વાહ વૈષ્ણવી વાહ! કારકિર્દીની પહેલી જ સિરીઝમાં પોતાના આદર્શ સમાન હરમનપ્રીત અને સ્મૃતિને પોતાની પ્રશંસક બનાવી દીધી

સ્પોર્ટ્સવુમન – સાશા
હરમનપ્રીત – વૈષ્ણવી
માત્ર એક પખવાડિયામાં જિંદગી કેવી બદલાઈ જતી હોય છે. વૈષ્ણવી શર્મા સાથે આવું જ બન્યું. તાજેતરમાં ભારતની મહિલા ક્રિકેટ ટીમ શ્રીલંકા સામે પાંચ ટી-20ની જે સિરીઝ રમી હતી એમાં વિશાખાપટનમમાં શ્રેણીના આરંભ પહેલાં કૅપ્ટન હરમનપ્રીત કૌરે 20 વર્ષીય વૈષ્ણવીને ઇન્ડિયા કૅપ ભેટ આપી તો દરેકના મનમાં એક જ સવાલ હતો કે કોણ છે આ વૈષ્ણવી? તે શેમાં નિપુણ છે? ત્યાર બાદ પંદર જ દિવસમાં બધાને જવાબ મળી ગયો. શ્રીલંકાનો 5-0થી વાઇટવૉશ કરવામાં લેફ્ટ-આર્મ સ્પિનર વૈષ્ણવીની અતિ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હતી અને તેણે પોતાની કલા તથા પ્રતિભાથી સૌને પ્રભાવિત અને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વૈષ્ણવીને જ્યારે ઇન્ડિયા કૅપ મળી ત્યારે તે ખૂબ જ ઉત્સાહિત હતી. તેને પોતાની આદર્શ ખેલાડીઓ હરમનપ્રીત કૌર તથા સ્મૃતિ મંધાનાને નજીકથી જોવાનો અને તેમની સાથે વાતચીત કરવાનો અવસર મળી રહ્યો હતો. જોકે તેને એ ખબર નહીં હોય કે તે પોતાના પર્ફોર્મન્સથી પોતાના જ આઇડલ્સને પોતાની પ્રશંસક બનાવી લેશે. ખુદ વૈષ્ણવીને જાણ નહોતી કે તેણે જે સપનાં જોયા હતા એ આટલા જલદી સાકાર થશે. વૈષ્ણવીએ સ્પૉટલાઇટમાં આવતાં જ સૌને પ્રભાવિત કરી દીધા હતા. કરીઅરની પ્રથમ આંતરરાષ્ટ્રીય મૅચમાં તો તેને 16 રનમાં વિકેટ નહોતી મળી, પણ બે જ દિવસ બાદ બીજી મૅચમાં તેણે 32 રનમાં બે વિકેટ લીધી હતી. ફરી ત્રીજી મૅચમાં તે વિકેટ વિનાની રહી હતી, પણ ચોથી મૅચમાં ફરી તેણે બે વિકેટ મેળવી હતી. સિરીઝમાં તેણે કુલ પાંચ વિકેટ લઈને પોતાના માટે અને ટીમ માટે સિરીઝને યાદગાર બનાવી દીધી હતી. તેણે શ્રીલંકાની બૅટર્સને ભ્રમમાં મૂકી દેતી ગતિથી બૉલ ફેંક્યા હતા, તેણે બૉલ સરેરાશ કલાકે 80 કિલોમીટરની ઝડપે ફેંક્યા હતા. તે મોટા ભાગના બૉલમાં શાર્પ ટર્ન મેળવી શકી હતી અને તેની લાઇન ઍન્ડ લેન્ગ્થ પણ સચોટ હતી. તેણે લગભગ બધી મૅચોમાં શ્રીલંકન બૅટર્સને ક્રીઝમાં જમાવટ નહોતી કરવા દીધી. તેને ભલે કરીઅરની પ્રથમ મૅચમાં વિકેટ નહોતી મળી, પણ તેની ક્ષમતાથી સૌ કોઈ પરિચિત થઈ ગયું હતું.
વૈષ્ણવીનો જન્મ 2005માં મધ્ય પ્રદેશના ગ્વાલિયરમાં થયો હતો. તેના પિતા નરેન્દ્ર શર્મા સરકારી કર્મચારી છે. વૈષ્ણવીનો મોટો ભાઈ એન્જિનિયર છે. વૈષ્ણવી પાંચ વર્ષની હતી ત્યારથી જ તેણે ક્રિકેટની તાલીમ લેતી હતી.
