ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : આસપાસ કઈ રીતે વિસ્તરે છે આવું જૂઠ્ઠાણાનું જાળું…

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : આસપાસ કઈ રીતે વિસ્તરે છે આવું જૂઠ્ઠાણાનું જાળું…

શ્વેતા જોષી-અંતાણી

મેઘા બરાબર સોળ વર્ષને ચાર મહિનાની હતી જ્યારે પહેલીવાર એને અહેસાસ થયો કે એની જિંદગી જૂઠ્ઠાણાથી છલકાય ઊઠી છે. આમ કોઈ મોટી નૌટંકી કે ડ્રામા માફક નહી, પરંતુ નાનાં-નાનાં જૂઠ્ઠાણાં, એક પર એક રાખેલી ઈંટો માફક ચણાતાં ગયાં છે.

ક્યારેક કોઈ ખોટું બહાનું, ખોટી વાર્તા, ખોટા વાયદા, ખોટા હાસ્ય અને આંસુ. અમુક નજીવા અસત્ય કે જેનાથી કોઈને મોટો ફર્ક પડે નહીં. જોકે એની જાતને પણ નહોતો પડતો, હમણાં સુધી તો.

મેઘા સ્કૂલમાં થોડી પોપ્યુલર ખરી. સ્પોર્ટ્સમાં આગળ પડતી, પબ્લિક સ્પીકિંગમાં એનો જોટો ના જડે એવી, દેખાવમાં તો એકદમ આકર્ષક. સ્વભાવ એવો કે સહુની સાથે મેચ થઈ જાય. ટૂંકમાં એ એક એવી છોકરી હતી, જે દરેકને પસંદ આવી જાય, પણ આ સહુના વ્હાલા થવાની લ્હાયમાં એ ખોટું બોલવાના રવાડે ક્યારે ચડી ગઈ એનો ખ્યાલ રહ્યો નહીં. એવું અસત્ય કે જેનાથી અન્યોને તલભાર પણ નુકસાન નહોતું, પરંતુ મેઘાના વ્યક્તિત્વને બનતાં પહેલાં જ પીંખી નાખવા સક્ષમ હતું.

એ દરેક વસ્તુ સમજી-વિચારીને કરતી. શું પહેરવું, શું બોલવું, કોની સાથે બોલવું, કોની મિત્રતા રાખવી. આ બધું એના મનમાં એક જ સવાલ પર આવીને અટકતું : લોકો શું વિચારશે? લોકોને હું ગમીશ તો ખરાંને? એ મારું સારું-સારું તો બોલશેને?

આમ સતત વ્હાલા રહેવા એ સામેવાળાને ગમે એવું કરવા પ્રયત્નશીલ રહેતી અને જાતે છેતરાતી જતી.

આ માનસિકતાની શરૂઆત નાના-નાના બદલાવોથી થયેલી. લિપસ્ટિક લગાવવાનું પસંદ નથી, પણ પછી ફ્રેન્ડસને નહિં ગમે… હંમેશાં એવા ડ્રેસ પહેરવા જે ફેશનમાં હોય. ભલે ને પછી પોતે એમાં અસહજતા અનુભવે. ક્લાસમાં આવતા કોઈ છોકરા પર સાચો-ખોટો ક્રશ પણ કરી લીધો, કારણ કે, એની ફ્રેન્ડ્સ પોતપોતાના ક્રશ વિષે વાતો કરે ત્યારે એની પાસે પણ કંઈક હોવું તો જોઈએ ને ડંફાસ મારવા…. વખત જતાં એના જીવનમાં આવા બિનઉપદ્રવી જૂઠ્ઠાણાંની લાઈન લાગી. મેઘા જાતને ક્યારેક પૂછી ઉઠતી, ‘શું ખરેખર મારે બીજાને સારું લગાડવાં ખોટું બોલવું જરૂરી છે?’ અને જવાબ મળતો : ‘ના’ ….તેમ છતાં એ જૂઠ્ઠાણું ચલાવ્યે જતી.

આમ તો એ જે કંઈપણ કરી રહેલી એમાં એને લગાવ અનુભવાતો નહીં, પરંતુ જાહેરમાં સત્ય બોલવું એને ખૂબ ખતરનાક લાગતું. સાચી લાગણીઓ વ્યક્ત કરી દેવામાં એને ડર લાગતો કશુંક ગુમાવી દેવાનો. એ જે છોકરીઓ સાથે હરતી-ફરતી, એમની સાથે જોરથી હસતી, નાની નાની વાતોમાં ઈન્સ્ટા સ્ટોરી મૂકતી ને સ્નેપચેટ સ્ટ્રીક તો અવિરત ચાલતી રહેતી. બસ, આવી દુનિયાનો ભાગ બનવાં એણે જુઠ્ઠાણા સાથે જગ્યા બનાવવી પડતી. જો એ પોતાના મનમાં ચાલી રહેલા વિચારો વ્યક્ત કરે તો એને નહોતું લાગતું કે કોઈ એને અપનાવશે -સ્વીકારશે. એ ઉપરથી હસતી અને અંદરથી થાકતી રહેતી.

