લાફ્ટર આફ્ટરઃ પુરુષ કેમ મહિલા ગ્રૂપની મીટિંગથી ભાગે છે…?

- પ્રજ્ઞા વશી
પહેલાં આવું કહેવાતું… ‘ભેગા થાય ચાર ચોટલા, તો ભાંગે ઘરના ઓટલા.’ હવે તો કોઈ બહેનને ભૂલમાં પણ કોઈ ભાઈ એવું કહેવા જાય તો ઓટલા તો પછી ભાંગે, પણ પહેલાં એના હાડકાં જરૂર ભાંગી જાય, છતાં કોઈ ભાઈને કહેવામાં આવે કે ‘તમારે બહેનોની મીટિંગમાં હાજરી આપવાની છે અને તે પણ પૂર્ણ સમય માટે! ’ તો એ ભાઈ કોઈપણ બહાનું બતાવીને ત્યાંથી પલાયન થઈ જાય,પણ મીટિંગમાં બેસવા તૈયાર નહીં થાય. બસ, હવે એક દ્રશ્ય જોઈએ અને પછી કેમ ભાઈઓ મહિલા ગ્રૂપની મીટિંગમાં બેસતા નથી એનો ભેદ જાણીએ….
મીનાબહેન મહિલા ગ્રૂપનાં પ્રમુખ. એકવાર એમણે ગ્રૂપની મીટિંગમાં પ્રમુખપદે બેસીને નિર્ણયો લેવાના હતા. મોડું થવાથી પતિ મહેશભાઈ એમને મૂકવા ગયા. આમ તો મૂકીને આવી રહેવાના હતા. પણ અતિ વરસાદને કારણે તેઓ પણ અંદર ગયા. મીટિંગ હોલ મોટો હતો. એટલે એમણે એક ખૂણે બેસી રહેવાનું સાહસ કર્યું. પણ એક બહેનની આંખે ચડી ગયા. (પછી કંઈ ગાંઠે?) તરત જ તેમણે ઊભા થઈને એલાન કર્યું.
‘આપણા પ્રમુખશ્રી મીનાબહેનના પતિદેવ હાજર છે. તો એમને માન સહિત ટેબલ ખુરશીએ બેસાડવા એ આપણી ફરજ છે.’
મુકેશભાઈએ લાખ ના કહી. પણ બધી બહેનોએ ઊભાં થઈને તાળીઓ પાડીને મંચ ઉપરના ટેબલ ખુરશી પર બેસવા વિનંતી કરી.
એક બહેને ઝડપથી પ્લાસ્ટિકનું ફૂલ આપતાં કહ્યું, ‘મહેશભાઈ, અમારી સંસ્થામાં અમે જાતે આવાં ફૂલો બનાવીને સંસ્થાને મદદરૂપ થઈએ છીએ.(ઘરમાં રહીને શું કરે છે? એવો પ્રશ્ન મહેશભાઈને પૂછવો હતો. પણ સામે રણચંડીઓ અગણિત… બોલે તો બાર ખાય.)
વારાફરતી બહેનો અંદર પ્રવેશી રહી હતી. કોઈ અડધી પલળેલી હતી. કેટલીક ગળતી છત્રીને લઈને પ્રવેશી રહી હતી. કેટલીક તો ગળતો રેઇનકોટ તાર ઉપર કપડાં સૂકવે તેમ સૂકવી રહી હતી. કેટલીક ‘આવા વરસાદમાં પહેલાં ચા મળી જાય તો સારું.’ એવું જરા મોટેથી બોલીને બીજી બે-ચાર જણીને ચા મંગાવવા માટે એમના ખભે બંદૂક મૂકતી હતી.
કેટલીક બોલતી હતી, ‘ભર વરસાદની આગાહી હતી તો મીટિંગ શા માટે રાખવી જોઈએ? પલળીને ઘેર જઈશું ને માંદા પડી જઈશું તો રસોઈ પાણી કોણ કરશે? પ્રમુખ મીનાબહેનનું શું છે, એમના તો પતિદેવ ઘરે રસોઈ કરી નાખતા હશે અને આપણે તો ઘરે જઈને રોટલા ટીપવાના!’
એકે કોણી મારી. ‘અલી, ધીરે બોલ. ઉપર બેઠેલા ભાઈ મીનાબહેનના પતિદેવ છે. સમજી?’
‘શાંતિ… શાંતિ… બહેનો જરા શાંતિ રાખો. બહાર વરસાદ ખૂબ વરસી રહ્યો છે. આપણે કુલ પાંચ મુદ્દા પર નિર્ણય લેવાનો છે. એ લેવાઈ જાય તો જલદી ઘરે જઈ શકીશું. પહેલો મુદ્દો એ છે કે દિવાળી આવી રહી છે તો આપણે એક પ્રોગ્રામ કરવો અને એ પ્રોગ્રામમાં શું કરવું, એ વિશે બધાં વારાફરતી શિસ્તમાં રહીને કહો.’
એક બહેન ઊભાં થઈને બોલ્યાં, ‘સારું સારું જમવાનું રાખો અને બને તો જતી વખતે એક ટિફિન પણ ભરીને આપો. એટલે દિવાળીમાં ઘરે જઈને પતિ માટે રસોઈ બનાવવી ના પડે.’
પાછળથી એ બહેનનો સાડીનો છેડો પકડીને એને બેસાડતાં બીજાં બહેન ઊભાં થયાં અને બોલ્યાં, ‘આ મોનાબહેનને ખાવાની વાત જ આવડે છે. એના કરતાં ટેલેન્ટ શો રાખો તો બધાને અભિવ્યક્તિની તક મળે.’
