ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી : તરુણોનું જાહેરમાં કરાતું અપમાન કેટલું યોગ્ય?

શ્વેતા જોષી-અંતાણી
વહેલી સવારનો પાંચેક વાગ્યાનો સમય. શિયાળાની ઋતુના આગમનને બહુ વાર નહોતી એટલે વાતાવરણમાં પણ ગુલાબી ઠંડક વર્તાઈ રહી હતી. એમાં પણ વૃક્ષોથી આચ્છાદિત જોગિંગ ટ્રેક પર થોડી વધુ ઠંડી હતી એવું વિહાને લાગ્યું. પોતે ક્યાં સવારના પહોરમાં મીઠી નીંદરના ભોગે જૉગિંગ કરવા આવી એવું એકાદવાર એણે વિચારી પણ લીધું. જોકે, આજકાલ ફિટનેસ ગોલ્સ રાખવા, જીમ કે સાઇકલિંગના ફોટો પોસ્ટ કરવા એ યંગ જનરેશનમાં ઈન થિંગ મનાય છે. એટલે પોતે પણ એ ટ્રેન્ડમાં પાછળ ના રહી જાય એ માટે વિહાએ સૌથી સહેલો રસ્તો અપનાવ્યો.
સવારે જૉગિંગના એકાદ-બે ફોટો લઈ, સોશિયલ મીડિયા પર એને અઢળક હેશટેગ સાથે પોસ્ટ કરી ફરી ગોદડું ઓઢી પોઢી જવાની સંપૂર્ણ તૈયારી સાથે એ આવેલી. એટલે થોડું ચાલી લીધું. બહુ બધા ફોટોગ્રાફ્સ, રીલ્સ, વીડિયોઝ બનાવી લીધા, ઝટપટ એ બધાને પોસ્ટ પણ કરી દીધા. પછી હવે હાશકારો લઈ ઘર તરફ પરત થઈ રહી હતી ત્યાં જ સામે દોડી રહેલા એક ગ્રુપમાંથી લાંબી, તીણી ચીસ સંભળાઈ.
આ પણ વાંચો: ફેશન: હોટ કેક – ફરશી સલવાર!
વિહાના પગ આશ્ચર્યસહ એ તરફ વળી ગયા. જોકે, એને ખ્યાલ નહોતો કે એ દુ:ખભરી ચીસ પાડનાર સમારા હતી અને આ એની રોજની આદત હતી. વિહા જેટલી ઉંમરની સમારા એની ક્લાસમેટ હતી. હંમેશા જૉગિંગની શરૂઆતના બે-ત્રણ રાઉન્ડમાં જ એ થાકી જતી અને પછીનો આખો કલાક આવાં નખરાં કરવામાં વિતાવતી. એની મમ્મી અત્યંત ભદ્ર, શાલિન અને હાઈ સોસાયટી કલ્ચરના પ્રતિનિધિ જેવી એટલે બધાં સામે સમારા પર ગુસ્સો કર્યા વિના પરાણે સમારાને ફીટ રાખવાની કોશિશ કરતી. સાથોસાથ ‘મારે દોડવું નથી’ એવી સમારાની જિદ્દ સામે ના ઝૂકવાનો દૃઢ નિશ્ચય પણ સમારાનાં મમ્મીના ચહેરા પર વર્તાયા વગર રહેતો નહી.
‘આજે પણ મને પગ દુ:ખે છે’ કહી સમારાએ દોડવાનું બંધ કર્યું એટલે સમારાની મમ્મીનું આખું જૉગિંગ ગ્રુપ ગિન્નાયું. કદાચ સવાર સવારમાં સમારાના રોજિંદા આવા કકળાટથી કંટાળ્યા હોય એમ થોડીવાર ઊભાં રહી એ બધાં આગળ ચાલ્યાં, પણ સમારા ક્લાસની સૌથી અતડી છોકરી ગણાતી. કોઈ સાથે બહુ બોલતી નહી. એના કોઈ ખાસ મિત્રો પણ નહોતા, એટલે વિહાબેનને ચટપટી ઊપડી. એને મા-દીકરીની રકઝકમાં રસ પડ્યો. ગૉસિપ મટીરિયલ દેખાયું. એટલે ઘેર જવાનું માંડી વાળી એ સામે બાંકડા પર બેસી ગઈ.
સમારા અને એની મમ્મી વચ્ચેના શીતયુદ્ધની સાક્ષી બનવાનો આનંદ લેવા એનું ટીનએજ મન તલપાપડ બન્યું. જોકે, ખાસ્સીવાર સુધી પેલા બંન્ને વચ્ચે કોઈ સંવાદ થયો નહી. માત્ર મા-દીકરી પોત-પોતાની જિદ્દ લઈ મોં ચડાવી બેસી રહ્યાં. એટલે વિહા કંટાળીને ઊભી થવા જતી હતી ત્યાં કોઈએ સમારાની મમ્મીને એવું કહેવાની હિંમત કરી કે, ‘એને નથી ગમતું તો શા માટે સવારે લઈ આવો છો?’ ત્યારે સમારાની મમ્મીનો જવાબ હતો, ‘એવું થોડું ચાલે? ઙવુતશભફહ ફભશિંદશિું તો જીવનમાં જરૂરી છે.’ આવું બોલતાં કદાચ એની નજર પોતાના શરીર પર ચડેલા ચરબીના થર પર નહી પડી હોય? એમ વિચારી વિહાને હસવું આવ્યું.
