ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ સાચી સહાનુભૂતિની ખોટી લાલસા

શ્વેતા જોષી અંતાણી
પ્રિયલ સતરેક વર્ષની મધ્યમવર્ગીય પરિવારની દીકરી. ભણવામાં સાધારણ અને દેખાવમાં ઠીક-ઠાક. જોકે, એનામાં એક ખાસ આદત હતી. એને હરહંમેશ સહાનુભૂતિ જોઈતી. ઘર હોય કે સ્કૂલ. એ હંમેશાં ઇચ્છતી કે લોકો એને જોઈને કહે, ‘અરે રે.. બિચારી પ્રિયલ…’.
એ હંમેશાં ભીડથી અલગ દેખાવા મથતી. પોતાની મહેનત, આવડત કે વ્યક્તિત્વ થકી નહીં, પણ લોકોની હમદર્દી સહી. એને ‘બિચારી પ્રિયલ’ના ટેગમાં સખ્ત સુકુન મળતું. નાનપણથી પ્રિયલમાં અમુક વાત સામાન્ય હતી, જે ટીનએજ આવતાં વકરતી ગયેલી. એમાં વારંવાર બીમાર પડવું. છાશવારે એને પેટ કે માથું દુખતું હોય, ચક્કર આવે અથવા તો અતિશય થાક લાગે.
સવારમાં સ્કૂલ બસમાં ચડતાંવેંત કહેતી, ‘આજે કંઈક સારું નથી લાગી રહ્યું, યાર. કદાચ બ્લડપ્રેશર લો છે. ક્લાસમાં બધી છોકરીઓ એની આસપાસ બેસી જતી. કોઈક કહેતું, ‘અરે તે કંઈ ખાધું છે કે નહીં? તો બીજું કહેતું, લે,હું તારા માટે નાસ્તો લઈ આવેલી.’ બસ આવું અટેન્શન મળે ને ત્યારે પ્રિયલને ગજબનો
ઘરમાં એ પોતાની જાતને ‘નિગ્લેકટેડ ચાઈલ્ડ’ ગણતી. જ્યારે મમ્મી નાના ભાઈને વ્હાલ કરતી ત્યારે પ્રિયલ ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી જતી. સતત રોવાને કારણે આંખ લાલ થઈ જાય પછી અચાનક બહાર આવીને કહેતી, ‘મને લાગે છે આ ઘરમાં મારી કોઈને વેલ્યૂ નથી. કોઈ મને પ્રેમ નથી કરતું.’ આ સાંભળી મમ્મી બિચારી બઘવાય જતી. એને સમજાવવા લાગતી.
કોઈ દિવસ ચોકલેટ તો કોઈ દિવસ પસંદગીનો પિત્ઝા મંગાવી આપતી. અને પ્રિયલ ચૂપચાપ હસતા મોં એ પોતે જાણે મોટી જંગ જીતી હોય એ રીતે મનોમન ખુશ થતી. એવામાં ટીનએજ આવતાં પ્રિયલના જીવનમાં સોશ્યલ મીડિયાનું વાજતે-ગાજતે આગમન થયું. અને પ્રિયલ બની સોશ્યલ મીડિયાની ‘સેડ ગર્લ’. પ્રિયલના ઈન્સ્ટા અને સ્નેપચેટ પર એક અલગ જ દુનિયા હતી. એ પોતાની પોસ્ટમાં ખૂબ દુખિયારાં ગીતો મુકતી.
સ્ટેટસ એવા રાખતી કે જાણે ઉદાસી એની કાયમી સાથીદાર હોય. પોતે જાણે જીવનમાં સાવ એકલી-અટૂલી છે એ રીતે અમુક એંગલથી લીધેલા ફોટોગ્રાફ્સ પોસ્ટ કરતી. વળી, નીચે કેપ્શનમાં લખતી :
‘कोई समझता ही नहीं’
‘सब मुस्कान के पीछे का दर्द कौन देखे?’
આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ કુદરતી ચહેરા પર કૃત્રિમ સૌંદર્યની છલના
પછી તો શું જોઈએ? પોસ્ટ સંદર્ભે એને ઢગલાબંધ મેસેજ આવતા. ‘અરે પ્રીતિ શું થયું? તું ઠીક તો છે ને? બોલ, તારે કંઈ કહેવું હોય તો હું સાંભળું છું….’ આ પ્રકારના મેસેજીસ જાણે પ્રિયલના આત્માને ઓક્સિજન આપવાનું કામ કરતાં. પ્રિયલને પોતાની નજીકના લોકોને કંઈક સફળતા મળે, સારા માર્ક્સ આવે, કોઈ જગ્યાએ એમના વખાણ થાય તો પણ ગમતું નહીં. બધી જગ્યાએ પોતે ‘સેન્ટર ઓફ અટ્રેકશન’ હોવી જોઈએ અને એ પણ સિમ્પથી એટલે કે, સહાનુભૂતિ મેળવીને.
એક દિવસે એણે પોતાની બેસ્ટ ફ્રેન્ડ એવી નેહલને મેસેજ કર્યો: ‘તું યાર, બહુ બદલી ગઈ છે. હવે તારી પાસે મારા માટે સમય નથી. કંઈ વાંધો નહીં, હું સમજુ છુ.. ’. નેહલ તો બિચારી ગિલ્ટમાં આવી ગઈ. બે દિવસ સુધી માફી માગતી રહી. પ્રિયલ માટે ખાસ કુકીઝ લઈ આવી, ક્લાસવર્કમાં મદદ કરી ત્યારે છેક પ્રિયલને સહેજ સંતોષ થયો.
