કથા કોલાજ: મેં એક સોન્ગ રાઈટર ને સિંગર  તરીકે કામ કરવાનું શરૂ કર્યું | મુંબઈ સમાચાર
લાડકી

કથા કોલાજ: મેં એક સોન્ગ રાઈટર ને સિંગર  તરીકે કામ કરવાનું શરૂ કર્યું

 કાજલ ઓઝા-વૈદ્ય

(ભાગ: 3)

નામ: લીસા મેરી પ્રેસ્લી 

સમય: 2023, 12 જાન્યુઆરી

સ્થળ: યુસીએલએ વેસ્ટ વેલી મેડિકલ સેન્ટર, લોસ એન્જલસ, કેલિફોર્નિયા, યુનાઇટેડ સ્ટેટ્સ

ઉંમર: 54 વર્ષ

લીસા મેરી પ્રેસ્લી – માઈકલ જેક્સન

કેલિફોર્નિયાની હૉસ્પિટલે મારી છેલ્લી મિનિટો ગણાય છે ત્યારે હું મારા જીવનનો ફ્લેશબેક જોઈ રહી છું. ફિલ્મની પટ્ટીની જેમ મારી નજર સામેથી મારું પોતાનું જ જીવન પસાર થઈ રહ્યું છે… મારા પોતાના ગીતો જે પિતાને યાદ કરીને લખ્યા, ગાયા અને ખૂબ લોકપ્રિય થયા એ ગીતો જાણે મારા કાનમાં ગૂંજી રહ્યા છે. ‘લાઈટ્સ આઉટ…’ (2003) એ ગીતમાં મેં મારા પિતાને અંજલિ આપી હતી. મેં લખ્યું હતું કે, ગ્રેસલેન્ડમાં મારી કબર તૈયાર છે.

હું અંતે મારા પિતાની બાજુમાં જ આરામ કરીશ. એવું જ એક ગીત ‘નોબડી નોટિસ્ડ ઈટ…’ (2003) માં મેં મારા પિતાના લગ્ન તૂટવાનું કારણ, એમના પર થયેલી અસર અને એની પીડા વ્યક્ત કરી હતી. સફળતા અને પ્રસિદ્ધિની પાછળ વ્યક્તિની સાચી ભાવનાઓ દટાઈ જાય છે એ વાત મને મારા પિતાના જીવનમાંથી સમજાઈ છે. એ પછીનું એક ગીત યાદ આવે છે, ‘ઈડિયટ’ (2005) જેમાં મારા તમામ સંબંધો વિશેની પીડા વ્યક્ત કરી હતી. આજે વિચારું છું તો સમજાય છે કે, હું એ સંબંધોને લીધે તૂટી પણ એને જ લીધે આજે એક સ્ટ્રોંગ અને સફળ વ્યક્તિ બની… એવું જ એક ગીત ‘ઓવર મી’ (2005) જેમાં મારી ઈર્ષા, અસુરક્ષા અને બાળપણની  પીડાઓની સાથે જોડાયેલી મારી ભાવનાઓને મેં વ્યક્ત કરી હતી. એમાં મેં કહ્યું હતું કે, મને ગમે તેટલા આઘાત લાગે હું પડીશ નહીં, ચાલતી રહીશ… આ બધા ગીતો જાણે કોઈ સાઉન્ડ સિસ્ટમ પર એક પછી એક વાગી રહ્યાં છે. એ ગીતોની સાથે જોડાયેલો મારો ભૂતકાળ પણ નજર સામે આવે છે અને ધીરે ધીરે બ્લર થઈને નવા દૃશ્યો ઊભા થાય છે. 

