લાફ્ટર આફ્ટરઃ રોબો છૂટા કેમ ફરે છે?

પ્રજ્ઞા વશી
ગંગાબા અમેરિકાના ન્યૂજર્સીમાં દીકરા-વહુ સાથે ફરવા નીકળ્યાં. અમેરિકા જોઈને દંગ થઈ ગયેલાં ગંગાબા દીકરાને જાતજાતના પ્રશ્નો કરતાં જાય. એટલામાં એક હોટલની બહાર ફૂટપાથ ઉપર બે સફેદ ડબ્બા (ખાસ્સા મોટી સાઇઝના) અને એની ઉપર નાની ધજા જોઈને ગંગાબાને ભારે આશ્ચર્ય થયું. પહેલાં એમને થયું કે કદાચ અંદર કોઈ દેવી-દેવતા પણ હોઈ શકે. એટલે એમણે તો હાથ જોડીને પ્રણામ કર્યાં ને દીકરાને કહ્યું, ‘બે-ચાર ડોલર હોય તો પેલી સફેદ દેરી ઉપર માતાજીને ચડાવી આવ.’
ત્યાં તો વહુ મોટેથી હસી પડી ને બોલી, ‘બા, એ ભગવાનની દેરી નથી. એ તો રોબો છે.’
‘એટલે શું?’
‘બા, એ રોબો પણ માણસ જેવાં કામ કરી શકે.’
‘મીના, તારા દીકરાએ રમકડાનો રોબો મને બતાવેલો અને ચાવી આપીને એણે એને ચલાવેલો. જ્યારે આ તો ડબ્બા જેવો ડબ્બો દેખાય છે.’
‘બા, જુઓ. બે ડબ્બામાંનો એક ડબ્બો ધીરે ધીરે ચાલ્યો. હવે એ પાસેની હોટલ પાસે ઊભો રહ્યો. જુઓ છો ને બા?’
‘હા. મને તો મજા પડે છે.’
‘બા, હવે એમાં જે પ્રમાણેનો ઑર્ડર ગ્રાહકે ઑનલાઇન આપ્યો હશે એવાં પીઝા, પાસ્તા વગેરે એમાં મુકાશે અને એ રોબો (ડબ્બો) જે તે ગ્રાહકના ઘરે પહોંચાડી આવશે.’
‘ઓત્તારીની! આ તો આપણે દેશમાં પેલા સ્વીગી ને ઝોમેટોવાળા છોકરા સ્કૂટર ઉપર દોડી દોડીને ખાવાનું પહોંચાડે એવું આ રોબો પણ પહોંચાડે. ખરું ને? ’
પછી થોડું વિચારીને સાસુમા બોલ્યાં:
‘મીના વહુ, એક વાત કહું તને… જો આપણા ભારતમાં આવા ડબ્બા એટલે કે રોબો મૂકવામાં આવે તો કદાચ રોબો હજી મુકાય મુકાય ત્યાં તો એ ત્યાંથી ચોરાઈ જાય. અને એ ડબ્બામાં શું છે, કેવી મશીનરી છે, એ જાણવા જો એ નહીં ખૂલે તો તોડી ફોડીને છલ્લે કંઈ જ કામમાં નહીં આવે તો પસ્તીના ભાવે પતરું વેચી આવે. એમ પણ ભારતના લોકો પરદુ:ખભંજન ખરાને! પારકાંનું પહેલું વિચારે.
જો વહુ, આવા ડબ્બા ત્યાં ખાવાનું ડિલિવર કરવા લાગે તો પેલા સ્વીગી-ઝોમેટોવાળા છોકરા તો બેકાર થઈ જાય ને! આપણે ત્યાં તો અપને હાથ જગન્નાથ. ખરું ને? અરે બાપ રે! મીના, આ ડબ્બા તો કોઈ સાથે અથડાતા પણ નથી. કેટલા શિસ્તબદ્ધ ચાલે છે! સામેથી આવતા માણસોને જોઈને કેવી જગ્યા પણ આપે છે. મીના, એક વાત તો કે’વી પડે કે અમારે ત્યાં તો જાણી જોઈને બીજાને જગ્યા નહીં આપીને, ધક્કો મારીને પણ બધા આગળ નીકળી જાય.
જ્યારે અહીંયા તો તમારા રોબો માં પણ માનવતા ભારોભાર છે. આંખની જગ્યાએ કેમેરાથી કામ લે છે આ રોબો . આપણે ત્યાં તો રસ્તાની બંને બાજુ સુંદરતા વધારવા માટે ફૂલોના કૂંડા મુકાય અને સવારે જુઓ તો ફૂલો તો ફૂલો, પણ સાથે કૂંડા પણ ચોરાઈ જાય! તો પછી આવા રોબો તો હું નથી માનતી કે ત્યાં ચાલે.’
‘પણ બા, ભારતે પણ પહેલ તો કરવી જ પડશે …તમે જ કહેતાં હતાં કે હવે કામવાળી મળતી નથી ને મારાથી કામ થતું નથી. તો તમારો દીકરો કચરા પોતાનું મશીન ઘરમાં મૂકી ગયો તો હવે તમારે સારું છે ને? વાસણ કપડાંનું મશીન પણ ચલાવો છો કે પછી તેને પણ પસ્તીના ભાવે આપી દીધાં?’