હદ તો ત્યારે થઈ જ્યારે પ્રિયલે સ્કૂલમાં કાઉન્સિલરને મળવા માટે રિક્વેસ્ટ નાખી. કાઉન્સિલર મેડમે પૂછ્યું કે ‘શું તું પરેશાન છો?’ તો એ બોલી: ‘મને લાગે છે કે મને એન્કઝાઇટીની સમસ્યા છે. રાતમાં મને નીંદર નથી આવતી. આ દુનિયામાં મારી કોઈ જગ્યા નથી.’.
આ વાત આગની જેમ ચારેકોર ફરી વળી. ‘અરેરે, બિચારી પ્રિયલ…’ સ્ટુડન્ટસ, ટીચર્સ, પ્યૂન, સહુના મોં એ એક જ વાત. આવું કેમ થયું હશે પ્રિયલ સાથે? બીજા પરેશાન એટલે પ્રિયલબેન ખુશખુશાલ.
જોકે થોડા દિવસો બાદ રંગમાં ભંગ પડ્યો. ક્લાસમેટ એવી શ્રુતિનાં દાદી અવસાન પામ્યાં . બધા છોકરાઓ શ્રુતિને સાંત્વના આપવા ટોળે વળ્થા. એ જોઈ પ્રિયલના પેટમાં તેલ રેડાયું. એને થયું : ‘ચલો મારી જિંદગીમાં પણ કંઈક થવું જોઈએ ને!’ અને બીજા જ દિવસે એણે અફવા ફેલાવી દીધી: ‘મારા પપ્પાને એક્સિડન્ટ થયો છે. આઈસીયુમાં દાખલ કર્યા છે…’
સ્કૂલમાં પહોંચી એ ધ્રુસકે-ધ્રુસકે રોવા લાગી. ચોતરફ લોકો પ્રિયલના પપ્પાની વાતો કરવા લાગ્યા. એને સાંત્વના દેવા લાગ્યા. એની એન્ઝાયટી વધે નહીં એ માટે પ્રયત્નશીલ બન્યા. બીજા દિવસે સ્કૂલમાંથી કોઈએ એની મમ્મીને ફોન કર્યો ત્યારે ખબર પડી કે પ્રિયલ તો હળાહળ જૂઠું બોલી હતી. એના પપ્પા તો સાવ સાજા-નરવાં છે.
એ ઘટના બાદ લોકોનો પ્રિયલના શબ્દો પરથી તદન વિશ્વાસ ઊઠી ગયો. લગભગ બધાં એને અવોઇડ કરવા લાગ્યા. નેહલે તો સ્પષ્ટ કહ્યું કે ‘તું ક્યારે સાચું કહે છે ને ક્યારે નાટક કરે છે એની ખબર જ નથી પડતી. તું એક નંબરની જૂઠ્ઠી છે. તારી વાતો હવેથી કોઈ ગંભીરતાથી લેશે નહિ. તું શું છો, યાર?? સિમ્પથી ગેઈનર, અટેન્શન સિકર?ઈમોશનલ મેનિપ્યુલેટર કે જેલસી જંકર?’
નેહલના આ શબ્દો પ્રિયલની અંદર સોયની જેમ ભોંકાવા લાગ્યા. સાચે જ એ શું હતી? અને કેમ હતી? એના જવાબો મળવા મુશ્કેલ હતાં. એનો શ્વાસ રુંધાવા લાગ્યો, પગ પાણી-પાણી થઈ ગયાં, ચક્કર આવવા લાગ્યા, પણ આજે હાથ ઝાલનાર કોઈ નહોતું. એનું શરીર ધબ્બ દેતાં પડ્યું. માથું જમીન પર જોરથી અફળાયું, એક જોરદાર પીડાનો અહેસાસ. બસ, પછીનું પ્રિયલને કંઈ યાદ ના રહ્યું.
આંખ ખુલી ત્યારે હોસ્પિટલના બિછાને જાતને ભાળી. મમ્મીને બાદ કરતાં કોઈ હાજર નહોતું. એ મનોમન સોસવાય ગઈ. મારી આ હાલત, ને કોઈને કંઈ જ ફર્ક નથી પડ્યો! પણ એને ક્યાં ખબર હતી કે, ખોટી સહાનુભૂતિ લેવાની લ્હાયમાં એણે સાચી હમદર્દી ગુમાવી દીધેલી. સિમ્પથી મેળવવી સરળ છે. પણ જો એ પ્રિયલ માફક મેળવેલી હોય તો એનો અંત આવો કરુણ આવે એમાં કોઈ નવાઈ નહીં.
પ્રિયલને જોકે આવી વાતોથી ક્યાં કોઈ નિસ્બત હતી. એ તો હવે નેહલે કહેલા શબ્દો ‘સિમ્પથી ગેઈનર કે અટેન્શન સિકર’માંથી ‘ઈમોશનલ મેનિપ્યુલેટર’ બનવા તરફ પ્રયાણ કરવાનું વિચારતી પડખું ફરી ઊંઘી ગઈ…!
આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ પ્રામાણિક સત્યને વિનમ્રતા સાથે શું સંબંધ…