વિહા તરફ આંગળી ચીંધી એણે આગળ ચલાવ્યું, ‘જુઓ, આ બીજી બધી છોકરીઓ કેવી ફિટ છે.. કોઈને કંઈ તકલીફ નથી. અમારે આને બસ કંઈ કરવું નથી હોતું. બધી વાતમાં વાંધા-વચકાં જ ઊભા કરતાં આવડે.’ આ સાંભળી વિહાબેન પોરસાયાં એટલે ઊભી થઈ એ પણ વાતોમાં જોડાવા માંગતી હોય એમ આગળ આવી.
સમારાને ખ્યાલ આવ્યો કે આ તો વિહા છે. પોતાની ક્લાસમેટ સામે વધુ ફજેતો ના થાય એ માટે એણે મમ્મીને ચૂપ રહેવા ઈશારો કર્યો, પણ, મમ્મીનો વાક્પ્રવાહ હવે છૂટી ગયેલો, જેને નાથવો હવે અશક્ય હતો. એણે વિહાને સંબોધીને કહ્યું, ‘તું એકલી આવી છે ને? આની પાછળ હું તો ગમે તેટલી હેરાન થાઉં, એનું વળતર શૂન્ય જ મળે છે મને.’
મોટાભાગે ઓછું બોલવાનું પસંદ કરનારી સમારા ચૂપચાપ મમ્મી દ્વારા જાહેરમાં કરાતું અપમાન ગળી ગઈ. સામે વિહાના પ્રતિભાવો જોઈ એ મનોમન સમસમી રહી. નાનપણથી કોઈ પણ જગ્યાએ કરી લેવામાં આવતી પોતાની નાનીમોટી સરખામણીથી એ ખૂબ નાસીપાસ થઈ જતી.
તરુણાવસ્થા આવતાં હવે એને કયારેક ઘેરથી ભાગી જવાના તો કયારેક મરી જવાના વિચારો આવવા લાગ્યા હતા. ગમે ત્યારે સરખામણી થઈ જવાના ડરે એ ખૂલીને કંઈ જ ના બોલી શકતી. સમારાની મન:સ્થિતિથી સ્કૂલમાં વિહા સહિત દરેક વ્યક્તિ અજાણ હતી. એને કોઈ સમજતું નહીં માટે એ લગભગ એકલું જ રહેવાનું પસંદ કરવા લાગી હતી. મિત્રો બનાવતાં પણ સમીરાને ડર લાગતો. વિચારતી કે વળી પાછી મિત્રોની કોઈ આવડત જોઈ પોતાની અણઆવડત ઉજાગર કરતાં મમ્મી વાર નહી લગાડે.
આ પણ વાંચોમુખ્બિરે ઈસ્લામ: પહેલા પોતાને ઓળખો જીવન ખુદ બ ખુદ સમજાઇ જશે
‘આને જો કેવી એકલી પણ પોતાની હેલ્થનું ધ્યાન રાખવા આવી શકે છે. બેટા, તું કંઈક શીખવ. હું તો થાકી હવે આનાથી. તારી જેમ થોડી તરવરાટવાળી ને તાજીમાજી રહેતાં એને નથી આવડતું. શું કરવું એ મને તો સમજાતું નથી.’ કહી અંતે સમારાનાં મમ્મી સામેથી પોતાના ગ્રુપને આવતું જોઈ એ તરફ વળી ગયાં.. આ તરફ, સમારાનું ઊતરેલું મોં જોઈ વિહા હવે થોડી ઓઝપાઈ. પોતે કંઈ સમારાનાં મમ્મી વખાણી રહ્યાં હતાં એટલી પણ પરફેક્ટ નહોતી, પણ, સાચું બોલી સમારા સામે પોતાનો રકાસ શા માટે થવા દેવો એમ વિચારી એણે એની મમ્મીની વાતોમાં હા એ હા કરી.
એ દિવસે જો વિહાએ થોડી હિંમત કરી સત્ય કહ્યું હોત કે પોતે પણ સમારા જેવી જ જૉગિંગની આળસુ છે અને આજે ચાલવા આવવાનું પ્રયોજન કંઈક અલગ હતું તો કદાચ વિહા-સમારાની દોસ્તી શક્ય હતી, પણ તરુણાવસ્થાએ સરખામણીનો ફોબિયા બંન્નેના માનસ પર છવાયેલો હતો. જે અંતે વિહાને પોતાના ઘર તરફ અને સમારાને મમ્મીના જૉગર્સ ગ્રુપ તરફ વિરુદ્ધ દિશામાં વાળી ગયો.