લાડકી

મારી પાસે રાજનીતિક વારસો હતો

કથા કોલાજ: કાજલ ઓઝા-વૈદ્ય

શેખ હસીના વાઝેદ
(ભાગ: 2)
નામ: શેખ હસીના વાઝેદ
સમય: 2025
સ્થળ: અજ્ઞાત સ્થળ, દિલ્હી, ભારત
ઉંમર: 78 વર્ષ

15 ઓગસ્ટ, 1975ની એ રાત. કુલ મળીને 20 લોકો અમારા ધાનમંડીના ઘરમાં દાખલ થયા. એક એક રૂમમાં ઘૂસીને એમણે અમારા આખા પરિવારને મારી નાખ્યો. સત્તા પરિવર્તનના આ સૈન્ય ઓપરેશન પછી રાજનૈતિક પરિવર્તનની તૈયારી શરૂ થઈ. અનેક રાજનીતિક નેતાઓને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા. સવારે સાડા પાંચથી સાડા છ દરમિયાન થયેલા આ નરસંહારમાં શેખ મુજીબુર રહેમાન, એમની પત્ની, દીકરાઓ, પુત્રવધૂઓ અને પૌત્રોને પણ મારી નાખવામાં આવ્યા… આ એવો ભયાનક આઘાત હતો જેનાથી ઢાકામાં કરફ્યુ જેવો માહોલ થઈ ગયો હતો. સાડા સાત વાગ્યે પહેલું રેડિયો પ્રસારણ કરવામાં આવ્યું જેમાં કહેવામાં આવ્યું નવું શાસન સ્થાપિત થઈ ચૂક્યું છે. મારા પિતાના સમર્થક અફસરોને હટાવી દેવામાં આવ્યા. ખોંદકર મુશ્તાક અહેમદને રાષ્ટ્રપતિ ઘોષિત કરવામાં આવ્યા. વારંવાર આપવામાં આવતા રેડિયો સંદેશમાં ક્યાંય મારા પિતાનું નામ પણ લેવામાં આવ્યું નહીં… 1975ના આ વર્ષ પછી મેં પહેલીવાર ભારતનો આશરો માંગ્યો. હું બીજે ક્યાંય જઈ શકું એમ હતી જ નહીં. કેટલાંય વર્ષો સુધી મેં કોઈ રાજનૈતિક પ્રવૃત્તિઓનો વિચાર પણ નથી કર્યો. શરૂઆતના વર્ષોમાં તો ફક્ત ટકી જવાનો પ્રયાસ જ એટલો ભયાનક હતો કે, હું બીજું કંઈ વિચારી શકું એમ હતી જ નહીં. મારી એક બહેનને છોડીને મારો આખો પરિવાર નષ્ટ થઈ ગયો હતો. મારા જીવ ઉપર પણ જોખમ હતું જ. હું એ ઘટના વિશે કંઈ પણ ઉચ્ચારું કે જાણતી હોવા છતાં હત્યારાઓના નામ જાહેર કરું તો ભારત આવીને પણ મને મારી નાખવામાં એમને સહેજેય વાર લાગે એમ નહોતી. 1975થી 1981 સુધી હું સાવ ગુમનામીમાં જીવતી રહી. એક પછી એક ઘર બદલ્યા અને સતત ભારતની સુરક્ષાના કવચ હેઠળ મેં મારી જાતને જીવિત રાખવાનો પ્રયાસ કર્યો. 1981માં અવામી લીગના કેટલાક નેતાઓએ મારો સંપર્ક કર્યો.

