આયુ કી ઐસી કૈસી… દિલમાં ઉમંગ હોવો જોઈએ!

નીલા સંઘવી
ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ
અણદીઠેલ ભોમ પર યૌવન માંડે આંખ
ના, ના ગેરસમજ ન કરતા. `સંધ્યા છાયા’ કોલમમાં આજે કોઈ યુવાન વિશે વાત નથી કરવાની. જેમની વાત કરવાની છે એ યુવાન નથી પણ યુવાનને શરમાવે એવા 84 વર્ષના યુવાન છે. એમને જોઈને મને વર્ષો પહેલાં આવતી એક જાહેરખબર યાદ આવી જાય છે. કઈ પ્રોડક્ટની જાહેરખબર હતી તે તો યાદ નથી , પણ જાહેરખબર કાંઈક આવી હતી. એક ચાલતી બસમાં એક વૃદ્ધ અને એક યુવાન બંને ચઢે છે. બંને એક સીટ પર બેસી જાય છે. યુવાન હાંફતો હોય છે અને વૃદ્ધ આરામથી બેઠા છે.એ જાહેરખબરના વૃદ્ધ જેવાં જ એક 84 વર્ષના યુવાનની વાત કરવી છે.
આ યુવાન વડીલને આપણે દીપકભાઈ કહીશું. આ ઉંમરે એમના ઘટમાં ઘોડા થનગને છે. તેમના મનમાં ઉમંગ અને તનમાં ભારે સ્ફૂર્તિ છે. આ ઉંમરે પણ યુવાનોની માફક કંઈકને કંઈક કરવાની ઈચ્છા ધરાવે છે. સમાજ માટે કંઈક કરી છૂટવાની એમને હોંશ છે.
યુવાવસ્થા જ દીપકભાઈને ફોટોગ્રાફીનો બહુ જ શોખ. સરસ મજાના ફોટા પાડે. દીપકભાઈને સૌથી વધુ ફોટો સૂર્યોદય અને સૂયાસ્તના પાડવા ગમે. પ્રાકૃતિક સૌંદર્યને પણ કેમેરામાં મઢી લેવાનો શોખ. એ ક્યાંય પણ જાય કેમેરો તેમની સાથે જ હોય. જે ચીજ કે દૃશ્ય આકર્ષે તેને કેમેરામાં કેદ કરી લે. તેમની ફોટોગ્રાફી સ્કીલ આજે પણ ગજબની છે. એમના કિલક કરેલા ફોટા જોનારનું મન મોહી લે. ધીરે ધીરે તેમના ફોટા અખબાર, મેગેઝિનમાં પ્રકાશિત થવા લાગ્યા. આવી રીતે મીડિયામાં પોતાના ફોટોગ્રાફ પ્રદર્શિત થવાને કારણે હંમેશાં ઉત્સાહમાં રહેતા દીપકભાઈના ઉત્સાહમાં ઓર વધારો થયો. પછી તો ઊંડી કલાસૂઝ ધરાવનાર દીપકભાઈએ ફોટોગ્રાફીને શોખ તરીકે અપનાવી લીધો. તેમનું ફોટોગ્રાફીનું કલેકશન વધતું ગયું તેમ તેમની આંખમાં એક સ્વપ્ન અંજાયું, આર્ટ ગેલેરીમાં પોતે ક્લિક કરેલા ફોટોગ્રાફસનું પ્રદર્શન યોજવાનું. પછી તો શોખ સાથે વ્યાપારમાં ધ્યાન આપવાનું થયું, લગ્ન થયાં, પરિવાર વધ્યો એટલે એમાં વ્યસ્ત થઈ ગયા. પણ એ વ્યસ્તતતા વચ્ચે પણ પોતાના શોખને પોષતા રહ્યા. પોતાના શોખને કારણે એમને ઘણી સેલિબ્રિટિઝના ફોટોગ્રાફસ લેવાની તક પણ મળી. ભારતની પ્રથમ મિસ યુનિવર્સ રીતા ફારિયા, શશી કપૂર, હેમામાલિની, શંકર-જયકિસન, સિતાર વાદક પંડિત રવિશંકર જેવા દિગ્ગજોને મળવાનો મોકો પણ દીપકભાઈને પોતાના શોખને કારણે મળ્યો.
