કથા કોલાજઃ મારા પિતાની જેમ માઈકલ પણ દવાઓનો વ્યસની થઈ ગયો હતો

કાજલ ઓઝા-વૈદ્ય
(ભાગ: 4)
નામ: લીસા મેરી પ્રેસ્લી
સમય: 2023, 12 જાન્યુઆરી
સ્થળ: યુસીએલએ વેસ્ટ વેલી મેડિકલ સેન્ટર, લોસ એન્જલસ, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સ
ઉંમર: 54 વર્ષ
માઈકલ જેક્સન એક રહસ્યમય પાત્ર રહ્યો. એના ફેન્સ પણ એના વિશે ખાસ કંઈ જાણતા નહોતા. એની જિંદગી બહુ ઈન્સ્યુલેટેડ’ બંધ અને કંટ્રોલ્ડ હતી. અમે જ્યારે લગ્ન કર્યાં, 26 મે, 1994… ત્યારે અમારાં લગ્નને એક પબ્લિસિટી સ્ટંટ કહીને ચગાવવામાં આવ્યાં. લોકોને લાગ્યું કે, માઈકલ ઉપર લાગેલાચાઈલ્ડ મોલેસ્ટેશન’ના આરોપને ખોટો સાબિત કરવા માટે એના જીવનમાં એક સ્ત્રી હોવી જોઈએ જેથી એ નોર્મલ છે એવી વાત ફેન્સ અને મીડિયાના ગળે ઉતારી શકાય.
આવી કોઈ સ્ત્રી એના જીવનમાં આવે, એ પણ જો એલ્વિસ પ્રેસ્લીની દીકરી (એક પોપસ્ટારની પુત્રી) હોય, જેની એક સાફસુથરી ઈમેજ હોય અને એની પાસે એના પિતાનો વારસો હોય તો માઈકલને મોટી મદદ મળી રહે… એવા વિચારથી આ લગ્ન કરવામાં આવ્યા છે એવું મીડિયા વારંવાર કહેતા રહ્યા, પરંતુ એ સત્ય નથી.
હું માઈકલને સાચે જ પ્રેમ કરતી હતી! સાચું પૂછો તો એની એકલતા જોઈને મને મારા પિતા યાદ આવતા. હું જ્યારે જ્યારે અન્ય લોકોને એનો ફાયદો ઉઠાવતાં જોતી ત્યારે મને દરેક વખતે એલ્વિસ પ્રેસ્લીની આસપાસ રહેલા લોકોએ એનો જે ગેરફાયદો ઉઠાવ્યો એ યાદ આવતું. મારા પિતાની જેમ માઈકલ પણ દવાઓ પર આધારિત થઈ ગયો હતો.
મેં એને રોકવાનો, એના જીવનને બદલવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ હું સફળ ન થઈ શકી એ વાતનો મને આજે પણ અફસોસ છે. હું માઈકલને પરણી ત્યારે બે બાળકોની મા હતી. ડેની કીઓથી જન્મેલાં બે સંતાનો, રાઈલી અને બેન્જામિન… જ્યારે માઈકલ તરત જ બાળકો ઈચ્છતો હતો! ખરેખર તો માઈકલ નહીં, એની ટીમ ઈચ્છતી હતી કે માઈકલ તરત જ પિતા બને જેથી એના ઉપર લાગેલો આરોપ ખોટો સાબિત થઈ શકે.
હું તરત જ બાળક નહોતી ઈચ્છતી કારણ કે, અમે એકમેકને સમજી શકીએ, આ લગ્ન ટકશે કે નહીં એ સમજાય નહીં ત્યાં સુધી બાળકને જન્મ આપવો યોગ્ય નથી એવું મને લાગતું હતું. સમય સાથે અમારી વચ્ચે મતભેદ વધવા લાગ્યા. માઈકલ અનેક દવાઓ લેતો. એ કઈ દવાઓ લેતો એ મને જણાવવામાં આવતું નહીં. એનો સ્ટાફ માઈકલની મુવમેન્ટ કે એના દિવસનું રૂટિન મારી સાથે શેર કરતા નહીં.
એટલું ઓછું હોય એમ હું જ્યારે પણ એને મળવાનો પ્રયત્ન કરતી કે એની સાથે સમય વિતાવવાનો પ્રયત્ન કરતી ત્યારે દરેક વખતે મને ટાળવામાં આવતી, એવું કહેવામાં આવતું કે માઈકલ બહુ વ્યસ્ત છે. એની `નેવર લેન્ડ’ રાન્ચમાં કોઈપણ બાળકને પ્રવેશ મળતો, પરંતુ માઈકલ ત્યાં હોય ત્યારે મારે ત્યાં પ્રવેશ કરતા પહેલાં અગાઉથી મંજૂરી લેવી પડતી… અમારી વચ્ચે ઝઘડા વધવા લાગ્યા.