9 વર્ષે પિતાને ખોઈ બેસવાનું દુ:ખ શું હોય છે એ કદાચ કોઈપણ સામાન્ય છોકરીને ન સમજાય એ સ્વાભાવિક છે અને એમાં પણ પિતા જ્યારે ‘ધ એલ્વિસ પ્રેસ્લી’ હોય, દીકરીને આટલું બધું ચાહતા હોય ત્યારે પિતાને ખોઈ બેઠા પછીની મન:સ્થિતિ શું હોઈ શકે એ તો માત્ર મને જ સમજાય છે! કદાચ, મારા જીવનમાં આવેલા તમામ પુરુષોમાં હું એલ્વિસ પ્રેસ્લીને શોધતી રહી, પણ એ મને ક્યારેય મળ્યા નહીં. શરૂઆતના વર્ષોમાં હું ડ્રગ્સ અને ખોટી કંપનીના રવાડે ચડી. એ પછી મેં એક સોન્ગ રાઈટર અને સિંગર તરીકે કામ કરવાનું શરૂ કર્યું, ત્યારે હું 35 વર્ષની થઈ ગઈ હતી. ત્યાં સુધી મારા જીવનમાં ત્રણ લગ્ન અને કેટલાય બોયફ્રેન્ડ આવી ચૂક્યા હતા.

પહેલું ગીત રેકોર્ડ કર્યું એ પહેલાં હું બે બાળકોની મા હતી… ત્યાં સુધી મને સમજાયું જ નહોતું કે મારે જીવનમાં ખરેખર કરવું છે શું! મારા લોહીમાં રહેલું સંગીત અંતે મારી મંઝિલ સુધી લઈ આવ્યું. મેં પહેલાં કહ્યું એમ, એલ્વિસ પ્રેસ્લી મારી સાથે જ રહ્યા અને મને ગાઈડ કરતા રહ્યા. જ્યારે હું ભયાનક અટવાઈ અને મારા બીજા લગ્ન (માઈકલ જેક્સન) સાથે તૂટ્યાં ત્યારે એલ્વિસે મને કહ્યું, તારું અંતિમ ધ્યેય અને લક્ષ્ય સંગીત છે. માત્ર ‘ગ્રેસલેન્ડ’નો નહીં, મારા સંગીતનો, મારી લોકપ્રિયતાનો વારસો પણ હું તને આપીને ગયો છું. એક રાત્રે જાગીને મેં મારું પહેલું ગીત લખ્યું.

જાણે કોઈ કોસ્મિક કનેક્શનથી હું જોડાઈ હોઉં એમ મેં એ ગીત કમ્પોઝ કરીને 24 કલાકમાં રેકોર્ડ કર્યું. ‘ટુ હૂમ ઈટ મે ક્ધસર્ન!’ એ ગીત ખૂબ લોકપ્રિય થયું. એલ્વિસ પ્રેસ્લીની દીકરી તરીકે મારા પહેલા ગીતને લોકોએ વધાવી લીધું. એલ્વિસના ચાહકો માટે આ એક ભવ્ય વારસો હતો જે હું લઈને આવી હતી… એ ગીત પછી મારી કારકિર્દી તો ગોઠવાઈ, પરંતુ મારું જીવન આમતેમ ભટકતું રહ્યું. 

હું જ્યારે 20 વર્ષની હતી ત્યારે હું ડેની કીઓને મળી. 1988નો સમય હતો. મારી મા સાથેના મારા સંબંધો જરાય સારા નહોતા. એ દિવસોમાં હું મારા મિત્રો સાથે ફરતી. રાત્રે ઘરે નહીં જવાનું કારણ શોધતી રહેતી. મારા પિતાના વીલ મુજબ હું 25 વર્ષની થાઉં ત્યાં સુધી મારે મા સાથે જ રહેવાનું હતું, નહીં તો એ મેમ્ફિસની એસ્ટેટ મને ન મળે! હું રહેતી તો પ્રિસીલા સાથે, પરંતુ અમારી વચ્ચેની કડવાશને કારણે હું એને કશું જણાવતી નહીં.

