લાફ્ટર આફ્ટરઃ બેસણાનો ફોટો

પ્રજ્ઞા વશી
‘સાંભળો છો? મને જરા આ ફોટાની થપ્પીમાંથી મારો એક અતિ સુંદર ફોટો શોધી આપો ને. પ્લીઝ…’ સુનયનાએ પૂરા પ્રેમભર્યા સ્વરે એમના પતિદેવ હસમુખભાઈને કહ્યું
જીવનમાં ક્યારેય જેમણે હાસ્ય સાથે દોસ્તી કરી નહોતી એવા હસમુખભાઈએ ખાસ્સી એવી ફોટાની થપ્પી જોઈને કચવાતા સ્વરે કહ્યું, ‘આમાં માત્ર તારા જ ફોટા છે કે આખા ગામના ફોટા છે?’
‘એમાં તો માત્ર મારા જ ફોટા અને તે પણ માત્ર ફેસના, એટલે કે મારા સુંદર મુખના જ ફોટા છે.’
બે- ચાર ફોટા ઉથલાવ્યા પછી એ મનમાં જ બબડવા લાગ્યા:
‘આખું મોઢું કેમેરામાં ઘુસાડીને ફોટા પડાવે. એમાં પાછી ફાંગી આંખો, ગાલ ઉપર અમાસી તારલાઓની વણઝાર, નકલી પાંપણો-જાણે ડાકણની ઉધાર લીધી હોય એવી, નકલી વાળની બંને બાજુ લટકતી ફેણિયા સર્પ જેવી (કોબ્રા છાપ) લટો, રાણી છાપ સિક્કા જેવો મોટો લાલ ચાંદલો અને વધેલા ઘટેલા મિક્સ પાવડરના થપેડા અને બાકી રહ્યું તે ‘પાન ખાયે સૈયા હમારો’ ગાતી કોઈ ઝાહિદા બીબી જેવી લાલઘૂમ લિપસ્ટિક ને હોઠથી ઝરતા લાલ રેલા… બાપ રે! એક પણ ફોટો સારો નથી.’ પણ સત્ય ઉચ્ચારવા જતાં મહાભારત શરૂ થતાં વાર નહીં લાગે. (કાશ! મેં લગ્ન પહેલાં આ ફોટા જોયા હોત!)
છતાં હિંમત કરી હસમુખલાલે જીવનમાં પહેલીવાર હસતાં મુખે પૂછ્યું,
‘તું તારો એક અતિ સુંદર ફોટો કઢાવીને શું કરવાની છે?’
‘એ તો વાત એમ છે કે આપણા ઘરે કામ કરતાં મધુબહેન રોજ કહે છે કે તમે આવા મોટા લેખક છો તો એક ફોટો મોટો કરાવીને ડ્રોઇંગરૂમમાં બરાબર મહેમાન જુએ એમ લગાવો. એણે તો એમ પણ કહ્યું કે પેલો બોલપેન મોઢા પર મૂકીને વિચાર કરતાં બેઠાં છો એ ફોટો તમારાં જેવા મહાન લેખક માટે ચકાસ (ઝક્કસ!) લાગે. મહેમાન આવે તેવાં જ ચકાસ છે હોં! તમારા જેવાં મહાન લેખકને મુખમંડળ ઉપર આભા હોય એવા જ ફોટા સરસ લાગે. ઉપર આ પેનવાળી અદા તો વાહ…! સુભાન અલ્લાહ…! નર્મદ પછી આ પેનવાળી કરામત તમને જ શોભે હોં! અહાહાહા… મને તો મધુની વાતથી જાણે કે…’
ત્યાં તો સ્વપ્નમાં સરી પડેલી સુનયનાને ધરતી પર પછાડતાં હસમુખભાઈ બોલ્યા,
‘હે મારી રૂપસુંદરી! હવે ધરતી પર આવ. અને એમ પણ મધુ કહે તે ખરું. એટલે તું મધુને ગમે તેવો ફોટો જ પસંદ કરીને બરાબર ડ્રોઇંગરૂમની ભીંત જેવડો જ બનાવીને ચોંટાડી દે. જેથી ભીંત ઉપરના ઊખડી ગયેલાં પોપડા પણ ઢંકાઈ જશે. (પછી ભલેને ફોટામાં દેખાતા તારા ગાલના ખાડા ટેકરામાં પડી આખડીને મહેમાનો વહેલાં ઘર ભેગાં થતાં.)
‘તમારો અભિપ્રાય એમ પણ મારે જોઈતો નથી.’