છેલ્લે 1995માં મેં એનું ઘર છોડી દીધું, 1996માં અમે ઓફિશિયલી છૂટાછેડા લીધા, ત્યારે મેં કહ્યું હતું, `મેં એની પત્ની બનવા માટે મારો પૂરો પ્રયત્ન કરી જોયો, એને સમજવાનો, સહારો આપવાનો, પણ પ્રયાસ કર્યો, પરંતુ અમારી વચ્ચે એવા મતભેદ છે જે હવે સુધરી શકે એમ નથી. માઈકલની આજુબાજુના લોકો એને કોઈની પણ સાથે સારી રીતે નહીં જીવવા દે કારણ કે એમને માટે એમનો સ્વાર્થ બહુ મહત્ત્વનો છે.’
માઈકલ સાથે છુટા પડ્યાં પછી 1996થી શરૂ કરીને 2002 સુધી મેં એકલાં રહેવાનું પસંદ કર્યું. મારા સંતાનોને ઉછેરવામાં મેં મારી પૂરી શક્તિ અને સમય નાખી દીધા. હું જાણું છું કે, માઈકલ સાથેના મારા સંબંધો દરમિયાન બેન્જામિન ઉપર ઊંડી અસર થઈ હતી. ડેની સાથેના ડિવોર્સથી પણ બેન્જામિન હચમચી ગયો હતો.
જોકે, 1996માં અમે છુટા જરૂર પડ્યા, પરંતુ માઈકલ સાથેનો સંબંધ ક્યારેય સંપૂર્ણપણે તૂટી શક્યો નહીં. અમે ભાવનાત્મક રીતે એકમેક સાથે જોડાયેલાં રહ્યાં. એ જ્યારે પણ નવું મ્યુઝિક બનાવતો ત્યારે મને ફોન કરીને સંભળાવતો. હું અવારનવાર એને ઘેર જતી… એણે એડોપ્ટ કરેલા બાળકો સાથે અમે રમતાં.
માઈકલ વારંવાર કહેતો કે, ધે આર ગોઈંગ ટુ કિલ મી.’ હું આ વાતથી બહુ વિચલિત થઈ જતી. આધે’ એટલે કોણ એ વાત માઈકલે ક્યારેય સ્પષ્ટ ન કરી, પરંતુ મને હંમેશાં એવું લાગ્યું છે કે માઈકલની આસપાસ રહેલા લોકો-એનો સ્ટાફ, એના મિત્રો અને એના ડોક્ટર્સ પણ, માઈકલનું ભલું ઈચ્છતા નહોતા. જોકે, આ વાત હું જ્યારે માઈકલને કહેતી ત્યારે અમારી વચ્ચે ઝઘડા થઈ જતા… અંતે, એની આસપાસના લોકોએ જ એનો જીવ લીધો એમ હું કહું તો એ વાત જરાય ખોટી નથી.
માઈકલથી છુટા પડ્યા પછી હું જ્યારે સંતાનોને ઉછેરી રહી હતી ત્યારે મેં લોસ એન્જલસમાં ઘર લીધું. એ જ સમય દરમ્યાન મને જાણે એલ્વિસનો આત્મા ગાઈડ કરતો હોય એમ મેં માં પોતાનુ સંગીત બનાવવાની શરૂઆત કરી.
માં પહેલું જ આલ્બમ સફળ રહ્યું અને ત્યારે જ હું નિકોલસ કેજને મળી. તેમને મૂનસ્ટ્રક અને રાઇઝિંગ એરિઝોના (બંને 1987) માં તેમની ભૂમિકાઓ માટે વિવેચનાત્મક સફળતા મળી, ત્યારબાદ નાટકીય ફિલ્મ “લીવિંગ લાસ વેગાસ” (1995) માટે શ્રેષ્ઠ અભિનેતાનો એકેડેમી એવોર્ડ મળ્યો. કોમેડી-ડ્રામા ફિલ્મ “એડેપ્ટેશન” (2002) માં જોડિયા ચાર્લી અને ડોનાલ્ડ કૌફમેનની ભૂમિકા ભજવવા બદલ તેમને ઓસ્કાર-નોમિનેટેડ કરવામાં આવ્યા હતા.
અમે ઓસ્કાર એવોર્ડની સેરેમનીમાં મળ્યા. મને લાગ્યું કે, હું એના તરફ આકર્ષાઈ છું. હજી મને કશું સમજાય એ પહેલાં નિકોલસે લગ્નની દરખાસ્ત કરી. અમે ઉતાવળમાં લગ્ન કરી લીધા, પરંતુ એ લગ્ન ટકી શક્યા નહીં. લગ્નના બીજા જ દિવસે અમે ઝઘડ્યા, હું હોટેલના રૂમ છોડીને મારે ઘરે આવી ગઈ. ફક્ત 108 દિવસમાં એ લગ્ન તૂટી ગયાં… અમે ડિવોર્સની અરજી કરી દીધી.