હું માનસિક રીતે બિલકુલ તૈયાર નહોતી, પણ અવામી લીગના નેતાઓનું કહેવું હતું કે, હું આખી જિંદગી ભારતમાં નહીં રહી શકું. વાત તો સાચી જ હતી! મારા પિતાના હત્યારાઓને સજા અપાવવા અને મારા પિતાની આવી કરપીણ હત્યાનો ન્યાય માગવા મારે બાંગ્લાદેશ પાછા જવું જ જોઈએ એ વાત સાથે હું સહમત થઈ. મારી પાસે રાજનીતિક વારસો હતો પણ બાંગ્લાદેશની રાજનીતિ કે રાજનીતિક ઊથલપાથલો વિશે મારી પાસે એવું કોઈ તૈયાર બેકગ્રાઉન્ડ નહોતું. 1975થી 1981 સુધી હું સાવ ચૂપ રહી હતી. મેં બદલો લેવાની કોઈ તૈયારી કરી હોય કે સતત બાંગ્લાદેશ પાછા ફરવા માટે ધીમે ધીમે લોકોને એકત્ર કર્યા હોય, એવું કંઈ મેં કર્યું નહોતું. હું અચકાતી હતી, સાચું કહું તો ડરતી હતી! મૃત્યુનો ભય ન હોય તો પણ મને એવો ભય લાગતો હતો કે, મારા પિતાના વિરોધીઓ મને બાંગ્લાદેશમાં શાંતિથી જીવવા નહીં દે, પરંતુ એ વખતે ઇન્દિરા ગાંધી 1981માં ભારતના વડાં પ્રધાન હતા. જાન્યુઆરી 1980 થી ઓક્ટોબર 1984માં તેમની હત્યા સુધી તેમનો ચોથો કાર્યકાળ ચાલતો હતો. એમણે મને સધિયારો આપ્યો. એમની મદદ અને હિંમતથી મેં બાંગ્લાદેશ પાછા ફરવાનું નક્કી કર્યું. અવામી લીગના નેતાઓ સાથે ઈન્દિરાજીએ બેઠક કરી અને સલાહ આપી કે, મને પોલિટિકલ શેલ્ટર મળવું જોઈએ. આવામી લીગના નેતાઓએ મને પક્ષની પ્રમુખ બનાવી. પાછા લાવવાની તૈયારી શરૂ કરી. 17 મે, 1981ના દિવસે ઢાકા એરપોર્ટ પર લાખો સમર્થકોએ મારું સ્વાગત કર્યું. અવામી લીગના પક્ષ પ્રમુખ તરીકે બાંગ્લાદેશ પાછા ફરીને લગભગ ડૂબી ગયેલી પાર્ટી અવામી લીગને ફરીથી બેઠી કરવાની પ્રવૃત્તિ મેં શરૂ કરી. આ પુન: આગમન ફક્ત મારે માટે જ નહીં, બાંગ્લાદેશના ઈતિહાસમાં પણ એક નવું પૃષ્ઠ ઉમેરવાની શરૂઆત હતી…

