ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ આકર્ષણની દુનિયા તરફ ડગ માંડતી દીકરી

શ્વેતા જોષી-અંતાણી
‘શ્રીજા, તું સાંભળે છે કે નહીં? સ્વાતિએ રસોડામાંથી દીકરીને અવાજ લગાવ્યો. જવાબમાં શ્રીજાએ માત્ર માથું હલાવ્યું. નજર તો ફોનની સ્કીન પર ફ્લેશ થઈ રહેલા ઈશાનના મેસેજ પર હતી.
‘માન્યામાં નથી આવતું યાર, કાલે આપણા પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન છે. તું તૈયાર છે ને?’
આ વાંચી શ્રીજાનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. એણે ફટાફટ મેસેજ ટાઈપ કર્યો, ‘હા અને તું?’ જવાબ આપ્યા પછી ઝબકારો થયો કે મમ્મી પણ એના જવાબની રાહ જોઈ રહી છે… જોકે એટલીવારમાં તો સ્વાતિ ફરી બોલવા લાગેલી;
‘શ્રીજા હું શું કહું છું, આ વિકેન્ડ આપણે નાનીને ઘેર જવું છે? ઘણો વખત થયો મળ્યા એને…’
‘અરે, નહીં,નહીં,નહીં મમ્મી.’ શ્રીજાએ ફોન પોકેટમાં સરકાવતાં નકારભર્યા ડચકારા કર્યા. :
‘મારે ગ્રૂપ સ્ટડી છે.’
સ્વાતિએ ભવાં ચડાવતાં પૂછ્યું, :
‘ઈશાન સાથે?’
શ્રીજા થોડી ગૂંચવાય. સ્વાતિએ સૂચક સ્મિત કર્યું.
‘મોમ, તું માને છે એવું કંઈ નથી. એ મારો ફ્રેન્ડ છે બસ…’
આવું બોલ્યા પછી શ્રીજાના મને એને ટકોરી: ‘તું સાચું જ કહે છે ને શ્રીજા. જસ્ટ ફ્રેન્ડ્સ રાઈટ?’
આ પણ વાંચો…ડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ સંબંધમાં સંવાદ ને ભરોસાની બાદબાકી થાય ત્યારે…
શ્રીજા મનોમન ઓઝપાઈ. સ્કૂલમાં ઈશાન સાથે એને બહુ મજા આવતી. બન્ને આઠમા ધોરણથી એકબીજાને ઓળખતાં. એકસમાન આદતો અને સરખી વિચારસરણીએ બન્નેને ધીમેધીમે વધુ નજીક લાવી દીધેલા. જોકે હમણાંથી શ્રીજાના મનોભાવ થોડા બદલાયા હતા. ઈશાન હસે ત્યારે એની તરફ જોઈ રહેવું બહુ ગમતું. ક્યારેક નજીક આવી એ ગણિતના દાખલા સમજાવતો ત્યારે શ્રીજા જાણે શ્વાસ લેવાનું ચૂકી જતી.
ઈશાન સાથે બને એટલો વધુ સમય પસાર કરવા એ તલપાપડ થઈ ઊઠતી. ઈશાન એને ગમવા લાગ્યો છે એ વાતની ખરાઈ કરતી અનેક ઘટનાઓ શ્રીજા સાથે બનતી. એ વાત પર પાક્કી મહોર ત્યારે લાગી જ્યારે ઈશાનને અદિતિ સાથે વાત કરતાં જોઈ શ્રીજાને બળતરાં થઈ ઊઠી. એ ઈર્ષ્યાભાવ ચોક્કસપણે સમજાવી ગયો કે, ઈશાન હવે માત્ર દોસ્ત નહોતો રહ્યો. શ્રીજા તરફથી તો નહીં જ…
એ સાંજે મમ્મીને ઘરકામમાં મદદ કરાવતી વેળા એણે સાહજિકતાથી પૂછી લીધું:
‘પપ્પા તને ગમે છે એવી ખબર કઈ રીતે પડી હતી?’
થોડું અટકીને સ્વાતિ બોલી :
‘એ સમયે એની સાથે હોવાથી મને બધું સરળ લાગતું. મજા આવતી. સમય પળભરમાં પસાર થઈ જતો. એની સાથે બધું જ ગમતું ’
‘પણ મજા આવવાની સાથોસાથ ગભરામણ થતી?’
શ્રીજાના સવાલ સામે સ્વાતિ ધીમું હસી:
‘બેટા, અટ્રેકશન પણ એવી ચિનગારી જેવું કામ કરે. બહારથી ચમકારા મારે પણ અંદરથી તુરંત બુઝી જવાની એની પ્રકૃતિ. પ્રેમની ચમક ક્ષણિક ના હોય. એની હૂંફાળી ઉષ્મા લાંબા સમય સુધી જીવંત રહે છે…’
શ્રીજાને જોકે આ બહુ સમજાયું તો નહીં, પણ એ માથું હકારમાં હલાવતી રહી.