જોકે, ડિવોર્સ થયા પછી નિકોલસે મને સમજાવવાનો, મનાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ ત્રણ લગ્નથી હું થાકી ગઈ હતી. મને કંઈ જ સમજાતું નહોતું. એ દરમ્યાન મારાં જાણીતાં ગીતો અને આલ્બમ્સ બજારમાં આવ્યાં. મને લાગ્યું કે, જાણે મને મારા જીવનનો રસ્તો જડી ગયો છે. હું મારા સંગીત પર કામ કરતી હતી ત્યારે મારી મુલાકાત માઈકલ લોકવુડ સાથે થઈ. માઈકલ એક ગિટારિસ્ટ અને મ્યુઝિક પ્રોડ્યુસર હતા. અમે એક સાથે કામ કરવાં લાગ્યા. માઈકલ એવા જાણીતા કે અમીર નહોતા, પરંતુ એમનામાં સંગીતની એક ઊંડી સમજ હતી, અથવા એ વખતે એવું મને લાગ્યું!
માઈકલ સાથે મેં 2006માં લગ્ન કર્યાં. આ લગ્ન વખતે બેન્જામિન 14 વર્ષનો હતો. બેન્જામિન મારા પર ખૂબ આધારિત હતો. નિકોલસ સાથેના લગ્ન વખતે પણ એણે વિરોધ કર્યો હતો, પરંતુ ત્યારે એ નાનો હતો. હવે એ ટીનએજર હતો અને એની માને કોઈની પણ સાથે વહેંચી શકે એવી એની માનસિક પરિસ્થિતિ નહોતી.
આજે વિચાં છું તો મને સમજાય છે કે, મારાં આ લગ્નોને કારણે બેન્જામિનના મન પર ખૂબ ઊંડી અસર થઈ હશે. હું જે રીતે મારી માને મારા પિતાના મૃત્યુ માટે જવાબદાર માનું છું, એવી જ રીતે બેન્જામિન પણ મને ભીતરથી ક્યાંક ધિક્કારતો હશે?
એ વખતે મેં બેન્જામિનને સમજાવવાનો ખૂબ પ્રયાસ કર્યો. એ માન્યો તો નહીં જ… પરંતુ, એ 14 વર્ષનો હતો એટલે એકલો રહી શકે એમ નહોતો. એ અમારી સાથે રહેતો, પરંતુ એણે કદી માઈકલને સ્વીકાર્યો નહીં. સચ્ચાઈ તો એ છે કે, મારી બે ટ્વિન દીકરીઓ હાર્પર અને ફિનલેના જન્મ વખતે મેં બેન્જામિનને અત્યંત દુ:ખી અને એકલવાયો જોયો છે.
અંતે, બેન્જામિન સાચો પૂરવાર થયો. માઈકલ વિશેના એના તમામ ભય સાચા હતા એ વાતની ખબર મને છેક 2016 સુધી પડી જ નહીં… હું બેન્જામિનને સતત સમજાવતી રહી કે, માઈકલ સારો માણસ છે અને એને ચાહે છે! પરંતુ, 2016માં જ્યારે પહેલીવાર મને જાણ થઈ કે, માઈકલે મારા એકાઉન્ટ્સમાં છેડછાડ કરીને ઘણા પૈસા ઉચાપત કર્યા છે ત્યારે મોડું થઈ ચૂક્યું હતું.
2016માં મેં છૂટાછેડાની અરજી કરી. મામલો વિવાદાસ્પદ થઈ ગયો, મીડિયાએ ખૂબ ચગાવ્યો. પૈસા, બાળકોની કસ્ટડી અને ડ્રગ્સની આદતો સાથેની ઘણી વિગતો મીડિયામાં ઉછાળવામાં આવી. અંતે, 2021માં છૂટાછેડા થયા તો ખરા, પણ ઘણી ખુવારી પછી…
2021માં થયેલા છૂટાછેડા પછી બેન્જામિનની સ્થિતિ ઓર ખરાબ થઈ ગઈ. એ વધુ ઉશ્કેરાયેલો રહેવા લાગ્યો. મારી સાથે ઝઘડતો, ઘર છોડી દેતો અને વારંવાર મારે એને શોધવા નીકળવું પડતું… એક દિવસ એ આવી જ રીતે જતો રહ્યો ને પછી કદી આવ્યો જ નહીં! (ક્રમશ:)
આ પણ વાંચો…કથા કોલાજઃ મારું નામ લીસા મેરી પ્રેસ્લી, મારા પિતાનું નામ એલ્વિસ પ્રેસ્લી!