લાફ્ટર આફ્ટરઃ પડી પટોળે ભાત | મુંબઈ સમાચાર
લાડકી

લાફ્ટર આફ્ટરઃ પડી પટોળે ભાત

પ્રજ્ઞા વશી

`સાંભળો છો? કામના સમયે તમારા કાનમાં બહેરાશ કેમ આવી જાય છે? પડોશમાંથી નેહાબહેન કે રજનીબહેનનો અવાજ તો તમને દૂરથી પણ સંભળાઈ જાય છે. એક મારે જ તમને બરાડા પાડીને બોલાવવાના અને છતાં પાછળથી ધબ્બો પડે પછી જ તમને મારી વાત સમજમાં આવે છે. અને હા, જમવાનું પીરસ્યું છે એમ હું ખૂબ ધીમે રહીને બોલું તો પણ ભાઈને તરત જ સંભળાઈ જાય છે અને તરત દોડતા આવીને ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ જાય છે.’

આટલા લાંબા ભાષણ પછી પણ વસંતભાઈની વસંત ખીલી નહીં અને સાંભળ્યું ન હોય એમ છાપામાં મોં નાખીને બેસી ગયા. પણ વસંત સાથે રહીને રમાબહેન કળા કરતાં થઈ ગયાં હતાં. એમણે ધીમે રહીને ઝાપટવાનું શરૂ કર્યું અને સાવ ધીમેથી બબડવાનું શરૂ કર્યું.

`સવારના પહોરમાં રજનીથી કોઈના ઘરે આવીને આવી વાત કરવાની હોય? વસંતભાઈ તો કે’વા પડે… થી શરૂ કરીને વસંત… વસંત… વસંત… કરીને માથું ખાઈ ગઈ.’

અને એ સાથે છાપું પડતું મૂકીને વસંતભાઈ બોલ્યા, `હેં…? તે રજનીબહેન આવ્યાં હતાં? ક્યારે? કેટલા વાગ્યે? માં કંઈ કામ હતું?’

અને એ સાથે જ રમાબહેને તરત જ વસંતભાઈને ધબ્બો મારતાં કહ્યું, `વસંત, રજનીબહેનનું નામ પડતાં જ તારા કાન કેવા સરવા થઈ ગયા? અને ક્યારની હું તને વસંત… વસંત… (બરાડા પાડીને) કરીને જોરથી બોલાવતી હતી. છતાં મારી સામે જોતો પણ નહોતો.’

`એ તો બિચારી રજની…(ખાલી રજની જ બોલવું હતું. પણ રમાના ડોળા જોયા પછી) એટલે કે રજનીબહેન બિચારી થોડી સાજી માંદી ચાલે છે. તે જરા કાલે ખબર પૂછી આવેલો.’

અને હા, ખબર પૂછવાને બહાને ઘરની સફાઈ પણ કરી આપેલી. ખં ને?’ ના ના, સાવ એવું નહીં.’
`તો પછી કેવું?’

એ તો સ્ત્રી સન્માનની ભાવના. તો આપણે જરા…’ તે તારી સ્ત્રી સન્માનની ભાવના ઘરની આ રમા નામની કામવાળી પ્રત્યે કેમ પ્રગટ નથી થતી?’

ફરી એક ધબ્બો પ્રસાદ રૂપે આપતાં એને ઘણા દિવસનો ઊભરો કાઢતાં આગળ ચલાવ્યું. `હું માંદી હતી ત્યારે પાસે બેસીને પૂછેલું કે એક કપ ચા મૂકી આપું? ચાલ તને રસોઈમાં અને સફાઈમાં મદદ કં… અને પેલી રજનીડીને વારેવારે મદદ કરવા માર્કેટમાંથી શાક લાવી આપવું, કામવાળી શોધી આપવી, બેન્કમાં કામ કરવાથી લઈ દવા લેવા અને દવા પીવડાવવા સુધીનાં પવિત્ર કામો કરવાની તાકાત અને હોંશ વિશે આખા ગામમાં વાત થાય છે.

કાલે જ પેલી મીનાની સાસુ મળેલી. તે કહેતી હતી કે અલી રમા, તારો વસંત તો રાતે ના ખીલે એટલો દહાડેના ખીલે છે. એને જરા દાબમાં રાખજે. મેં પૂછ્યું કાકી, કેમ આવું બોલો છો? તો કહે કે આ તો મારી આંખે જોયું એટલે કહું છું. બાકી હું કોઈની વાત કાન ઉપર લેતી નથી. તમે કહ્યું કે કાકી, જરા ખૂલીને વિસ્તારથી કહો ને. તો મને સમજાય ને? પછી તો છી.. છી…! એમણે જે કહ્યું એ સાંભળીને તો મને પિયર જતાં રહેવાનું જ મન થઈ આવ્યું.’

