ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ નિર્દય પ્રામાણિકતાથી પ્રામાણિકભર્યાં પાણી | મુંબઈ સમાચાર
લાડકી

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ નિર્દય પ્રામાણિકતાથી પ્રામાણિકભર્યાં પાણી

શ્વેતા જોષી-અંતાણી

વેદા શર્મા. સ્કૂલમાં એ પોતાની ‘brutly honest’ એટલેકે, ક્રૂરતાભરી પ્રામાણિકતા માટે જાણીતી હતી. મનમાં આવે એ બધું કોઈ પણ પ્રકારના ફિલ્ટર વગર બહાર ઓકાતું રહેતું. સત્તર વર્ષની એ તરવરાટભરી ટીન ગર્લ આવી નિર્દયતાથી છલકાતી જાતને પોતાની આગવી લાક્ષણિકતા માનતી. એ માનતી કે પોતાની પાસે છે એવી પ્રામાણિકતા બહુ ઓછા લોકોમાં હોય અને માટે જ એ કિમતી છે એવું સજ્જડપણે એના મગજમાં ઠસી ગયેલું લોકો એને બોલ્ડ-મુફ્ફટ્-આખાબોલી જેવા શબ્દ વડે નવાજતા.

વેદા માટે તો એ બધા ઉપનામો કોમ્પ્લિમેન્ટ સમાન હતા. એ ક્યારેય સમજી ના શકતી કે શા માટે લોકો હંમેશાં સુગર કોટેડ શબ્દોમાં એકબીજાનાં ખોટાં વખાણ કરતાં ફરે છે. વિચ’ જેવી લાગતી પ્રિશાને શા માટેપરી’ કહેવાની. જેને જોઈને રાત્રે ડરી જવાય એવી જેનિષાને શા માટે આઈ ડ્રીમ ઓફ જીની’ જેવી ફિલિંગ આપવાની? કોઈની સાવ ભંગાર પેઈન્ટિંગ પરવાઉ’ બોલતાં, કોઈનાં જોડકણાંઓની વાહવાહી કરતાં લોકો વેદાની સમજ બહાર હતા.

એની બેસ્ટ ફ્રેન્ડ મહેર, અનેકોવાર એને પ્રેમથી ચેતવતી: વેદા, લોકોને સાચું કહેવાની એક રીત હોય. સામેવાળાની લાગણીઓ હર્ટ ના થાય એ રીતે એને સત્યનો આયનો બતાવવો જોઈએ. દરેક વખતે મન ફાવે એવા શબ્દો ના બોલી નખાય, પણ વેદા જેનું નામ. એ સામે કટાક્ષભર્યું સ્મિત કરી કહેતી, દંભી અને જૂઠ્ઠા લોકો આ જ રીતે વર્તે, મહેર. હું રિયલ છું- એકદમ સાચી. એ વાત પર મને ગર્વ છે. લોકોએ મારી પ્રામાણિકતાને સહી જતાં શીખવું પડશે.

બસ, આમ વેદા પોતાની ઈમેજ પર કાયમ રહી. ક્રૂરતાભરી પ્રામાણિક-ઈરાદાપૂર્વકની કઠોર. માત્ર શબ્દોથી અંતરને વાઢી નાખતી એક છોકરી. જોકે, એક દિવસ સ્કૂલમાં અણધારી ઘટના બની. સોમવારની સવાર, વેદા વીકએન્ડની મજા પછી એકદમ એનર્જેટિક. ક્લાસમાં એની નજર રિયા પર પડી. એના લાંબા, સિલ્કી વાળ એકદમ નાના બોબકટમાં ફેરવાઈ ચૂકેલા.

ઓય, રિયા તું તો એકદમ મશરૂમ જેવી લાગે છે.’ સાંભળી ક્લાસ આખો ખીખીયાટા કરવાં લાગ્યો. રિયા ચૂપચાપ પોતાની જગ્યા પર બેસી ગઈ. મહેરે એને ટપારી.શું જરૂર હતી આવું કહેવાની?’ અરે, હું ખોટું નથી બોલતી. સાચું તો કહ્યું.’ મહેર મોં બગાડતાં બોલી,પણ તે વિચાર્યું નહીં કે, તારા આ સાચાં-ખોટાંની અસર રિયા પર કેવી પડશે?