આ બરાબર એવી જ વાત હતી. જેવું મારા પિતાએ 1970માં પાકિસ્તાની પીપલ્સ પાર્ટીને હરાવીને અવામી લીગની 167 સીટ સાથે જીત હાંસલ કરી હતી. 1970ની એ ચૂંટણી આખા પાકિસ્તાન માટે એક નવો સંદેશ લઈને આવી હતી, પરંતુ સૈન્ય શાસક યાહ્યા ખાને સત્તા સોંપવાનો ઈનકાર કર્યો. અવામી લીગના સિક્સ પોઈન્ટ પ્રોગ્રામને અસ્વીકાર કર્યો અને એ વખતે ઝુલ્ફીકાર અલી ભુટ્ટો સાથે વાટાઘાટો કરવાના પૂરા પ્રયાસ છતાં યાહ્યા ખાને એ વાટાઘાટો સફળ થવા દીધી નહીં. મારા પિતાના સમર્થક, વિદ્યાર્થીઓ, બુદ્ધિજીવો અને રાજનીતિક નેતાઓને નિશાન બનાવીને સૌ પર અત્યાચાર કરવામાં આવ્યા. 1971નું એ પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલું ઓપરેશન સર્ચલાઈટ જનસંહાર હતો. 30 લાખ લોકોને મારી નાખવામાં આવ્યા, જેમાં હિન્દુ અને મુસલમાન બંને હતા. મારા પિતાએ આ નરસંહારનો વિરોધ કર્યો અને પહેલી વખત અલગ વિસ્તારની માગણી કરી હતી જેમાં એમણે પૂર્વ પાકિસ્તાનને અલગ ઓળખ અને બાંગ્લા મુસલમાનોને થતો અન્યાય અટકાવવાની માગ મૂકી. આમ તો પૂર્વ પાકિસ્તાનની અધિકાંશ જનતા મુસલમાન હતી, પાકિસ્તાન મુસ્લિમ શાસક અને ધર્મનો દેશ છે તો પછી અત્યાચાર કેમ કરવામાં આવ્યો, આ સવાલ વિશ્વના ઘણા દેશોને થયો… પાકિસ્તાની સત્તા માનતી હતી કે ઈસ્લામ આપણને જોડે છે. ભાષા અને સંસ્કૃતિ અલગ હોવાને કારણે આપણે એક નથી થઈ શકતા. બાંગ્લાદેશી લોકો પોતાની જાતને પહેલાં પણ બંગાળી માનતા હતા. એમનું ભોજન, રહેનસહેન અને જીવન જુદું હતું. એ ઉપરાંત પાકિસ્તાનના પશ્ચિમી નેતૃત્વને કારણે ઉર્દૂને એક માત્ર રાષ્ટ્રભાષા ઘોષિત કરવામાં આવી. જૂટ અને દરિયાઈ ઉત્પાદનો પૂર્વ પાકિસ્તાનના મહેનતુ મજૂરોને કારણે મળતા, પરંતુ એનો ફાયદો પશ્ચિમી પાકિસ્તાનમાં ચાલી જતો. મારા પિતા બંગાળી હતા. એમણે ધર્મ નહીં, ભાષા અને સંસ્કૃતિના ધોરણ પર એક અલગ ઓળખની માગ કરી હતી. એમણે 7 માર્ચ, 1971માં ઢાકાના રેસકોર્સ મેદાનમાં ભાષણ કર્યું. એમણે કહ્યું, `આ સંઘર્ષ આપણી મુક્તિ અને સ્વતંત્રતા માટેનો સંઘર્ષ છે. સંઘર્ષ વિના આજ સુધી કોઈ મુક્તિ મળી નથી. સ્વતંત્રતા આપણા હાથમાં મૂકવામાં નહીં આવે. આપણે એને છીનવવી પડશે.’ એ વખતે ઉશ્કેરાયેલા લોકો અને ઢાકા વિશ્વવિદ્યાલયના છાત્રોએ સાથે મળીને બાંગ્લાદેશ મુક્તિ સંગ્રામની શરૂઆત કરી. 25 માર્ચ, મોડી રાત્રે સૈન્ય ઢાકામાં દાખલ થયું. મારા પિતાને ગિરફ્તાર કરી લેવામાં આવ્યા, એમને પશ્ચિમી પાકિસ્તાન લઈ જવામાં આવ્યા.