પણ શું કહ્યું એ તો કહે.’ એમણે કહ્યું કે તારો વસંત એની લીલોતરી બીજાનાં ઘરમાં પાથરે છે અને તને ખબર સુદ્ધા નથી. રજની, નેહાબહેન અને નાકેની સીમાને તો મફતના ભાવે એક એજ્યુકેટેડ કામવાળો ઘરથી લઈ બેન્ક સુધીનાં કામ કરી આપે છે અને તે પણ મફતમાં! નોકરીમાંથી વી.આર.એસ. શા માટે લીધું એ મને આજે સમજાય છે.’ અને ફરી એક ધબ્બો બાકાયદા રમાએ લગાવી જ દીધો અને સાથે મોટેથી પોક પણ મૂકી કે `મારો તો ભવ બગડી ગયો… હે પ્રભુ! આવી વસંત તેં શા માટે આપી કે જે મારા માટે તો પાનખર જેવી બની ગઈ છે!’

જો બહેન, વાત એમ છે કે…’ એમ સાંત્વન આપતાં વસંત બોલવા જ ગયો કે રમાએ ફરી મોટેથી પોક મૂકી. જોયું? જોયું? હવે મને રમા ઉપરથી સીધી બહેન બનાવી દીધી અને રજનીને, નેહાડીને ડાર્લિંગ બનાવી દીધી. હે પ્રભુ! આવા દિવસ જોવા તેં મને જીવતી રાખી છે?’

આ પણ વાંચો…લાફ્ટર આફ્ટરઃ તાલ સે તાલ મિલાઓ…

`જો બહેન, સોરી રમા… આવો પ્રલાપ વધારે પડતી ટીવી સીરિયલ જોવાથી તારામાં પ્રગટ થયો છે. બાકી તું સમજે છે કે પેલી મીનાની સાસુ કહે છે એવું મારે કોઈ સાથે કશું નથી. મારે તો બધી જ સ્ત્રી મા-બહેન સમાન જ છે.’

`જોયું? જોયું? હૈયે તેવું હોઠે આવી જ ગયું ને? મને પણ તમે તમારી મા-બહેનની ગણતરીમાં મૂકી દીધી. પચાસ વર્ષ પહેલાંની રમા ડાર્લિંગ હવે મા-બહેન બની ગઈ ને પેલી તારી હગલીઓ હવે ડાર્લિંગ! એમ જ ને કે પછી બીજું કંઈ?’

`જો રમા… (ડાર્લિંગ તો ધરાર ન જ બોલાયું) તું કહે તો પેલી કામવાળા પ્રોવાઇડ કરનારી એજન્સીમાં ફોન કરીને સ્વીટ મેરી, મોનિકા, હેલન જેવી કામવાળી બોલાવી આપું. કે જે મેં રજનીજી તેમજ નેહાજીને બોલાવી આપી હતી. એ બિચારી રજનીજીનું તો છે જ કોણ? ને ને હજી તો બિચારી…’

`બસ બસ વસંત, પારકાં બૈરાને જી… જી… લગાવવાનું બંધ કર અને પેલી હેલન, સ્વીટ મેરી ને મોનિકાને શું મારે અહીં ઘરમાં ડાન્સ કરાવવાનો છે? કે પછી તારે એ ડાન્સ જોવો છે? વસંત, કાન ખોલીને સાંભળી લે. આ વર્ષે આખા ઘરની સફાઈ દિવાળી પહેલાં તારે જ પતાવવાની છે. ગૂગલ પે કરીને તારે ઘરમાં ડાન્સ બાર નથી ખોલવાનો કે નથી ઘરની બહાર જવાનું.

ગામ આખામાંથી તારી પ્રવૃત્તિઓનો અહેવાલ મળ્યા બાદ હવે તારી બાનો પણ આવો જ મેસેજ આવ્યો છે કે વસંતને હવે વધારે ખીલવા દેતી નહીં. નહીંતર ભર વસંતે તારે પાનખર બેસી જશે. રજનીને રોશની આપવા અને નેહાને સ્નેહ વહેંચવા જો ઘરની બહાર ગયો તો તારી વાત છે!’

અને ત્યાં જ રજની બહારથી બૂમ પાડતી આવી.:
વસંતજી, આજે જરા મારી સાથે માર્કેટ આવવું પડશે. તમારા જેવું બાર્ગેનિંગ મને આવડતું નથી અને ગૂગલ પે કરતાં પણ ક્યાં આવડે છે? પ્લીઝ વસંતજી… બરાબર એક કલાક પછી તૈયાર રહેજો. તમારી મોટી કાર જ લઈ લેજો. હોં…’ રજની, કાર સીધી નર્ક સુધી જ હાંકી લેશે તો તને ચાલશે ને?’ એમ મોટેથી પૂરા ગુસ્સામાં બોલીને વસંતની વસંત ખીલે તે પહેલાં જોરથી ઘરનું બારણું બંધ કરી દીધું.
`વસંત, ઘરની સફાઈ સાથે હવે મારે તારી પણ સફાઈ કરવી જ પડશે.’

પણ વસંત કંઈ ખીલ્યા વિના બાકી રહે? વસંતે મોબાઇલના વ્હોટ્સ એપ ઉપર વસંત ખીલવી જ દીધી… રમા રમવામાં કાચી પડી. `પડી પટોળે ભાત, ફાટે પણ ફીટે નહીં.’ ખં ને!

આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : પ્રેસિડેન્ટને ‘ભાવભર્યો ભારે’ પત્ર

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button