આ પણ વાંચો…કથા કોલાજ : હું હારીને સંસારથી નિવૃત્ત નથી થઈ મેં સંન્યાસનો માર્ગ પસંદ કર્યો છે

1988માં ડેની કીઓ સાથે મારી મુલાકાત થઈ અને અમે છ જ મહિનામાં લગ્ન કરી લીધા. ડેની એક સંગીતકાર હતો. ધ લોજ (2019), કેબિન બાય ધ લેક (2000), અને ધ ડાર્કલિંગ (2000) જેવી ફિલ્મો અને ટીવી ફિલ્મોમાં ભૂમિકાઓ માટે જાણીતો થઈ ગયો હતો. અમારા સંગીતકારોના ગ્રૂપમાં એ બેઝ ગિટાર વગાડતો. લગ્ન પછી અમે સાથે રહેવા લાગ્યા. મારી દીકરી રાઈલી કીઓનો જન્મ 1989માં થયો… અમારા લગ્ન પછી તરત જ મારી માને લાગ્યું કે મેં ઉતાવળ કરી હતી, પરંતુ ડેની ખૂબ સારો માણસ હતો. અમારા લગ્ન ખૂબ સારી રીતે અને સ્નેહપૂર્ણ રીતે ચાલતા રહ્યા, પરંતુ 1993માં મારી મુલાકાત માઈકલ જેક્સન સાથે થઈ. માઈકલ એ સમયે સ્ટાર હતો…

હું એને ‘93માં પહેલીવાર નહોતી મળી. પહેલીવાર માઈકલને મળી ત્યારે 7 વર્ષની હતી. હું મારા પિતા એલ્વિસ પ્રેસ્લી સાથે માઈકલની કોન્સર્ટમાં ગઈ હતી. જોકે, ત્યારે માઈકલ આટલો મોટો સ્ટાર નહોતો. 79માં એનું પહેલું આલ્બમ ‘ઓફ ધ વોલ’ રજૂ થયું, જેનાથી એલ્વિસ પ્રેસ્લીનો રેકોર્ડ તૂટ્યો! માઈકલ સ્ટાર બની ગયો. એ પછી માઈકલના ‘થ્રિલર’ (1982), ‘બેડ’ (1987), ‘ડેન્જેરસ’ (1991) રજૂ થયાં. 500 મિલિયન રેકોર્ડઝના વેચાણ સાથે માઈકલે બધા જૂના આંકડાને વટાવી દીધા. અમે 1992માં પહેલીવાર મળ્યા જ્યારે માઈકલ ઉપર ચાઈલ્ડ મોલેસ્ટેશનનો આરોપ લગાવવામાં આવ્યો. એણે એ વખતે મારી મદદ માગી. મારે માટે માઈકલ સ્ટાર હતો, એટલું જ નહીં ક્યાંક મારા પિતાની જેમ એનું એકલવાયાપણું, એની અધૂરપ, એની તકલીફ સમજાતી હતી.

હું ધીમે ધીમે એની નજીક આવવા લાગી. ડેનીને સમજાયું કે, હું માઈકલને મદદ કરી રહી છું, પરંતુ એની સાથે જ અમારી વચ્ચે કોઈ ભાવનાત્મક-ઈમોશનલ સંબંધ પણ વધતો જાય છે. ‘92 અને ‘93ના સમય દરમ્યાન અનેક વિવેચકોએ અને પ્રેસે અમારા સંબંધને એક બનાવટી સંબંધ તરીકે વગોવી નાખ્યો. સૌને લાગતું હતું કે, હું એલ્વિસ પ્રેસ્લીની દીકરી છું એટલે માઈકલ એની ઈમેજ સુધારવા મારો ઉપયોગ કરી રહ્યો છે. એલ્વિસના બધા જ પ્રશંસકો મારે કારણે માઈકલને ચાઈલ્ડ મોલેસ્ટેશનના કેસમાં સહાનુભૂતિથી જોવા લાગશે એવી ધારણા સાથે માઈકલ જેક્સનના મેનેજર ડેઈટર વિસનરે અમારા સંબંધની અફવાને જાણી જોઈને વધુ પબ્લિસિટી આપી. મીડિયાના અનેક લોકોએ જાહેર નિવેદનો દ્વારા મને માઈકલથી દૂર રહેવા સમજાવી, પરંતુ ત્યાં સુધીમાં હું અને માઈકલ એકમેકની ખૂબ નજીક આવી ગયા હતા. એ મારા ઉપર ઈમોશનલી ડિપેન્ડ કરવા લાગ્યો હતો. ડેની આ વાત સમજી ગયો અને એણે સમજણપૂર્વક છૂટાછેડા લેવાની દરખાસ્ત મૂકી. ડેની સાથે મારા છૂટાછેડા થયા. 