બીજા દિવસે પ્રોજેક્ટ પ્રેઝન્ટેશન ખૂબ સારું રહ્યું. છેલ્લે હાઈફાઈ કરતી વખતે ઈશાનનો હાથ શ્રીજાની હથેળીમાં પોરવાયો. શ્રીજાને જાણે કરંટ લાગ્યો હોય એમ ધ્રૂજી ઊઠી. ઈશાનથી એ છાનું ના રહ્યું. એણે સામે સરસ મજાનું સ્મિત આપી પૂછ્યું :
‘તું શું વિચારે છે… મારા વિશે.?’
અચાનક પુછાયેલા આ સીધા સવાલનો જવાબ આપતાં શ્રીજા થોડી ખચકાઈ, પણ પછી એણે જાતને સંભાળતા સત્ય કહી દીધું:
‘હું આપણાં વિશે નહીં, માત્ર તારા વિષે જ વિચારતી હોંઉ છું. શું એ મને ખબર નથી…’
‘હમ્મમ… તો ખબર પાડી લે.!’ કહી ઈશાન તોફાની સ્મિત સાથે ત્યાંથી ચાલ્યો ગયો. ઘેર પહોંચી સ્વાતિનો હાથ પકડતાં શ્રીજાએ શરૂ કર્યું;
‘મા થોડી કન્ફ્યુઝ છું. નીડ ટુ ટોક. એક છોકરો છે. મને ગમે છે, પણ ખબર નથી પડતી કઈ રીતે ગમે છે. ઈટ્સ નાઈધર લવ નોર ઓન્લી ફ્રેન્ડશિપ. ખબર નહિ, આઈ થીંક ઈટ્સ કોમ્પ્લીકેટેડ…’
સ્વાતિને શાંતચીત સાંભળતા જોઈ શ્રીજાએ વાત કહેવાનું ચાલુ રાખ્યું ;
‘હું આખો દિવસ એના વિશે વિચાર કરું. તારી સાથે વાતો નથી કરતી. પપ્પાને બોલાવતી નથી. ટીવી નથી જોતી. ફ્રેન્ડ્સ સાથે પણ ખોવાયેલી રહું છું. આઈ ગેસ આઈ એમ લુઝીંગ માય સેનિટી…’
અત્યાર સુધી ધીરજથી સાંભળી રહેલી સ્વાતિ અધવચ્ચે બોલી ઊઠી:
‘બેટા, કંઈ વાંધો નહીં. તું મોટી થઈ રહી છે. તું અમારી સાથે ઓછું ભલે બોલે, પણ હું તારી સાથે છું. આ મૂંઝવણ થોડા સમય પછી ક્લિયર થઈ જશે. અને જો ના થાય તો આજની જેમ જ તું પહેલા મારી પાસે આવજે. આ ઉમરે આકર્ષણ થવું સ્વાભાવિક છે. એને ઉતાવળે પ્રેમ માનવાની ભૂલ ના કરવી. બસ, આટલું યાદ રાખજે.’ શ્રીજાનું દિલ હળવું થઈ ગયું. સ્વાતિના ખભ્ભે માથું ઢાળતાં એ બોલી ;
‘બહુ અજીબ લાગે છે, મા. ક્યારેક લાગે કે હું મોટી થઈ ગઈ છું. તો ક્યારેક નાની હોઉં એમ મૂંઝાઈ જઉ છું.’
‘અરે, એને જ તો કહેવાય છે ટીનએજ..! ’ કહી શ્રીજાનો ખભ્ભો થપથપાવતાં સ્વાતિ બોલી :
‘ચાલ, આજે મુવી ડેટ વીથ મોમ થઈ જાય?!’
શ્રીજા ચપટી વગાડતાં ‘પોપકોર્ન ફ્રોમ માય સાઈડ’ કહી ઊભી થઈ રસોડા તરફ ભાગી.
આકર્ષણના પ્રથમ ચરણમાં દીકરીએ પગ મૂક્યો છે. હવે એના સારા-નરસાં પાસા સમજાવવા જ રહ્યાં. જો તો ખરાં કેટલી ઝડપથી દીકરીઓ મોટી થતી હોય છે. એવું વિચારતી સ્વાતિ અપલક શ્રીજાની પીઠ તરફ તાકી રહી.
આ પણ વાંચો…ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ એ ઉંમર-જ્યારે ટીનએજર ને પેરેન્ટસ સામસામે આવીને ઊભા રહે છે…