હવે એની પાછળની બહેનને તો મોનાને બતાવી જ દેવું હતું. એટલે આરતીબહેને મોનાનો દુપટ્ટો ખેંચતાં ઊભાં થઈને પૂરા જોશથી કહ્યું, ‘ઘરમાં સાસુને ઓછી ટેલેન્ટ બતાવે છે, તે મોટી અહીં ટેલેન્ટ બતાવવાની? એ નાટકચેટકમાં બધાએ પોતપોતાનાં ઘરમાં કરવાનાં. કંઈક તર્કબદ્ધ અને બુદ્ધિવર્ધક પ્રોગ્રામ કરો. સમજ્યાં?’
મીનાબહેને ફરી ‘શાંતિ રાખો… શાંતિ રાખો…’ નું રટણ શરૂ કર્યું.
ત્યાં એકે કહ્યું, ‘હજી અમારે પણ કહેવાનું બાકી છે. તો પહેલાં શાંતિ રાખો… શાંતિ રાખો… શું કરો છો?’
મહેશભાઈએ ઊભા થઈને બહાર જવા કોશિશ કરી, ત્યાં મીનાબહેને ડોળા કાઢ્યા. એટલે એ ફરી બેસી પડ્યા.
મીનાબહેન બોલ્યાં, ‘આ મુદ્દો વિવાદી છે. એને છોડી દો ને આગળ વધો.’
ત્યાં મંત્રી બોલ્યાં, ‘છોડી દો એટલે શું? એમ તો બધા જ સભ્યો બીજો, ત્રીજો, ચોથો… બધા જ મુદ્દા ફગાવી દેશે. તો ગ્રૂપ કેવી રીતે ચાલશે? શું સંસ્થા બંધ કરી દેવાની છે?’
ત્યાં સહમંત્રી બોલી, ‘ચાલો, આજે અમારી કે તમારી કોઈની નહીં. પણ મીનાબહેનના પતિદેવ નક્કી કરે કે કાર્યક્રમમાં શું કરવું. ટેલેન્ટ શો, પછી સિંગિંગ, હાઉસી કે પછી સાહિત્યનો પ્રોગ્રામ કે પછી બીજું કંઈ.’
સૂડી વચ્ચે સોપારી જેવા મહેશભાઈને હવે ધ્રુજારી છૂટવા લાગી. એમણે મીનાબહેન સામે જોયું. મીનાબહેને ડોળા કાઢ્યા. હવે આ ડોળાનો શો અર્થ હશે એ વિચારમાં ઓર ધ્રુજારી વધી ગઈ. ઘરે જઈને આજે ખાવાનું નહીં મળશે એ વાત નક્કી છે. એમ વિચારી કંપારી છૂટી ગઈ. એમને ખબર હતી કે હું કંઈ પણ જવાબ આપીશ તે અડધી મહિલાને નહીં ગમે. અને મીનાને તો એક પણ જવાબ માફક નહીં આવશે.
‘બોલો મહેશભાઈ, અમારે શું કરવું જોઈએ?’ પાછળથી એક ચતુર બહેન બોલ્યાં. ‘મીનાબહેનની બીક લાગે છે. એ નહીં બોલે.’
અને એ સાંભળી બધા ખડખડાટ હસી પડ્યાં. ત્યાં બીજી બોલી.
‘રહેવા દે હવે. તને જોઈને તો તારો હસબન્ડ બદલી નાખે છે. આવી વળી મોટી! બીજાના વરની વાત માંડીને બેઠી છે!’
કંટાળેલા મહેશભાઈ સત્વરે ઊભા થયા અને બોલ્યા, ‘મારું પણ નહીં અને તમારું પણ નહીં. પણ હું જે કહું તે કરવાના હોય તો કંઈક કહું. હું જે કંઈ કહું તે તમારે બધાએ કરવાનું છે. બોલો કરશો? તો કંઈક નવું કરવા આપું છું એ બધાં લખી લો. હું ચાર વિષય આપું છું. જે દિવાળીની રજામાં કોઈ એક વિષય પર તમારે લખવાનું છે અને ટેલેન્ટ શોમાં વાંચવાનું છે. બોલો લખશો?’
બધી જ બહેનો બોલી, ‘હા…’
મહેશભાઈએ લખાવ્યું. ‘પહેલા નિબંધનો વિષય છે – સ્ત્રીઓને જીભ જ ના હોત તો? બીજો વિષય છે- સ્ત્રી વગરની દુનિયા. ત્રીજો વિષય છે – સ્ત્રી અને એની ટેલેન્ટની દિશા. ચોથો વિષય-સ્ત્રીમાં સ્ત્રીત્વનાં ઉત્તમ લક્ષણો. …. દિવાળી બાદ બધા સ્ટેજ ઉપરથી એક નિબંધનું પઠન કરશે. હું હાજર રહીશ અને બે નિર્ણાયક નિર્ણય જાહેર કરશે. કુલ દસ ઇનામ હું મારા તરફથી તમારા પ્રમુખને હસ્તે અપાવીશ, કારણ કે મારા જીવનની પ્રમુખ પણ એ જ તો છે.’
પેલી પાછળ બેઠેલ પાંચે લડતી આખડતી બહેનો બોલી: ‘આજનો નાસ્તો અમારા પાંચ તરફથી…. !’
ભલા કોણ પહોંચે આ બહેનોને!
આપણ વાંચો: વિશેષઃ હવે આવી ગયો છે ટ્રેન્ડી સેફ્ટી પિન નેકલેસ…



