ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: જિંદગીને પરફેક્ટ બનાવવી જરૂરી છે?

– શ્વેતા જોષી-અંતાણી
અનુશ્રી સમજણ ઉગે એ પહેલા જ શીખી ગયેલી કે ચોકસાઈ કોને કહેવાય. પ્લે સ્કૂલમાં પેન પકડતાંવેંત એ બીજા બાળકોની જેમ આડાંઅવળાં લીટોડીયા તાણવાને બદલે સીધી લીટી પાડતી. ત્યારે ટીચર ખુશખુશાલ ચહેરે એને વ્હાલી કરતાં. પહેલા ધોરણમાં પગ મુકતાંવેંત એના સુંદર અને મરોડદાર અક્ષરો થકી એ શિક્ષકોની પ્રિય બની બેસેલી. પેરેન્ટ્સ- ટીચર મીટિગ્સમાં એના ભરપૂર વખાણ થતાં. પાંચમાં ધોરણે પહોંચતા સુધીમાં તો એ શીખી ગયેલી કે શું કરવાથી પોતે હંમેશાં મમ્મી-પપ્પા અને ટીચર્સની ગુડ બૂકમાં રહેશે.
એની નોટબૂક્સ હંમેશાં ચોખ્ખી રહેતી અને સ્કુલ બેગ ગોઠવાયેલી. વ્યવસ્થિત ઓળેલા વાળ, ઈસ્ત્રી ટાઈટ યુનિફોર્મ, પોલિશ કરેલા શૂઝ. અનુશ્રીને જોતાં જ એનામાંથી ચોખ્ખાઈ અને ચોકસાઈ ઝળકવાં લાગતાં.
પરીક્ષામાં નીટ એન્ડ ક્લિન આન્સરશીટ જોઈ અનુશ્રી પર શિક્ષકો વારી ઉઠતાં. ધીરે-ધીરે સ્કૂલમાં એનાં ઉદાહરણ અપાવા લાગ્યાં .
અનુશ્રીના નામે પરફેક્ટ ગર્લ’ નો સિક્કો લાગી ગયો. એનું એક સ્ટાન્ડર્ડ બંધાય ગયું. આઠમાં ધોરણમાં પહોંચતા સુધીમાં તો અનુશ્રી બધે છવાઈ ગઈ… નોટીસ બોર્ડ પર એના અક્ષરો હોય ને ક્લાસરૂમની બહાર ડ્રોઈંગ્સ. નોટબૂક્સ સ્ટાફરૂમમાં સચવાયેલી હોય અને ઓફિસવર્ક માટે અનુશ્રી ટીચર્સરૂમમાં. ક્લાસ મોનિટર બનાવવાની વાત આવે કે સ્કૂલમાં ડિસિપ્લિન કેપ્ટન. બધાં એનું નામ આગળ ધરી દેતાં. આસપડોશની આન્ટીઓ એમના સંતાનોને કહેતી રહેતી કે,તમે લોકો કેમ અનુશ્રી જેવા નથી બની શકતાં?!’ મમ્મી-પપ્પા આવું સાંભળી એના પર ઓવારી જતાં. ધીમે ધીમે અનુશ્રીને લાગ્યું કે જો એણે દરેકને ખુશ રાખવા હશે તો પરફેક્ટ બની રહ્યાં વગર નહીં ચાલે.
આ પણ વાંચો: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ સજાથી મળે સર્વોતમ શીખ…
એક રીતે અનુશ્રી આ બધામાં મોટપ અનુભવતી. નાનપણથી મળતી શાબાશી, પ્રશંસા, અગત્યતા, શિક્ષકોનું એના તરફનું નરમ વલણ, તરફેણ અને ફેવરિટીઝમ અનુશ્રી સતત જાળવી રાખવા માગતી હતી. એટલે હવે ક્યાંયપણ ચૂક રહે એ પોસાય એમ નહોતું.
