લાડકી

લાફ્ટર આફ્ટર : વજન વજનનું કામ કરે…

-પ્રજ્ઞા વશી

‘સાંભળો છો?’
‘બોલો, જલદી બોલો.’
‘તે હવે તમે શું વિચાર્યું?’
‘શેનું ?

‘ગઈકાલે ડોક્ટરે તમને વજન ઓછું કરવાની વોર્નિંગ આપી છે, તે તો તમને યાદ છે ને? સો કિલો વજનમાંથી ઓછામાં ઓછું ચાલીસ કિલો વજન ઉતારવા કહ્યું છે. લોહી ચેક કરાવ્યું, એમાં સુગર, પ્રેશર, કોલેસ્ટ્રોલ તેમજ યુરિક એસિડ નામના રોગ તમારા શરીરમાંથી નીકળ્યા છે! વજન નહીં ઉતારો, તો હાર્ટઍટેક (બ્લોકેજ) પણ લાઇનમાં જ ઊભો છે. એમ પણ એમણે વજન માપીને કહ્યું છે.’

આ પણ વાંચો: ભારતની વીરાંગનાઓ : પ્રથમ પ્રોફેશનલ સાડી ડ્રેપર ડોલી જૈન

‘જો લતા, મારું શરીર શુદ્ધ સ્ફટિક જેવું છે. મને કોઈ વાતની તકલીફ નથી. ચાર વાર ખાઈને પચાવી શકું છું, ચાલી દોડી શકું છું, નોકરી કરું છું. પછી આ રોગ નીકળ્યા ક્યાંથી? મને તો આ ડોક્ટરોની કોઈ ભેદી ચાલ લાગે છે. લેબવાળા ને ડોક્ટરો ભેગા મળીને રિપોર્ટમાં રોગ ઊભા કરી દે છે અને મૂરખ લોકો હોસ્પિટલોમાં જઈને દવાઓ અને ઑપરેશનના ચક્કરમાં અટવાઈ જાય છે.’

લતાબેને ફરી મોટા અવાજે કહ્યું :

‘જોયા મોટા મને સમજાવવાવાળા! ડોક્ટર કરતાં તમે વધારે જાણકાર
હોય, એવી વાતો બંધ કરો અને દવા લઈ આવો. વજન ઉતારવા માટે સવાર – સાંજ એક એક કલાક ચાલવાનું શરૂ કરો.’

’આ ડોક્ટરોએ હવે પેલું સરકારી સહાયવાળું ‘આયુષ્યમાન’ કાર્ડ વાપરવા માટે જાતજાતના પેંતરા ચાલુ કર્યા છે. સમજી? ને સાંભળ, હું ઉપવાસ કરીને મારું શરીર એક મહિનામાં ઉતારી નાખીશ. જો, આજે આમ પણ અગિયારસ છે. હું અગિયારસનું થોડુંક જ ખાઈ લઈશ અને સાંજે ફળફળાદી લઈશ એટલે સાંજ સુધીમાં તો એક કિલો ઓછું થઈ જશે. સમજી?’

સવારે સાબુદાણાની ખીચડી (ચોખ્ખા ઘીમાં), રાજગરાની કઢી, એક વાટકો મલાઈવાળું દહીં, બટાકાનું સીંગદાણા, કાજુ-દ્રાક્ષ નાખેલું શાક (એકલા તેલમાં બનાવેલું) બાફેલાં શક્કરિયા-બટાકાનું શાક, ફરાળી પાપડ- પાપડી અને બદામ- અખરોટનો થોડોક શીરો! (શરીર સાવ લોલ ના મારી જાય, માટે પરાણે ખાધું!) બપોરે બે કલાકની ઊંઘ બારી- બારણાં બંધ કરીને ખેંચી કાઢી, જેથી વારેવારે ડબ્બા ફંફોસવાનું મન ન થાય!

