
અંકિત દેસાઈ
ભારત સરકારે સિગારેટ પર 40 ટકા જીએસટી લાદીને ધૂમ્રપાન કરનારા પુરુષો સામે એક સીધો પડકાર મૂક્યો છે. આ નિર્ણય માત્ર એક આર્થિક નીતિ નથી,પરંતુ એક સામાજિક અને વ્યક્તિગત સંદેશ પણ છે. આ પગલાં સાથે, સરકારે જાણે બોલ પુરુષોની કોર્ટમાં નાખી દીધો છે.
હવે પસંદગી તમારે કરવાની છે: સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવું કે પછી આર્થિક અને શારીરિક નુકસાનના ભોગે પણ આ આદત ચાલુ રાખવી? આ નિર્ણયનો હેતુ સ્વાસ્થ્ય સંબંધી જોખમો ઘટાડવાનો છે, પરંતુ તેની સીધી અસર તમારા ખિસ્સા પર થવાની છે.
ચાલો, આ નિર્ણયની આર્થિક ગણતરી પર એક નજર કરીએ. ભારતમાં સિગારેટની બ્રાન્ડ અને પેક મુજબ અલગ-અલગ કિંમત હોય છે. ધારો કે, એક જાણીતી બ્રાન્ડનું 10 સિગારેટનું પેકેટ હાલમાં રૂ. 150 માં મળે છે. આ કિંમતમાં પહેલેથી જ વિવિધ કર (ટેક્સ) અને સેસનો સમાવેશ થાય છે. હવે જો તેના પર 40 ટકા જીએસટી લાદવામાં આવે, તો કિંમતમાં નોંધપાત્ર વધારો થશે.
એક સામાન્ય ધૂમ્રપાન કરનાર વ્યક્તિ દિવસમાં સરેરાશ એકાદ પેકેટ સિગારેટ પીવે છે. આ ગણતરી મુજબ 150 રૂપિયાના પેકેટનો માસિક ખર્ચ 4500 રૂપિયા થાય છે અને વાર્ષિક ખર્ચ 54,000 રૂપિયા થાય… હવે, જ્યારે 150 રૂપિયા પર 40 ટકા જીએસટી લાગશે, તો તેના પર 60 રૂપિયાનો વધારો થશે પછી નવી કિંમત 210 રૂપિયા થશે.
આ નવી કિંમત મુજબ, દરરોજ એક પેકેટ પીનાર વ્યક્તિનો માસિક ખર્ચ 6300 રૂપિયા અને વાર્ષિક ખર્ચ 75,600 રૂપિયા થશે. આ ગણતરી દર્શાવે છે કે એક સામાન્ય ધૂમ્રપાન કરનાર વ્યક્તિને વાર્ષિક 21,600 રૂપિયાનો વધારાનો બોજ ઉઠાવવો પડશે.
આ આર્થિક બોજ માત્ર એક આંકડો નથી. તે એક તક છે. 21,600 રૂપિયાનો વાર્ષિક વધારાનો ખર્ચ એ નાની રકમ નથી. આ નાણાંનો ઉપયોગ અન્ય ઘણી ઉપયોગી ચીજો માટે થઈ શકે છે,જેમ કે પરિવાર માટે સ્વાસ્થ્ય વીમો લેવો,બાળકોના શિક્ષણ માટે બચત કરવી અથવા તો નાની બચત કરીને ભવિષ્ય માટે આર્થિક સુરક્ષા ઊભી કરવી.
ઉદાહરણ તરીકે, જો આ રકમનું રોકાણ મ્યુચ્યુઅલ ફંડ કે અન્ય યોજનાઓમાં કરવામાં આવે તો લાંબા ગાળે તે મોટું ભંડોળ બની શકે છે. જ્યારે તમે સિગારેટ પાછળ પૈસા ખર્ચો છો ત્યારે તમે વાસ્તવમાં તમારા ભવિષ્યના તબીબી ખર્ચનો પાયો નાખી રહ્યા છો અને આ ખર્ચ ધૂમ્રપાન પાછળ થતા ખર્ચ કરતાં અનેકગણો વધારે હોઈ શકે છે.