પછી એક દિવસ એવો ઉગ્યો જ્યારે બધું જ બદલાઈ ગયું. સ્કૂલમાં રિસેસ પડી હતી. હંમેશાં બારી પાસેના ટેબલ પર મેઘા બેસતી. એની ખાસ ફ્રેન્ડ જેનીશા એને એક વીડિયો બતાવવા આવી. કોઈ અજાણી સ્કૂલ ગર્લ ‘ઈન્સ્ટાગ્રામ’ પર પોતાની સાચી ઓળખ સાથે પોતે જેવી છે એવી કઈ રીતે મિત્રો અને સગા-સંબંધીઓ સમક્ષ રજૂ થઈ એના વિશે વાત કરતી હતી :

‘તમે જેવા છો એવા પરફેક્ટ છો. શા માટે બીજાને ગમવા માટે ખોટા મ્હોરા ચડાવી ફરવું. સો બી એઝ યુ આર. એન્ડ સી ધ મેજીક ઓફ બીઈંગ યોરસેલ્ફ વિધાઉટ એની લાઈ…’ પેલી છોકરીની એ રીલ ખત્મ થાય ત્યાં જેનીશાએ મોઢું ચડાવતા કહ્યું, ‘આવું બધું આ લોકોનું ધ્યાન ખેંચવા માટે કરે છે. આમાં શું મોટી વાત છે. એવો તો કયો મોટો એવરેસ્ટ ચડી લીધો. તું બહેનજી જેવી છો તો એવી થઈને બહાર આવી. એમાં શું?’

આવું સાંભળી બધા હસવા લાગ્યા. મેઘા પણ હસી. જોકે એની અંદર કંઈક તૂટી ગયું. કાંઈક એવું કે જે એ હંમેશાંથી છુપાવતી આવી છે. એ વીડિયોમાં રહેલી છોકરી થોડી ગભરાતી ચોક્કસ હતી, પણ એની વાતોમાંથી સત્ય છલકાતું હતું. એણે જે પણ કંઈ કહ્યું હતું એ વાત વર્ષોથી મેઘા ખુદ પોતાની અંદર છુપાવી રહી છે.

એ રાત્રે એણે અરીસામાં જાતને જોઈ. લાંબા સમય સુધી એ તાકતી રહી. ચહેરો તો એને જાણીતો લાગ્યો, પણ આંખ ખૂબ અજાણી. ધીરેથી એ બોલી, ‘હું કદાચ એવી જ છું. એ અજાણી છોકરી જેવી. પણ સામે છેડે અરીસો ચુપ રહ્યો. કદાચ એ પણ ખોટું બોલતાં શીખી ગયેલો કે શું?

એ પછી બધું જ બદલવા લાગ્યું. મેઘા ચૂપ થઈ ગઈ. દોસ્તોની સાથે પોતાની મરજી વિરુદ્ધ કશું જ ના કરતી.

એ એવું કરવા લાગી જેમાં પોતે સહજતા મહેસૂસ કરતી હોય, જેમકે બેસીને વાતો કરવી. ગમતી પ્રવૃતિઓ કરવી. મેઘામાં આવેલો બદલાવ આસપાસના મિત્રોએ તરત નોટિસ કરી લીધો. થોડાક મિત્રો એની જાતે જ દૂર થઈ ગયા. હવે એને ખાસ કોઈ બોલાવતું નહીં, પણ મેઘાને એકલતામાં પોતાની જાત ફરીથી જડી આવી.

અંતે મેઘાએ સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ મૂકી. વર્ષોથી દબાવેલો ડર, શરમ અને જુઠ્ઠાણાને ફગાવી એણે પોતાના નામ સાથે બધું જ સાચું લખ્યું. કઈ રીતે બીજાની નજરમાં ઉપર ઊઠવા એણે જાતને નીચી પાડી દીધેલી. સતત ખોટું બોલી એ કેવી થાકી ગયેલી… એ બધું જ લખી નાખ્યું. આ ખોટું એવું હતું કે જો હજુ વધારે સમય એની સાથે રહ્યું હોત તો એનું વ્યક્તિત્વ જ તદ્દન ખોટા પાયા પર રચાય જાત, પરંતુ મેઘા સમયસર એમાંથી બહાર નીકળી ગઈ અને જુઠાણાં નામના રાક્ષસને જીવનમાંથી તગેડવામાં સફળ રહી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button