લાફ્ટર આફ્ટર : કવિતા પણ કેવી કેવી રચાશે?!

-પ્રજ્ઞા વશી
સ્ત્રી હોય કે પુરુષ, વાળ ખરવા લાગે એટલે દરેકને ધ્રુજારી આવવા લાગે છે. કવિઓ અને લેખકોએ કેશકલાપ ઉપર ગદ્ય- પદ્ય ઉભયના તમામ પ્રકારમાં ભરપૂર લખ્યું છે. ધ્યાનાકર્ષક લખાણો વાંચી વાંચીને કંઈ કેટલાય રોમેન્ટિક વ્યક્તિઓ પોતાના કેશને આંગળી વડે રમાડતાં રમાડતાં સપનામાં સરી પડે છે. ઘણા તો પોતાના જ કેશકલાપમાં રમમાણ બની જાય છે તો કેટલાક કમભાગી પોતાની અર્ધગોળાકાર, ચકચકતી ટાલ ઉપર થોડા ઘણા બચેલા કેશને ટાલ ઉપર પાથરીને કોઈ પણ રીતે એને છાપરા ઉપર વ્યવસ્થિત ટકાવી રાખવા માટે જાતજાતના સ્પ્રે છાંટવામાં લાગી જાય છે.
કેટલાક પોતાનો ભૂતકાળ યાદ કરતાં કરતાં નિ:સાસા નાખે છે કે કાશ…! યુવાનીના એ દિવસો લાંબા ટક્યા હોત તો કેવી મજા આવત! યુવાનીમાં વાળના જથ્થાને આંખ ઉપર લાવીને, જ્યારે કોઈ સુંદર યુવતી પસાર થતી હોય ત્યારે ખાસ ફૂંક મારીને કે પછી વાળમાં આંગળીઓ ફેરવીને પોતાના કેશ વૈભવની છટાઓનું પ્રદર્શન કરવાની સુવર્ણ તક બધા જ યુવાનો લઈ લેતા.
યુવતીઓનો મહામૂલો ખજાનો એટલે લાંબા કાળા વાળનો ઘેઘૂર જથ્થો! ચહેરાની બંને બાજુ ઊડતી લટ ઉપર આશિક થનારા ઘણા યુવાનોએ લટ ઉપર કવિતાઓ લખીને પોતાની પ્રેમિકાને મોકલી હોય અને એ પ્રેમભરી ચિઠ્ઠી પ્રેમિકાના મુછાળા બાપુ પાસે ભૂલમાં પહોંચી જતાં, ગામ આખામાં થતા હોબાળા અને યુવકની ધોલાઈના કિસ્સાઓ પણ સાહિત્યનાં પાને અંકિત છે. તો તળાવને કિનારે સ્નાન કરતી, પાણી ભરતી કે કપડાં ધોતી યુવતીઓના કાળા ભમ્મર કેશ ક્યાં તો પાણીમાં નીતરતાં હોય, ક્યાં તો ઊડતાં હોય. ક્યાં કોઈ નિર્જન તટે પ્રેમી, પ્રેમિકાની લટ ઉપર કે વાળમાં હાથ પસવારતો હોય એવાં વર્ણનોથી પણ સાહિત્યનાં પાનાં તરબતર થયાં છે, પણ ફિલ્મો કે સાહિત્યમાં, કે ચારણો અને કવિઓનાં વર્ણનોમાં વહીને કોઈ યુવકે યુવતીના વાળ ઉપર ચેનચાળા કરતી વેળા આસપાસ કોણ કોણ ઊભું છે એનું ધ્યાન ન રાખ્યું હોય તો હાડકાં ખોખરાં થયા બાદ બિચારાએ ‘યે દુનિયા, યે મહેફિલ, મેરે કામ કી નહીં… મેરે કામ કી નહીં…’ જેવાં દર્દીલાં ગીતો ગાવાનો વારો આવે છે.
આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : હાથે કરેલાં…યુ નો, કયાં વાગ્યાં…!