એક મુસ્લિમ સત્તાએ એની જ મુસ્લિમ જનતાને આવી બેરહેમીથી કતલ કર્યું હોય એવું કદાચ પહેલીવાર બન્યું હતું. આ ધાર્મિક લડાઈ નહોતી, રાજકીય અને સત્તા પલટાની તીવ્ર માગ હતી. મારા પિતાની ગિરફ્તારી પછી પણ યાહ્યા ખાન અને એના સૈન્યનું દમન અટક્યું નહીં. ભારતે એમને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્રીજી ડિસેમ્બર, 1971ના દિવસે ભારતના પશ્ચિમી હવાઈ એરપોર્ટ્સ પર હુમલો કરીને પાકિસ્તાને યુદ્ધ માટે મજબૂર કર્યા. ઈન્દિરા ગાંધી એ વખતે પણ વડાં પ્રધાન હતા. એમણે યુધ્ધનો પડકાર સ્વીકાર કર્યો. ભારતીય સેનાએ જબરજસ્ત અને નિર્ણાયક હુમલો કરીને પૂર્વી પાકિસ્તાનને દમનમાંથી ઉગારી લીધું. ફક્ત 13 દિવસમાં યુદ્ધનો નિર્ણય આવી ગયો અને 93 હજાર પાકિસ્તાની સૈનિકોએ સમર્પણ કરવું પડ્યું. ઈન્દિરા ગાંધીએ રશિયાની મદદ માંગી. પાકિસ્તાન પાસે અમેરિકાના હથિયાર અને મદદ હતા, પરંતુ ઈન્દિરાજીએ યુએનને સંદેશો મોકલીને કહ્યું, `અમે યુદ્ધ ઈચ્છતા નથી. થઈ રહેલા નરસંહારને રોકવા સિવાય અમારો કોઈ ઉદ્દેશ નથી. પાકિસ્તાનને અપમાનિત કરવા માટેનું આ યુધ્ધ નથી. પૂર્વી પાકિસ્તાનના મુસલમાનોને જીવવાનો અધિકાર છે, ભારત એમની મદદ કરવા માગે છે.’ જનરલ સેમ માણેકશોએ સેનાને પૂરી તૈયારીનો સમય આપ્યો. ઈન્દિરાજીની ઉતાવળ છતાં એમણે પાકિસ્તાનને પહેલો હુમલો કરવા દીધો. એ વખતે પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી અને જનરલ માણેકશો વચ્ચે થયેલા સંવાદ પછીથી અનેક પુસ્તકોમાં અને સિનેમામાં પણ પ્રસિદ્ધ થયો. ઈન્દિરા ગાંધીએ પૂછ્યું હતું, જનરલ, શું આપણી સેના અત્યારે પાકિસ્તાન સામે યુદ્ધ માટે તૈયાર છે?” સેમ માણેકશોએ સ્પષ્ટ કહ્યું, “મેડમ, જો તમને મારી પાસેથી પ્રામાણિક જવાબ જોઈતો હોય, તો ના.” રૂમમાં મૌન છવાઈ ગયું. માણેકશોએ આગળ કહ્યું, “જો તમે મને આજે યુદ્ધમાં જવાનો આદેશ આપો, હું લડી શકું છું પણ હું જીતની ગેરંટી આપી શકતો નથી.” એમણે કારણો સમજાવ્યા, ચોમાસું આવવાનું છે, પર્વતીય અને નદી કિનારાના વિસ્તારોમાં હિલચાલ મુશ્કેલ છે, એમની સેના સંપૂર્ણપણે તૈનાત છે અને આપણી લોજિસ્ટિક્સ અધૂરી છે, આંતરરાષ્ટ્રીય વાતાવરણ અત્યારે યુધ્ધ માટે તૈયાર નથી. ઇન્દિરા ગાંધીએ પૂછ્યું, જનરલ, તમને કેટલો સમય જોઈએ છે? સેમ માણેકશોએ કહ્યું, મને છ કે સાત મહિના આપો. પછી હું તમને વિજયની ખાતરી આપીશ. એ પછી પાકિસ્તાનને પહેલો હુમલો કરવાની તક આપવામાં આવી… ભારતે વળતો જવાબ આપીને યુનાઈટેડ નેશન્સમાં પોતાની પરિસ્થિતિ સ્પષ્ટ કરી એટલું જ નહીં, બલ્કે પૂરી તૈયારી સાથે હુમલો કરીને 13 દિવસમાં યુદ્ધ જીતી લીધું.

પૂર્વ પાકિસ્તાન છૂટું પડ્યું અને બાંગ્લાદેશ તરીકે અલગ દેશનું નિર્માણ થયું… મારા પિતા શેખ મુજીબુર રહેમાન બાંગ્લાદેશના પહેલાં પ્રધાનમંત્રી બન્યા ત્યારે હું 24 વર્ષની હતી. (ક્રમશ:)

આપણ વાંચો:  લાફ્ટર આફ્ટર: વાસી ઉતરાણ આવી પણ હોય…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button