વૈષ્ણવીએ તાજેતરમાં શ્રીલંકા સામે પાંચ મૅચમાં પાંચ વિકેટ 6.26ના ઇકોનોમી રેટ સાથે લીધી અને મહિલાઓની ટી-20 જેવા બૅટર્સ ફૉર્મેટમાં આ રેટ બહુ સારો ગણાય છે. ભારતના ભૂતપૂર્વ સ્પિનર નૌશીન અલ ખદીર, જેમણે વૈષ્ણવીની કરીઅરને ખૂબ નજીકથી ફૉલો કરી છે, તેમણે તેની પ્રતિભાની પ્રશંસા કરતા કહ્યું છે, `મેં વૈષ્ણવીની પ્રગતિ ખૂબ નજીકથી ફૉલો કરી છે. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં તો સારું પર્ફોર્મ કર્યું જ હતું, અન્ડર-19 વિશ્વ કપમાં તેણે હૅટ-ટ્રિક લેવા સહિત સૌથી વધુ વિકેટો પણ લીધી હતી. તે ભારત વતી હૅટ-ટ્રિક લેનાર પ્રથમ બોલર બની હતી. ત્યાર બાદ તે ચૅલેન્જર ટૂર્નામેન્ટમાં તેમ જ ડોમેસ્ટિક ટી-20માં પણ સારું રમી હતી. આ જ કારણોસર મને તેના શ્રીલંકા સામેના આ મહિનાના પર્ફોર્મન્સથી કોઈ આશ્ચર્ય નથી થયું.’
ભારતને કોચ તરીકે બે અન્ડર-19 વર્લ્ડ કપ ટ્રોફી અપાવનાર નૌશીને ઇન્ટરવ્યૂમાં એવું પણ કહ્યું છે કે `વૈષ્ણવી સાવ અલગ પ્રકારની લેફ્ટ-આર્મ સ્પિનર છે. તે મૅચના પ્રવાહને બહુ સારી રીતે સમજી લે છે. પાવરપ્લેમાં, મિડલ ઓવર્સમાં તેમ જ ડેથ ઓવર્સમાં કેવી બોલિંગ કરવી જોઈએ એની તેનામાં બહુ સારી સમજ છે. તે ગેમના તબક્કા મુજબ લેન્ગ્થ બદલતી રહે છે. તેની જેમ ભારતની બીજી ઊભરતી લેફ્ટ-આર્મ સ્પિનર્સ પરુણિકા સિસોદિયા, સોનમ યાદવ, સુચી ઉપાધ્યાય અને મન્નત કશ્યપની બોલિંગ એકબીજાંથી ભિન્ન છે.’
શ્રીલંકા સામેની સિરીઝમાં વૈષ્ણવીએ ટીમની મુખ્ય સ્પિનર દીપ્તિ શર્મા જેટલી જ વિકેટો લીધી હતી. નવાઈ એ વાતની છે કે ડબ્લ્યૂપીએલની લિલામીમાં 10 લાખ રૂપિયાની મામૂલી મૂળ કિંમત છતાં વૈષ્ણવીને કોઈ ટીમને નહોતી મેળવી. જોકે નૌશીન કહે છે, `ઑક્શનમાં વૈષ્ણવીને એક પણ ટીમને નહોતી મેળવી એ મારા માટે શૉકિંગ જાણકારી હતી. એમ છતાં તેની અથાક મહેનત રંગ લાવી હતી અને તેને ઇન્ડિયા કૅપ મળી હતી.’
ભારતની મહિલા ટીમને તાજેતરમાં વર્લ્ડ કપ ટ્રોફી અપાવનાર હેડ-કોચ અમોલ મુઝુમદારે પણ વૈષ્ણવી શર્માની ભરપૂર પ્રશંસા કરી છે. અમોલે કહ્યું, `અમે વૈષ્ણવીને જે કરવા કહ્યું એ તેણે બહુ સારી રીતે પાર પાડ્યું. તેણે અન્ડર-19 અને ડોમેસ્ટિક ક્રિકેટમાં જે પર્ફોર્મ કર્યું એનું તેને ઇન્ડિયા કૅપના રૂપમાં ઇનામ મળ્યું છે. સિલેક્ટર્સની પણ પ્રશંસા થવી જોઈએ કે તેઓ ડોમેસ્ટિક ક્રિકેટને સમર્થન આપી રહ્યા છે.’
ભારતની હવે પછીની મહિલા સિરીઝ ઑસ્ટે્રલિયા સામે રમાશે જે માટેની ટીમમાં પોતાની જગ્યા પાક્કી કરવાનો વૈષ્ણવીને સારો મોકો મળશે.
આપણ વાંચો: મારી પાસે રાજનીતિક વારસો હતો