આજના યુગમાં તો (ઝેરી કેમિકલ ખાતાં પીતાં) લાંબા કેશ હવે જૂની ફિલ્મો કે જૂનાં સાહિત્યમાં જ જોવા રહ્યા. હવે તો વાળને કેમ બચાવવા એની ઝુંબેશ અંતર્ગત મોબાઇલ ઉપર ‘વાળ બચાવો’ અભિયાન ચાલી રહ્યું છે. રાતે ઊંઘ ન આવતી હોય તો મોબાઇલમાં ખાલી ‘વાળ કઈ રીતે લાંબા કરવા…’ એટલું લખો. પછી જુઓ, વાળ ટકાવી રાખવાની રેમેડીનાં એટલા બધા વીડિયો આવવાના શરૂ થશે કે ના પૂછો વાત! વાળમાં કયું તેલ નાખવું, તેલ કેવી રીતે બનાવવું, શેમ્પૂ કઈ રીતે બનાવશો, સીરમ, લેપ કેવી રીતે બનાવશો અને એ લગાવ્યા પછી પગની પાની સુધી પહોંચી ગયેલા વાળવાળી યુવતીઓના અભિપ્રાયો વાંચી વાંચીને મળસ્કેના ચાર વાગી જાય. પછી બેટરી (મોબાઇલ તેમજ ટાલિયાઓની) પૂરી થઈ જાય એટલે એ માંડ આંખો બંધ કરી ઊંઘવા કોશિશ કરે અને સ્વપ્નો આવવાનાં શરૂ થઈ જાય. જાણે પોતાના વાળ એટલા બધા લાંબા થઈ ગયા છે કે રોજે રોજ ઘાસ વાઢે એમ વાળ વાઢવા પડે છે! અને આ વાળનો ગ્રોથ જોઈને આશિકોની અને સલાહ લેવા આવનારાંઓની લાઇન લાગી ગઈ છે.
કેટલાક તો આ રેમેડીઓની વણઝારમાંથી પસાર થયા બાદ એલોવેરા, અળસી, મેથી, કલોંજી, લાલ કાંદા (વચમાં કાંદાના ભાવ એથી જ તો વધી ગયેલા. અને લોકોએ બિચારી સરકારને…!) ભેગાં કરી હજી ક્રશ કરવા જાય, ત્યાં બીજી નવી રેમેડી પર ધ્યાન જાય. ‘તમે બધું જ નાખો. પણ જો તમે આટલું એમાં ન નાખ્યું, તો તમને રિઝલ્ટ ઝીરો જ મળશે.’ (ફરજિયાત એ બહેનની રેમેડી જોવા બેઠાં.) એમાં ઉમેરવાની બાકી રહેલી સામગ્રી હતી લીમડી ને રોઝમેરી… ત્યાં ત્રીજી રેમેડી ઇન્સ્ટા ઉપર બરાડા પાડીને બોલાવતી હતી.
રવિવારની રજા આ બધી સામગ્રી ભેગી કરી, વાટવામાં પસાર થઈ…
રમીલાબહેન અને સૌરભભાઈ બંનેએ આ પ્રયોગ તો કર્યા, પણ રમીલાબહેનના તો હતા તે પણ ઊતરી ગયા અને સૌરભભાઈના વાળ એટલા વધ્યા કે એ ચોટલી વાળતાં અને લટને રમાડતાં થઈ ગયા. સૌરભભાઈને હવે રમીલાબહેન એકલા કશે જ જવા દેતાં નથી.
ઘરમાં બેઠેલાં દાદી ચોટલી વાળીને કે ઝૂલ્ફાં ઉછાળતાં યુવાનોને જોઈને પૂછે છે, ‘અલ્યા, ગામમાં હજામ નથી કે શું?’ જ્યારે જેનાં લાંબા વાળ હતા એ યુવતીઓ, ‘એ લાંબા વાળને સાચવવાની ઝંઝટ કોણ કરે? ટૂંકા વાળ હોય તો કાંસકો માર્યો, ન માર્યો કે ચાલ્યાં!’
હવે આવી માનસિકતા ધરાવતાં યુવક- યુવતીઓના વાળ ઉપર કવિતા કરવી તો કેવી કરવી? અને નિબંધ લખવો તો કેવો? ગમે તે લખો. એમાંથી તમને ગંધ- દુર્ગંધ તો કેમિકલની જ આવવાની ને?!
આ પણ વાંચો…લાફ્ટર આફ્ટર : અબે, આન્ટી કિસકો કહતે હો…?!