આ નિર્ણય માત્ર આર્થિક ખર્ચની વાત નથી,પરંતુ સ્વાસ્થ્ય ખર્ચની પણ છે. ધૂમ્રપાન એ ફેફસાંના કેન્સર, હૃદયરોગ, સ્ટ્રોક અને શ્વસનતંત્રને લગતી અનેક ગંભીર બીમારીઓનું મુખ્ય કારણ છે. આવી બીમારી પાછળ થતો તબીબી ખર્ચ ખૂબ જ મોટો હોય છે, જે ઘણીવાર આર્થિક રીતે મજબૂત પરિવારોને પણ આર્થિક સંકટમાં મૂકી શકે છે.
ધૂમ્રપાનના કારણે થતી બીમારીઓ જીવનની ગુણવત્તા ઘટાડે છે અને કામ કરવાની ક્ષમતા પર પણ નકારાત્મક અસર કરે છે. સરકારે આ કાયદો લાવીને તમને બેવડો વિકલ્પ આપ્યો છે: જો તમે ધૂમ્રપાન છોડશો, તો તમે આર્થિક અને શારીરિક બંને રીતે લાભ મેળવશો. જો તમે ચાલુ રાખશો તો તમારે આર્થિક અને સ્વાસ્થ્ય બંને રીતે મોટું નુક્સાન ભોગવવું પડશે.
સરકારના આ નિર્ણયનો બીજું એક મહત્ત્વપૂર્ણ પાસું એ છે કે તે યુવા પેઢીને ધૂમ્રપાનથી દૂર રાખવામાં મદદ કરશે. ઊંચી કિંમત યુવાનોને સિગારેટ ખરીદતા પહેલા વિચારવા માટે મજબૂર કરશે.
આ એક એવી પહેલ છે જે સ્વાસ્થ્ય અને અર્થતંત્ર બંનેને લાભ પહોંચાડી શકે છે. સરકારનો આ નિર્ણય સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમનો હેતુ સિગારેટના વેચાણ પરથી વધુ આવક મેળવવાનો નથી,પરંતુ નાગરિકોને ધૂમ્રપાનની આદત છોડવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
આ સંજોગોમાં દરેક પુરુષે પોતાના જીવનની પ્રાથમિકતાઓ વિશે ફરી વિચાર કરવો જોઈએ. શું ક્ષણિક આનંદ માટે શરીર અને ખિસ્સા બંનેનું નુક્સાન કરવું યોગ્ય છે? ધૂમ્રપાન છોડવું એક અઘરો નિર્ણય હોઈ શકે છે, પરંતુ તે અશક્ય તો નથી જ…
આર્થિક બોજ વધતા,તમારી પાસે એક મજબૂત કારણ છે કે આ આદતને હંમેશ માટે અલવિદા કહી દો. આ ફક્ત તમારા સ્વાસ્થ્ય માટે જ નહીં,પરંતુ તમારા પરિવારના ભવિષ્ય માટે પણ એક સારો અને સાચો નિર્ણય હશે.
આ પણ વાંચો…મેલ મેટર્સ : પુરુષો હવે પિતા બનવાનું સહેજ મોડું પસંદ કરે છે, પણ…
જ્યારે તમે સિગારેટ છોડો છો ત્યારે તમે ફક્ત એક આદત નથી છોડતા, પરંતુ તમે એક સ્વસ્થ જીવનશૈલી અને તમારા પરિવાર માટે એક સુરક્ષિત ભવિષ્યની પસંદગી કરો છો.
સરકારે તો તેની ફરજ નિભાવી છે, હવે બોલ ખરેખર તમારી કોર્ટમાં છે. ધૂમ્રપાન મુક્ત જીવનની પસંદગી કરીને,તમે માત્ર પોતાને જ નહીં,પરંતુ સમગ્ર સમાજને એક સકારાત્મક સંદેશ આપશો.
અને સમાજને સંદેશ આપવાનું છોડી દોને ભાઈ, મુખ્ય વાત તો એ કે તમે એક સારા, હેલ્ધી જીવનને આવકાર આપો છો. જેની સાથે માત્ર તમારું જ ન અહીં, પરંતુ તમારા આખા પરિવારનું સુવર્ણ ભવિષ્ય જોડાયેલું છે.
બોલો, ચોઈશ ઈઝ યોર્સ…!
આ પણ વાંચો…ભારતીય અર્થતંત્ર માટે ‘જીએસટી બૂસ્ટ’, 6-7% રેવન્યુ ગ્રોથની સંભાવનાનો દાવો