‘મીના, એ બધાં સાધન તો ઠીક, પણ આ રોબો વાળું સાધન ઇન્ડિયામાં જરા પણ કામમાં આવશે નહીં.’
‘પણ બા, હવે તો માલિશ કરી આપે, રાંધી આપે, ટાઇમ ટુ ટાઇમ દવા-પાણી આપે. તમને કંટાળો આવતો હોય તો ટાઇમ પાસ થાય એવી વાતચીત, રમતો અને આનંદદાયક વાતાવરણ પણ ઊભું કરી આપે એવા રોબો પણ આવી ગયા છે. અને હવે એમ પણ ટ્રમ્પને ભારત જેવું મોટું માર્કેટ બીજે ક્યાં મળવાનું? એટલે ભારતે દોસ્તી નિભાવવા પણ રોબો લેવા-ખરીદવા તો પડશે જ. બા, તમારો દીકરો તમારી સુખ સુવિધા માટે એક રોબો લઈને તમને મોકલવાનો છે.
આ પણ વાંચો…લાફ્ટર આફ્ટરઃ હવે સ્મરણોનું અજવાળું…
પછી એ રોબો સાથે તમે દોસ્તી કરી નાખજો. એ તમે જે કહેશો તેવાં ગીતો, વાર્તાઓ અને ભજનો સંભળાવશે. પત્તાં પણ રમશે અને ગપ્પાં પણ મારશે. બા, એ પછી તમને ક્યારેય એકલાપણું લાગશે નહીં. અને હા, એ રોબો માં હુરટી ભાષા નખાવેલી છે. તમે ઇન્ડિયા પહોંચશો ત્યારે તમારાં સ્વાગતમાં એ બારણે ઊભેલો જ હશે!.’
ગંગાબા જેવાં હુરટ પહોંચ્યાં ત્યાં તો બારણે રોબો ઊભેલો. એમને જોતાંવેંત જ એણે સ્વાગત કરતાં કહ્યું, (હુરટી ભાષામાં) ‘તે હેં ડોસી, આટલી વેલી આવી ગેય? પૈહા ખરચીને પોયરાઓએ અમેરિકા બોલાવેલી. તે ત્યાં મહિનો હી રેવાયું ની? તે અહીંયા હુરટમાં હું દાટેલું ઉતું? લોચા-ઘારી ખાધા વગરની રેઈ ગેઈલી કે હું? તારા હભલાને લીધે ધોયલાં મોઢા જેવી પાછી આવી! બારણું ખોલ ને જો. હામે ટેબલ પર લોચો, ભજિયાં ને ઘારી મૂકેલી છે. જેટલું દાબવું હોય એટલું દાબી લે.’ (હાશ! રોબો હારો લાગે છે. ખાવાનું તૈયાર મજાનું ને ભાવતું ભોજન. વાહ!)
‘ક્યારની ખા ખા કરે છે. માંદી પડહે તો તારો કોઈ હગો ઇન્ડિયામાં નથી. હમજી? પેટ કઈ પારકું નથી. પાંચ માણહનું દાબીને બેઠી છે તે હાલ હવે આડી પડી જા. પગ દાબવાનો ટાઇમ થઈ ગ્યો છે.’ (હાશ! આવી સેવા તો દીકરો વહુ પણ નહીં કરે. ભલું થજો દીકરાનું કે આવો હારો, હમજુ ને હોશિયાર રોબો મોકલી આપ્યો.)
‘હાલ હવે, આંખ બંધ કર. માલિશ થાય ત્યારે બોલવાનું બંધ. હમજી?’
રોબો તો પગથી મસાજ શરૂ કર્યો. એ વજન વધારતો ગયો. પછી તો એણે વજન વત્તા ઘસવાની સ્પીડ વધારી. ગંગા ડોહી ઓ…મા, ઓ…મા કરતી રહી. પણ રોબો તો વજન પછી મુક્કા મારવાનું શરૂ કરે છે. ધોબીપછાડ માલિશ હવે શરૂ થાય છે. હવે પેટ… હવે છાતી… હવે ગળા ઉપર… અરે! અરે! ગળું ભીંસાય છે, શ્વાસ રુંધાય છે. સ્પીડ ઘટાડી દે… મુક્કા મારવાનું બંધ કર…
એ તો સારું થયું કે ગંગાડોહીની લાતે રોબો ગબડી પડ્યો ને ગંગા બચી ગઈ. નહીંતર રામ બોલો ભાઈ રામ! આખરે ડોહીએ રોબો દર્શનની ટિકિટ રાખીને ટાઇમપાસ કરવાનું ચાલુ કર્યું. ગંગાડોહી જમાનાની ખાધેલ! એણે પોઝિટિવ વિચાર્યું.: ‘હાશ! જાન બચી તો લાખો પાયે, લૌટ કે બુદ્ધુ ઘર કો આયે.’ એણે વિચાર્યું કે રોબો દર્શનના પૈસામાંથી બીજા ચાર માણસને પગારે રાખીશ. એક રાંધવાવાળી, એક માલિશવાળી, એક મારાં વખાણ કરવાવાળી અને એક રોબો દર્શનના ઘરાક શોધી લાવી પૈસા ઉઘરાવવાવાળી.
બોલો, આપણા દેશને રોબોની જરૂર છે ખરી?
આ પણ વાંચો…લાફ્ટર આફ્ટરઃ પુરુષ કેમ મહિલા ગ્રૂપની મીટિંગથી ભાગે છે…?



