લાડકી

ફેશન: હોટ કેક – ફરશી સલવાર!

-ખુશ્બુ મુલાણી ઠક્કર

હાલમાં ખૂબ જ ચર્ચાયેલો ફરશી સલવાર શું છે? ફરશી સલવાર એ ખૂબ જ જૂનો અને લોકપ્રિય સલવાર છે. એમ કહી શકાય કે મોગલોના ટાઈમ પર પહેરાતો રોયલ સલવાર એટલે ફરશી સલવાર. ફરશી સલવાર ખૂબ જ લાંબો હોય છે. લાંબો એટલે કે જમીનને ટચ થાય તેટલી લંબાઈ હોય છે. એટલે કે જે સલવાર ફર્શ સુધી હોય તેને ફરશી સલવાર કહેવાય. ફરશી સલવાર લુઝ હોય છે. સલવારનો પાયસો ખાસ્સો પહોળો હોય છે. સલવાર કમીઝની રેન્જમાં હોવા છતાં બધાને આ પેટર્ન સૂટ નથી થતી. આ સ્ટાઇલ પહેરવા માટે એક ચોક્કસ પર્સનાલિટીની જરૂર હોય છે. ચાલો જાણીએ કોણ આ સ્ટાઇલ પહેરી શકે અને કઈ રીતે પહેરી શકાય.

આ પણ વાંચો:મેલ મેટર્સ : આપણા જ સ્વાસ્થ્યને લઈને ગંભીર ક્યારે થશું?

કેઝ્યુઅલ – કેઝ્યુઅલ લુક માટે વાઈટ કલરના ફરશી સલવાર સાથે લખનવી વર્કની કુર્તી પહેરી શકાય. ફરશી સલવાર એ ઓવર ઓલ લુઝ સલવાર છે. તેથી ટોપનું ફિટિંગ પણ લુઝ હશે તો વધારે સારું લાગશે. ફરશી સલવારનો પાયસો ખૂબ જ પહોળો હોય છે તેથી ખાસ કરીને ઓવર ઓલ લુઝ કુર્તો પહેરશો તો જ લુક બેલેંસ લાગશે. જો તમે લાંબા-પાતળા હશો તો જ આ લુક તમારી પર નીખરીને આવશે.

જો તમે પ્લેન ફરશી સલવાર સાથે પ્લેન કુર્તો પહેરવા માંગતા હોવ તો, ખાસ કરીને દુપટ્ટો પ્રિન્ટેડ પહેરવો. કેઝયુઅલ લુક માટે પ્લેન ફરશી સલવાર સાથે કાશ્મીરી વર્ક, લખનવી કુર્તી કે પછી ઓલ ઓવર વર્કવાળી કુર્તી પહેરી શકાય. કુર્તીની લેન્થ ગોંથણ સુધી હોવી જોઈએ અથવા તો ગોંઠણથી ઉપર હોવી જોઈએ. દુપટ્ટો પહેરવો કે નહિ તે તમારી પર્સનલ ચોઈસ છે. જો તમારું શરીર સુડોળ હોય તો, ફરશી સલવાર સાથે કોટનના હિપ લેન્થના ટોપ્સ પહેરી શકાય. સલવાર લેન્થમાં લાંબો અને લુઝ હોવાથી ટિપિકલ સલવારનો લુક નથી આવતો, પરંતુ લુઝ પેન્ટનો લુક આવે છે.

સમર વેર માટે એક બેસ્ટ ઑપ્શન છે. કોટન પ્રિન્ટેડ ફેબ્રિકમાંથી પણ આ પેટર્નના ડ્રેસ બનાવી શકાય. ફરશી સલવાર માટે કોટન ફેબ્રિક થોડું જાડું લેવું જેથી કરી સલવારનો લુક સારો આવે. જેમ કે, ઇક્ત ફેબ્રિકનો ફરશી સલવાર અને તેની સાથે કોઈ પણ કૉન્ટ્રાસ્ટ કલરનું ટોપ અને ઓવર ઓલ લુક બેલેન્સ કરવા માટે સ્ટ્રોલ પહેરવો.

ફોર્મલ લુક – ફોર્મલ લુક માટે ફરશી સલવાર સિલ્ક ફેબ્રિકમાંથી બનાવવામાં આવે છે અને આ ફરશી સલવાર સાથે ફોર્મલ લુક માટે પહેરાતી કુર્તી કલાઇન્ટને ધ્યાનમાં રાખી ખાસ ડિઝાઇન કરવામાં આવે છે. જેમ કે, કોઈ સોલિડ કલરનું પ્લેન સિલ્કનું ફેબ્રિક લેવું, જેમ કે, મરૂન કલરનો ફરશી સલવાર અને તેની સાથે પ્લેન કુર્તો કે જેમાં પેટર્ન ખૂબ જ સિમ્પલ હોય છે. જેટલો સિમ્પલ ડ્રેસ તેટલી જ એલિગન્સી આવશે.

કુર્તામાં તમને મનપસંદ ગોલ્ડ અથવા કોપર કલરની લેસ નાખવી. કે જે ખાસ કરીને નેક્લાઈનમાં હોય અને કુર્તા પટ્ટીમાં સાઈડ પર પણ લેસ હોય જેથી ફ્રન્ટ પોર્શન ખૂબ જ હેવી લાગે. સ્લીવ્ઝની પેટર્ન બેલ રાખવી અને સ્લીવ્ઝની હેમલાઈનમાં 4 ઈંચથી 6 ઈંચનો લેસનો પટ્ટો નાખવો. કુર્તાની હેમલાઇનમાં પણ તમે થોડો ફેરફાર કરાવી શકો જેમકે, કુર્તાની લેન્થ આગળથી શોર્ટ અને પાછળથી થોડી લાંબી. એ સિમેટ્રિક હેમલાઇન પણ આપી શકાય. આ ડ્રેસ સાથે ખાસ કરીને હિલવાળા ચપ્પ્લ જ પહેરવાં જેથી કરી ગ્રેસફૂલ લુક આવે.

આ પણ વાંચો:ડિયર હની : એ કોળિયો કાળજે લાગે …

જો તમારે કુર્તો પ્લેન રાખવો હોય તો માત્ર સ્લીવ્ઝની હેમલાઈનમાં થોડું કામ કરાવવું અથવા લેસ મુકાવવી અને ગોલ્ડ કે કોપર કલરમાં દુપટ્ટો થોડો હેવી પહેરવો જેને લીધે ઓવર ઓલ લુક હેવી આવે. તમારી હાઈટ અને સ્કિન ટાઈપ મુજબ તમે ડ્રેસના કલરની પસંદગી કરી શકો.

જેટલા સોલિડ કલર પસંદ કરશો તેટલો જ હેવી અને અટ્રેક્ટિવ લુક આવશે. સોલિડ કલર પર કરેલું કામ ખૂબ જ સુંદરતાથી ઊઠીને આવે છે. ઓર્ગેન્ઝા ફેબ્રિકમાંથી દુપટ્ટો બનાવવો જેથી દુપટ્ટો આખો ખોલીને પેહરી શકાય અને તેનો ફોલ સારો લાગે. આ લુક સાથે તમે હેર ટાઈ અપ કરી શકો અથવા ઓપન રાખી શકો ડીપેન્ડિંગ તમારે કઈ ઇવેન્ટમાં જવાનું છે. જ્વેલરી પણ મિનિમલ રાખવી. અથવા ક્લાસી પીસનો ઉપયોગ કરવો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button