માઈકલે લગ્નની દરખાસ્ત મૂકી, મેં એ દરખાસ્તનો સ્વીકાર કર્યો, પરંતુ માઈકલની ટીમ ઈચ્છતી હતી કે અમારા લગન થોડો સમય માટે ગુપ્ત રાખવામાં આવે, પછી મીડિયાની સામે એ લગ્નને ધડાકાબંધ જાહેર કરવામાં આવે. માટે લગ્ન ડોમેનિક રિપબ્લિકમાં કરવામાં આવ્યા. ડોમેનિક રિપબ્લિક એક કેરેબિયન રાષ્ટ્ર છે. જે હિસ્પેનિઓલા ટાપુના પૂર્વીય બે-તૃતીયાંશ ભાગ પર કબજો કરે છે, અને હૈતી સાથે જમીન વહેંચે છે. આ દેશ એટલાન્ટિક મહાસાગરની સરહદે આવેલા ગ્રેટર એન્ટિલેસ દ્વીપસમૂહમાં આવેલો છે. અહીં અમેરિકાની જેમ કોઈ લગ્ન પહેલાં નોટિસ આપવાની પધ્ધતિ નથી.

માઈકલની ટીમને ભય હતો કે જો કોર્ટમાં આ લગ્ન માટે નોટિસ આપવામાં આવશે તો માઈકલના ફેન્સને જાણ થઈ જશે અને મીડિયા તથા ફેન્સનો બહુ મોટો જમેલો ઊભો થશે… માટે આ લગ્ન ગુપ્ત રીતે કરવામાં આવ્યા. મીડિયાએ આ લગ્નને ‘નકલી લગ્ન’ કહીને વગોવ્યા અને એવો આક્ષેપ કર્યો કે આ લગ્નમાં શારીરિક સંબંધ નથી એટલે કે અમારી વચ્ચે માત્ર કોન્ટ્રાક્ટના લગ્ન છે. એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો કે, માઈકલે આ લગ્ન માટે મને લાખો ડોલર ચૂકવ્યા છે. એણે એલ્વિસ પ્રેસ્લીના તમામ સંગીતના રાઈટ્સ પણ મારી પાસેથી ખરીદી લીધા. 

અંતે, 1994ના એમ ટીવી મ્યુઝિક એવોર્ડ્ઝના સ્ટેજ ઉપર માઈકલે મને કીસ કરીને અમારા લગ્નને સાચા સાબિત કરવાનો પ્રયાસ કર્યો. એણે જાહેરમાં કહ્યું, ‘જોઈ લો. સૌએ આક્ષેપ કર્યો હતો કે આ લગ્ન નહીં ટકે…’ એ પછી અમે એક ડ્યુએટ ગીત પણ શૂટ કર્યું, ‘યુ આર નોટ અલોન…’ 

પરંતુ, માઈકલ સાથેના મારાં લગ્ન ટક્યાં નહીં. 1996માં અમારાં ડિવોર્સ થયાં.            

 (ક્રમશ:)

આ પણ વાંચો…કથા કોલાજ : અમે પ્રેમમાં પડીને લગ્ન કર્યાં ને સહમતીથી છૂટાછેડા લીધા

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button