ટોન કંપનીના આ આમંત્રણને સહર્ષ સ્વીકારી લીધું અને ૧૯૩૩માં એણે ‘રાજા ગોપીચંદ’ નામની બોલતી ફિલ્મમાં પહેલીવાર કામ કર્યું. ફિલ્મ ખૂબ ચાલી એટલું જ નહીં, હવે જદ્દનબાઈને નાયિકાના રોલ માટે અનેક કંપનીઓ તરફથી આમંત્રણ મળવા લાગ્યા. એણે બીજી ફિલ્મ કરી, કરાચીની કંપની સાથે. જેનું નામ હતું ‘ઈન્સાન યા શૈતાન’.
(ક્રમશ:)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો.. જ્યારે Harry Potter Mumbai Localમાં પ્રવાસ કરે ત્યારે…