લાફ્ટર આફ્ટરઃ માસ્ટર ઑફ ઑલ, પણ…

પ્રજ્ઞા વશી
‘જે કશામાં નથી હોતા એ જ માસ્ટર ઑફ ઑલ હોય છે.’ આ વિધાન જરા પણ ખોટું નથી. અમારા ઍપાર્ટમેન્ટમાં કુલ બે માસ્ટર ઑફ ઑલ છે. જે હંમેશાં કોઈપણ પ્રશ્ન હલ કરવાના સમયે હાજરાહજૂર થઈ જાય છે. હવે તો કેટલીક સંસ્થાઓમાં પણ એકાદ બે આવા માસ્ટર ઑફ ઑલ હાજરાહજૂર હોય છે કે જે ના હોય, તો સંસ્થામાં બધાનાં મોં બેસણામાં બેઠાં હોય એવાં લટકી પડ્યાં હોય.
ચાર ચોપડી નાપાસ એવા ચંપકકાકા અમારાં ઍપાર્ટમેન્ટમાં માસ્ટર ઑફ ઑલની માનદ્ ઉપાધિ ધરાવે છે અને આ ઉપાધિને ઉજ્જવળ કરવા ચંપકકાકા કોઈ ગમે તેટલા મેણાં ટોણાં મારે તો પણ સ્થિતપ્રજ્ઞ રહીને પોતાની સલાહ આપવાની તેમજ આગળ પડીને પોતાની કાર્યદક્ષતા પુરવાર કરવાની એક પણ તક ચૂકતા નથી. એકવાર અમારાં ઘરની મીઠા પાણીની પાઇપ ફાટી ગઈ.
પ્રશ્ન અમારો હતો અને અમે એ શાંતિથી પાર પાડવાના હતાં. પણ કામવાળી-જેનું નામ ચંપા. એણે એની ચંપાગીરી કરી અને ચંપકકાકાને બોલાવી લાવી પોતાની વફાદારી પુરવાર કરતાં બોલી, ‘મીઠાં પાણી વિના કાંઈ લાંબું થોડું ચાલવાનું? કપડાં, વાસણ, કચરા, પોતાં ખારાં પાણીમાં કરવાથી એકે કામમાં ભલીવાર રહેતો નથી. એટલે મારે ચંપકકાકાને બોલાવવા પડ્યા.’
ધરાર ના પાડવા છતાં ચંપકકાકાએ પાણીની પાઇપની એવી કાપાકાપી કરી કે મીઠાં પાણીની સાથે સાથે ખારા પાણીની પણ બધી પાઇપમાં આવતા પાણી બંધ થઈ ગયાં. અમારાં ઘરની સાથે સાથે ઍપાર્ટમેન્ટમાં પણ બધાનાં પાણી બંધ થઈ ગયાં. એ તો જ્યારે બધા ફ્લેટની બહેનોએ દોડતી આવીને ફરિયાદ શરૂ કરી, ત્યારે ચંપકકાકાને બહેનોના ભરોસે છોડતાં અમે કહ્યું કે ‘આ કૃત્ય આપણા માસ્ટર ઑફ ઑલનું છે. અમારું નહીં.’
કોઈ એક માણસ કોઈ એક સ્કીલમાં માસ્ટરી પ્રાપ્ત કરે એ જ બહેતર. પણ અહીં તો હવે બધા જ કામમાં નિપુણતા પ્રાપ્ત કરવાની હોડ જો લાગી છે. જે પાઇપ સો રૂપિયામાં રિપેર થવાનો હતો એ કામ અમને હજાર રૂપિયામાં પડ્યું અને બે દિવસ આખું ઍપાર્ટમેન્ટ પાણી વગર રહ્યું.
એક દુર્વાસા સમાન આચાર્ય પોતાને ‘માસ્ટર ઑફ ઑલ’ સમજે પણ અને મનાવડાવે પણ. શિક્ષકોને મીટિંગમાં વારંવાર એક જ વાત ગાંઠે બંધાવે કે ‘મને જુઓ, હું એક સાથે હજાર કામ ચપટીમાં કરી નાખું છું. ક્લાર્ક નહીં આવે તો એકાઉન્ટ પણ સંભાળું અને મીટિંગ પણ કરું. વર્ગોની વિઝિટ લેવા પણ જાઉં. વાલી-વિદ્યાર્થીની વાતો સાંભળું અને એમના પ્રશ્નોનું નિરાકરણ પણ કરું. જ્યારે તમે એક વર્ગમાં છોકરા સાચવો છો એમાં હાંફી જાઓ છો?’
યોગાનુયોગ એક દિવસે એકી સાથે સાત શિક્ષકો રજા ઉપર. એટલે સાહેબે બૂમ બરાડા શરૂ કર્યા. અમે ધીમે રહીને સાહેબને યાદ કરાવ્યું, ‘સર, આપ તો માસ્ટર ઑફ ઑલ છો. તમે એક કામ કરો. આજે તમે પણ થોડા તાસમાં બાળકોને તમારાં ઉત્કૃષ્ટ જ્ઞાનનો લાભ આપો ને. અને હા, તમે તો શક્તિશાળી છો. તો એક કામ કરો. પ્રવચનના મોટા ઓરડામાં ત્રણ વર્ગનાં બાળકોને સાથે બેસાડીને જ ભણાવો. જેથી વધારેમાં વધારે બાળકોને તમારાં ઉત્તમ જ્ઞાનનો લાભ મળે અને વાલી- વિદ્યાર્થી બંને ખુશ થશે એ નફામાં!’