આ વાતે એ જાતને એક દાયરામાં બાંધવા લાગી. અક્ષરો સારા જ કરવા પડે, ઝડપથી કરીએ તો કામ બગડી જાય, બેગ રાત્રે ગોઠવવી પડે, સ્કૂલ ડે્રસ રોજ ઈસ્ત્રી કરવો પડે. આવા નાનાં નાનાં અગણિત કામ એ સતત કર્યા જ કરતી. એની પાસે બધું ચોખ્ખું, વ્યવસ્થિત રાખ્યા સિવાય જાણે કોઈ ટાસ્ક નહોતું, કોઈ સ્વપન નહોતું. કોઈ ધ્યેય નહીં, કોઈ ખેવના નહીં. ધીમે-ધીમે આ સતત પરફેક્ટ રહેવાની આદત બોજ બનવા લાગી. દેખીતી રીતે અતિ રૂપકડી લાગતી આ ટેવ અનુશ્રીને એક ખતરનાક લૂપમાં ફસાવી દીધેલી …
અનુશ્રી માટે હવે આ કોઈ સામાન્ય આદત ના રહેતાં, સર્વાઈવલ મેટર હતી. એની આસપાસના લોકોને લાગતું કે એને ચોક્કસ રહેવું ગમે છે. એની અંદર આવી જન્મજાત સ્કીલ છે. અહોભાવમાં આવી સહુ કોઈ એનાથી અંજાય જતાં, ઓવારણા લેતાં, ઓછાંવાનાં થતાં….પણ કોઈએ સ્વપ્નેય નહોતું વિચાર્યું કે આનો કોઈ બોજ પણ હોઈ શકે. એનો દિવસ સૂરજ ઉગતા પહેલા શરૂ થતો. એકને એક ચેપ્ટર વારંવાર રિવાઇઝ કરવું. નોટબૂકના એકેક પેજ સરખાં લાગે એ રીતે માર્જિન સેટ કરવાં. એક જ પ્રકારની પેન વાપરવી, ઘરથી બહાર નીકળતા પાંચેક વખત બેગમાં આઇડી કાર્ડ, વોટર બોટલ, ટીફીન બોક્સ સરખા મુકેલા છે કે નહીં એ જોતાં રહેવું. સ્કૂલમાં કોઈપણ વસ્તુ એની જગ્યાથી સહેજ આઘી પાછી થાય તો એ અકળાઈ ઉઠતી. સ્માર્ટ બોર્ડ પર લખતી વખતે એક સીધી લાઈન બનાવવા એ પાંચ વાર લખેલું ભૂંસી નાખતી. પ્લાસ્ટિક બેગને ધોઈ તડકે સુકવતી, બોટલના ઢાંકણને દસ વાર સાફ કરતી. આવું બધું એ હદે વધતું ચાલ્યું કે, એક વખતની પરફેકટ ગર્લને આજકાલ લોકો `ઓસીડી ક્વીન’ કહી બોલાવવાં લાગ્યાં.
આ પણ વાંચો: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ જિંદગી માગે છે જાતની સ્વીકૃતિ
અનુશ્રી ક્યારેય સામે જવાબ ના આપતી. ક્યારેય પોતાની જાતને એક્સપ્લેન ના કરતી. એ વધારે મહેનત કરતી ચોક્કસ રહેવાની.
એના મગજમાં એ માન્યતા દ્રઢ થઈ ચૂકેલી કે જો પોતે પરફેક્ટ રહેશે તો કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે….પણ અનુશ્રી ખોટી હતી.
એનું પરફેક્શન સ્પોટ લાઈટ બની ગયેલું. જરા અમસ્તી ગફલત ને લોકોનું ધ્યાન તુરંત એના તરફ ખેંચાતુ.
એક દિવસ કેમેસ્ટ્રીના પ્રેક્ટિકલ દરમિયાન એના રીડિગ મેચ ના થયાં. ટીચરે માન્યામાં ના આવે એ રીતે એની સામે જોયું. `અનુશ્રી ફરી ચેક કર જો… ‘.આ વાક્ય સાંભળી એના ક્લાસમેટ્સને નવાઈ લાગી. અમુક અંદરોઅંદર હસવા લાગ્યા. અનુશ્રીની આંગળીઓ ધ્રુજી ઉઠી. ફરીથી રીડિંગ લેતાં એને પરસેવા વળી ગયો. એવામાં કોઈએ પાછળથી કમેન્ટ મારી :
`અરે રોબોટ્સ પણ ક્યારેક માલફંક્શન કરે. આપણી પરફેક્ટ ગર્લ તો એને પણ આંટી જાય એમ છે…!’
બસ ત્યાં જ કંઈક એવું ખટક્યું કે વર્ષોથી સ્કૂલમાં શિસ્તની દેવી ગણાતી અનુશ્રી અચાનક વિફરી. `હું ખોટી ના હોઉં… આ એક્સપરિમેન્ટ જ ખોટો છે !’ એનો અવાજ પરફેક્ટ રહેવાની તમામ તાકાતને ભેદતો ગાજી ઉઠ્યો.
ટીચરે અવિશ્વાસ સાથે એની સામે જોયું. કંઈ જ વિચાર્યા વગર અનુશ્રી પ્રેક્ટિકલ ફાઇલ બંધ કરી, જોરથી દરવાજો પછાડતી બહાર નીકળી ગઈ. પાછળ લેબમાં માત્ર હેબતાઈ ગયેલો આખો ક્લાસ અને અપમાનની ભાવનાથી સળગી ઉઠેલા કેમેસ્ટ્રીના શિક્ષક જ નહોતા રહી ગયા. સાથોસાથ `પરફેકટ ગર્લ’નું ટેગ ઓસિડીનો હાથ ઝાલી લબડી પડેલું.