સાંજે થોડું ચાલવા માટે રમેશભાઈ નીકળ્યા. સોસાયટીના નાકેના બાગમાં જ બધા મિત્રો બેઠા હતા. ચાલવું તો હતું, પણ મિત્રોએ બેસાડી દીધા. રમેશભાઈ તો ‘ભાવતું હતું, અને વૈદે કીધું’ એમ બેસી પડ્યા! એટલામાં બાગમાં ભેળવાળો, સૂકી ભેળ લઈને આવ્યો. બધા ખાતા હોય, તો કંપની આપવા પણ ખાવું જ જોઈએ. (કાંદા, લીલાં મરચાં ને સેવ ભભરાવે… ખાટું મીઠું પાણી પણ જોઈએ એટલું નાખે… લાલ-લીલી ચટણી, કોથમીર… અહાહા…! ને સુગંધથી આખો બાગ મઘમઘ થાય!) એક નહીં, બે ભેળ… અને ઉપર પાણીપુરીવાળો પણ આવીને ‘લે લો… લે લો…’ કરવા માંડ્યો. (પછી તો કોઈ મૂરખ હોય એ જ ઉપવાસ કરવાનો વિચાર કરે!)

હજી રમેશભાઈએ ઊભા થઈને બાગમાં આંટો મારવા બે ડગલા જ માંડ્યાં, ત્યાં… માવા-મલાઈ, કેસર, બદામ-પિસ્તા, મેંગો, ચોકલેટ આઇસક્રીમ અને એની પાછળ ફાલુદાવાળો પણ રસ્તો રોકીને ઊભા રહી ગયા. ‘સાહબ, બહોત દિનો કે બાદ આયે હો… સાહબ, આજ તો આપકો ખાયે બિના નહીં જાને દેંગે.’

નરેશભાઈ બોલ્યા : ‘ચાલો, આજે મારા તરફથી ફાલુદા વિથ આઇસક્રીમ… ચલો, સભી સાહબ લોગોં કો એક એક ફાલુદા, ફુલ ગ્લાસ (બડાવાલા) મલાઈ ઔર આઇસક્રીમ માર કે સાથ દે દો.’

આખી સોસાયટીના બધા વયસ્કો ફરી બાંકડે બેસી ગયા. રમેશભાઈએ ના… ના… કહી જોયું, પણ નરેશભાઈ માન્યા જ નહીં એટલે ફાલુદો ધીરે ધીરે ઝાપટવાનો શરૂ કર્યો.

નરેશભાઈએ કહ્યું, ‘જો રમેશ, બહુ ના… ના… નહીં કરવાની. ઘડી પછીની ખબર નથી. એટલે મનગમતું બધું ઝાપટી જ લેવાનું.’

‘પણ નરેશ, યાર! મારો તો ખૂબ ખરાબ લોહીનો રિપોર્ટ આવ્યો છે. સુગર, પ્રેશર વગેરે બધું જ…’

આ પણ વાંચો: એકસ્ટ્રા અફેર : પાકિસ્તાનમાં બલોચ પ્રજાની આઝાદીની લડાઈ વૈશ્વિક સ્તરે ચમકી

ત્યાં નરેશભાઈ બોલ્યા, ‘તું બાબુ ડોક્ટરની લેબમાં ગયેલો? વજન ઓછું કરવા કહ્યું હશે. ચાલવાનું કહ્યું હશે. મહિના પછી પાછા બધા ટેસ્ટ… પછી સીધા તને આવશે બ્લોકેજ! જેમ મને આવેલી. પછી નળી સીધી હોવા છતાં બદલવા કહેશે… કે જે, મને અને આ વિપુલ બંનેને કહેલું. અમે એમાંનું કશું નથી કરાવ્યું. બસ, ખાઈ-પીને સવાર સાંજ બાગમાં ચાલીએ છીએ. યોગા કરીએ, અને ખાઈ-પીને મજા કરીએ છીએ. પણ મારું વજન? એક મહિના પછી વજન કાંટો કેમ ફેરવવો, તે હું તને શીખવીશ. ભાભી પણ ખુશ થઈ જશે. સમજ્યો ને!’

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button