સર તો હોંશે હોંશે પોતાનાં જ્ઞાનનો લાભ આપવા કૃષ્ણની જેમ બાળકોના સારથિ બની રાતોરાત બાળકોને અલભ્ય જ્ઞાન આપીને દરેકને પ્રગાઢ જ્ઞાની બનાવી દેવા ‘ત્રણ આઠમાના વર્ગો ભેગા કરીને તેમને ત્રણ તાસ સળંગ જ્ઞાન આપશે.’ એવી જાહેરાત કરીને ડસ્ટર અને ચોક લઈને (પહેલી જ વાર) યોદ્ધાની જેમ રણે ચઢ્યા. પણ બોલવાનું શરૂ કર્યા બાદ તેમણે એમની વિદ્વતા પુરવાર કરવા માટે અતિ ઉત્તમ જ્ઞાન પીરસી દેવાની લ્હાયમાં ભદ્રંભદ્રની ભાષામાં, સંસ્કૃત પ્રચુર શબ્દોમાં વિષય બહારનું પ્રકાંડ જ્ઞાન રેલાવવાનું શરૂ કર્યું.
‘ઉત્તમ કામથી જ માનવી હંમેશાં મહામાનવ તરફ ગતિ કરી શકે છે. કર્મ એટલે શું એ હું તમને ડિટેલમાં સમજાવીશ. પણ હા, કોઈને કંઈ પ્રશ્ન હોય તો વારાફરતી અવશ્ય પૂછી શકો છો. દરેક પ્રશ્નોના મારી પાસે ઉત્તમ જવાબો તૈયાર હોય છે.’
રાજ ઊભો થતાં બોલ્યો, ‘સર, આજે ત્રણ વર્ગોને ભેગા કરીને કેમ ભણાવો છો?’
પાછળથી એક ટપુડો મોં છુપાવી બોલ્યો, ‘બધા સરથી કંટાળીને પિકનિક પર ગયા છે. એટલે બીજા ટીચરોનું જ્ઞાન આજે બધાને ભેગા કરીને આપી દેવાના લાગે છે.’
‘એ કોણ પાછળથી બોલ્યું? જે હોય તે ઊભો થાય. અને રાજુ, આ તે તારો કંઈ પ્રશ્ન છે? સાવ નકામો!’
ત્યાં તો ફરી પાછળથી એકે કહ્યું, ‘હવે પ્રશ્ન એટલે શું, એ કેવો હોવો જોઈએ એના ઉપર ભાષણ શરૂ! સમજ્યાં બધાં?’
અને એ સાથે જ આખા પ્રવચન હોલમાં હસાહસ શરૂ થઈ અને કેટલાકે તો કાગળના તીરની ફેંકાફેંક શરૂ કરી. કેટલાકે સૂત્રો પોકાર્યા. ‘ગુડ ક્વેશ્ચનન સર… ગુડ ક્વેશ્ચન… રાજુ, તુમ આગે બઢો…’
‘સ્ટોપ… સ્ટોપ… નો નોઇઝ… સોરી. હું ભૂલી ગયો હતો કે તમે બધા અંગ્રેજી માધ્યમના સ્ટુડન્ટ છો. એટલે સંસ્કૃતમય ભાષા સમજમાં ન આવે. હવે લ્યો, હું અંગ્રેજી મિશ્રિત ગુજરાતીમાં ભણાવીશ.’ ત્યાં નામચીન ટપોરી બોલ્યો, ‘પહેલાં માતૃભાષા તો શીખો. પછી સર અંગ્રેજી ફાડો.’
ડસ્ટર ટેબલ પર ઠોક્યું. પણ સાંભળે કોણ? દુર્વાસાનો ગુસ્સો એવો ઉછળ્યો કે ડસ્ટર સીધું પેલા ટપોરી પર ફેંક્યું અને નામચીન ટપોરી દુર્વાસાના હાથનો માર ખાઈ ચૂક્યો હોવાથી ડસ્ટર વાગે એ પહેલાં નીચો નમી ગયો અને ડસ્ટર સીધું પ્રથમ નંબર લાવતા સાવ દુબળા પાતળા એવા સાહિલને વાગ્યું અને વાગ્યું તો એવું કે સીધી લોહીની ધારા કપાળથી દદડવા લાગી અને બૂમ પડી, ‘મારી આંખ તો ગઈ…!’
હોલમાં દોડાદોડી થઈ ગઈ. એક બહાદુરે સીધો સાહિલની મમ્મીને ફોન કરી દીધો. ‘આન્ટી, સાહિલની આંખ તો ફાટી જ ગઈ સમજો. પ્રિન્સિપાલ સાહેબે સીધું ડસ્ટર માર્યું. બોલો!’
અને સાહિલનું આખું ફળિયું સાજનમાજન બનીને સ્કૂલમાં… આગ પણ જલદી ઠંડું પાણી છાંટીને કાબૂમાં લેવાય. પણ આ આગ તો કેવી? (આપણે ક્યાં અજાણ છીએ?)
મામલો થાળે પડતાં માસ્ટર ઑફ ઑલ જેવા આચાર્યની જગ્યાએ પ્રાઇવેટ સ્કૂલના નવા આચાર્ય આવી ગયા. બસ, એમને માસ્ટર ઑફ ઑલ ન બનવાની સલાહ સાથે બેસ્ટ લક કહીએ. કારણ કે એણે દેશની નવી પેઢી તૈયાર કરવાની છે.
જરા બચકે… જરા હટકે… જરા ધીમે…!
આ પણ વાંચો…લાફ્ટર આફ્ટરઃ રોબો છૂટા કેમ ફરે છે?