દીપકભાઈની જીવન વિષેની ફિલોસોફી ક્લિયર છે. એ માને છે કે પોતાની જાતને વ્યસ્ત રાખવાની, શોખને પોષવાનો. ગમતી પ્રવૃત્તિ કરવાની. પોતાના કામ સાથે અરે પરિવારની જવાબદારીઓ વચ્ચે પણ ફોટોગ્રાફી કરતા જ રહ્યા. ધીરે ધીરે કામમાંથી રિટાયર્ડ થયા. ફોટાનું મસમોટું કલેકશન હતું. યુવાનીમાં ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજવાનું એ સ્વપ્ન જોયેલું તે ફરીથી સળવળવા માંડ્યું. મનમાં અજંપો હતો. ક્યારે પ્રદર્શન યોજાશે? પરિવારે સપોર્ટ કર્યો, દીકરાએ કહ્યું,`રાહ શેની જુઓ છો? હમણાં જ પ્રદર્શન યોજવાની વ્યવસ્થા કરી દઉં.’ અને યુવાનીમાં જોયેલ સ્વપ્ન છેક 82 વર્ષે સાકાર થયું. પરિવાર ને મિત્રોના સહકારથી જુહુ સ્કીમની એક આર્ટ ગેલેરીમાં દીપકભાઈએ પાડેલ સુંદર તસવીરોનું પ્રદર્શન યોજાયું. દીપકભાઈ ભાવવિભોર થઈ ગયા- આનંદનો પાર ન હતો. એક્ઝિબિશનમાં જે આવક થશે તસવીરોના વેચાણથી તે તેમણે સદ્કાર્યમાં વાપરવાનું નક્કી કર્યું. આ આવકમાંથી એક પણ પૈસા ઘરમાં નથી રાખવાનો. ઊલટાનું જે પૈસા આવે તેમાં યથાશક્તિ ઉમેરીને ચેરિટી કરવાનું નક્કી કર્યું. આમ તો દીપકભાઈ વર્ષોથી કોઈને કોઈ સમાજોપયોગી કાર્ય કરતા રહેતા હતા. આ એક્ઝિબિશનની આવક ગરીબ અને જરૂરિયાતમંદ કેન્સર રોગીઓને માટે કામ કરતી સંસ્થાને દાન કરી દેવી એવો સંકલ્પ દીપકભાઈએ કર્યો. આમ આ પ્રદર્શન કેવળ કલાની અભિવ્યક્તિ ન રહેતા જરૂરિયાતમંદ કેન્સર પેશન્ટસને મદદ કરાવનો એક સદ્ પ્રયત્ન પણ હતો જે સફળ થયો.
દીપકભાઈએ 82 વર્ષની ઉંમરે 82 ફોટોગ્રાફ પ્રદર્શિત કર્યા હતા. દીપકભાઈના જીવનના બે પાસાં પેસન અને પરપઝ. એક્ઝિબિશનને કારણે તેમના બંને મિશન સફળ થયાં. મિત્રો અને પરિવારજનોની મદદથી દીપકભાઈને ખાસ્સી એવી આવક થઈ. એ બધી જ તેમણે લીધેલા સંકલ્પ પ્રમાણે દાન કરી દીધી.
દીપકભાઈની વાત કરીને એજ કહેવું છે કે દિલમાં ઉમંગ રાખો તો સપના પૂર્ણ થશે. ઉંમર થાય એટલે લાચારી દર્શાવ્યા કરવાની, તબિયતના રોદણાં રડ્યા કરવાના – એવું બધું નહીં કરવાનું. જો તમારા જીવનમાં એકાદ શોખ હશે તો જીવન જીવવાની મજા આવશે. દીપકભાઈને તો ગાવાનો પણ શોખ છે. કરાઓકે ગ્રૂપમાં ગાવા માટે પણ જતા હોય છે. ઉંમર વધતા જિંદગી ખતમ નથી થઈ જતી. એ તો ખતમ થવાની હશે ત્યારે થશે પણ જ્યાં સુધી શ્વાસ છે ત્યાં સુધી જિંદાદિલીથી જીવોને, યાર!
આપણ વાંચો: ફોકસઃ પરણ્યા એટલે…