વેદાએ ખભ્ભા ઉલાળતાં કહ્યું, લોકોએ હિંમતવાળા થતા શીખવું પડે. સાચું સાંભળવાની તૈયારી રાખવી પડે. સમજી?' આમને આમ પ્રસંગો બનતા ગયાં અને વેદાબેન પ્રામાણિકતાના ઝંડા ફરકાવતાં રહ્યાં. અન્યો મોં બગાડી બેસી રહે કે સામે જીભાજોડી કરે. વેદાનો એક જ તકિયા કલામ રહેતો:સાચું છે એટલે કીધું.’

અંતે `ભેંસ સામે શીંગડા ના ભરાવાય’ એ કહેવત મુજબ લોકો વર્તવા લાગ્યા. જોકે ચબરાક એવી વેદાએ અમુક સમય બાદ તુરંત નોટિસ કર્યું કે, હમણાંથી મિત્રો, સહાધ્યાયીઓ, પડોશીઓ એનાથી દૂર રહેવા લાગ્યા છે. લંચબ્રેકમાં ચર્ચા હોય કે અસાઈન્મેન્ટમાં મદદ. ગ્રૂપ પ્રોજેક્ટનું સિલેક્શન હોય કે વોલેન્ટિયર્સની વરણી. વેદા સાથે ટીમઅપ કરવા કોઈ તૈયાર થતું નહી. એની સામે કોઈ ચર્ચા કે દલીલ કરતું નહી.

આ પણ વાંચો….ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: કાલ્પનિક મૈત્રીની આભાસી દુનિયા…

એ જે બોલે એમાં હા એ હા કરી લોકો ચાલતી પકડતાં. બીજા તો ઠીક મહેરે પણ વેદાની આસપાસ ફરવાનું ઓછું કરી નાખેલું. હવે વેદાની વાતનો એ ભાગ્યે જ કોઈ વિરોધ કરતી. કારણ એ જાણતી હતી કે, સત્યના શોધક એવા વેદાબેનનો વિરોધ કરવો મતલબ પ્રમાણિકતા પર ભાષણ સાંભળવાની સંપૂર્ણ તૈયારી રાખવી.

આમને આમ તો કેટલા દિવસ ચાલશે… મનમાં મૂંઝાય મરવાનો સ્વભાવ તો વળી વેદાનો હતો નહીં એટલે એક દિવસ બપોરે પોતાની સાથે મહેરને ચૂપચાપ ચાલતી જોઈ વેદાએ હિંમત કરી.

`મહેર સાંભળ, કેમ બધાં મારી સાથે ઓછી વાત કરે છે. તું પણ કંઈ બોલતી નથી. મેં શું ખોટું કર્યું છે કે મારી સાથે આમ અછૂત જેવો વ્યવહાર કરવો પડે છે તમારે?’

જવાબમાં મહેરે એની આંખમાં આંખ પરોવી હળવેથી કહ્યું, `તું સમજી નથી રહી, વેદા. લોકો તારી પ્રામાણિકતાથી થાકી ગયા છે. તે દિવસે મશરૂમ કીધા પછી રિયા કલાકો સુધી વોશરૂમમાં બેસી રડી. પ્રિયાએ પોતાનો વીડિયો ડિલિટ કરી નાખ્યો કે જેમાં ગાયેલા ગીતને તેં મરશિયાં કીધેલા. અર્જુને દોરેલી ગાયને ગધેડો કહ્યો ત્યારથી એણે પીંછી ઉપાડી નથી. તને એવું લાગે છે કે તું સાચી છે. સત્ય બોલે છે, પણ તારું સત્ય અન્યોને દુ:ખી કરે છે એ તને નથી દેખાતું.

વેદાએ જાતને ડિફેન્સ કરવાની કોશીશ કરી: `યાર, મારો મતલબ એવો થોડો હોય છે?’

`એ જ તો પ્રોબ્લેમ છે, વેદા. પ્રમાણિકતાની આડ પાછળ છૂપાયેલો આખાબોલો સ્વભાવ તને નથી દેખાતો. તારુંને તારું સત્ય તને ભેરવી રહ્યું છે.’ કહી મહેર ત્યાંથી જતી રહી. પાછળ વેદા ક્યાંય સુધી એમ જ ઉભી હતી. પહેલી વખત પ્રામાણિકતાનાં પાણી એની આંખોને પલાળી રહ્યા.

આ પણ વાંચો….ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: હકીકત ને કલ્પના વચ્ચે છે કેટલું અંતર?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button