‘હા, એ તો એમ પણ તું તારું ધારેલું જ કરવાની છે.’ (અડધે પહોંચ્યા પછી હવે રિવર્સ ગાડી લેવાતી નથી. બાકી તો…)
‘તો હવે એક વાત સાંભળી લ્યો. માત્ર ભીંત ઉપર નહીં, પણ મારાં મૃત્યુ પછી બેસણામાં મૂકવાનો ફોટો પણ સારી એવી ચમકતી ફ્રેમમાં મઢીને જ મૂકી જવાનું વિચાર્યું છે. મને વળાવતી વખતે પહેરવાનાં સાચી જરીના લાલ સેલા, બગસરાનો દુલ્હન સેટ, ઊંચી એડીના સેન્ડલ, પરફ્યુમ, મેકઅપ બોક્સ તેમજ મારી આખરી જાજમ પાથરેલી સિલ્કની ચાદરવાળી પથારી પણ તૈયારી કરીને મૂકી રાખવાનું વિચાર્યું છે.’ (આમીન! તમારી જવાની તારીખ પણ અગાઉથી કહી દો. તો અમે પણ પાર્ટીની તૈયારી રાખીએ ને. પણ ‘હસના મના હૈ’ એ વાત હસમુખભાઈ જાણતા ક્યાં નહોતા.)
બેસણામાં મૂકવાનો ફોટો તો હજારો લોકો જોવાના છે. એટલે એકદમ સરસ ફોટો જ પસંદ કરવો રહ્યો. આખરે ઘરમાં એક મીટિંગ કરીને બાળકોને પણ એમાં બેસાડ્યાં, જેથી થોડા આધુનિક વિચારો પણ જાણવા મળે. પોસ્ટકાર્ડ સાઇઝના બસો ફોટામાંથી દસ ફોટા કાઢવામાં આવ્યા. એ દસ ફોટા ઉપર બધાએ ચિંતન કરવાનું ચાલુ કર્યું. પણ દરેક ફોટામાંથી કોઈએ કંઈ ને કંઈ ખામી બતાવી. આખરે સુનયનાબહેને બોલપેનવાળો ફોટો જ પસંદ કર્યો.
ત્યાં મોટો દીકરો બોલ્યો, ‘મમ્મી, બોલપેનવાળા ફોટામાં તું ચાળીસ વર્ષની હતી અને હવે એંસી વર્ષની છે. માન કે તું સો વર્ષે ઉપર જાય, તો ત્યારે આવો ચાળીસ વર્ષવાળો ફોટો મૂકીને અમારે હાસ્યાસ્પદ નથી થવું.’
હસમુખભાઈ એમનું અનુમોદન આપવા જતા હતા, ત્યાં સુનયના તાડુકી
‘મને ખબર છે. તમને તો હું મારો સુંદર ફોટો મૂકું તેમાં રસ જ નથી. ..કારણ કે તમારા ફોટા મારા જેવા સુંદર પડતા જ નથી.’
ફરી સુનયના બોલી, ‘એ તો કાગડો દહીંથરું લઈ ગયો હતો.’
હસમુખભાઈને કહેવું હતું, ‘સુનયના નામ સાંભળીને પરણ્યો હતો. કાશ! મેં આખું મુખ ધારીને જોયું હોત.’ (પણ ભરી સભામાં ચીર ખેંચવાનું કામ… એટલે મહાભારત શરૂ!)
આખરે કમ્પ્યુટરમાં ગોલ્ડ મેડાલિસ્ટ એવા દીકરાએ સલાહ આપતાં કહ્યું,
‘હવે તો કમ્પ્યુટરમાં તારે તારો ચહેરો જેવો બનાવવો હોય એવો બની જાય. બોલ, આપણે બંને બેસીને બનાવીએ?’
ત્યાં હસમુખભાઈથી બોલી પડાયું.
‘મહેનત કરવા બેસવાના જ છો તો લગે હાથ ગાલ પરના ચંદ્ર જેવા ખાડાટેકરા સમથળ કરી નાખજો. સુરતના ચોમાસા પછીના રસ્તા જેવા રહેવા ના દેશો. અને હા, જરા આંખો એવી ડાર્ક કરી દેજો કે જેથી લેખિકા ક્યાં જુએ છે ને ક્યાં લખે છે એ ખબર જ ના પડે. પેલી સર્પસરીખી લટો એંસી વર્ષની માનુની ઉપર ન સારી લાગે. માટે એને ડિલીટ કરજો. અને હા, લગે હાથ હોઠ ઉપરથી દદળતા લાલ રંગના રેલા પણ સાફ કરી દેજો….બની શકે તો નકલી પાંપણો હટાવીને આંખને ઘુવડ બનતી અટકાવજો.’
‘હા… હા…એમ જ કહી દો ને કે ફોટાને એક ઘરડી, દબાયેલી, કચડાયેલી વૃદ્ધા જેવો બનાવી દેવો. એમ જ ને કે પછી બીજું કંઈ?’
‘ના ડાર્લિંગ, મારો ઇરાદો તો નેક છે. પણ તું ભરી સભામાં હાસ્યાસ્પદ…’
‘હા… હા, મને તો ખબર જ હતી કે મારું કામ એક જ વ્યક્તિ બગાડશે. પણ હું તો… તમે જોજો, મારું ધારેલું જ કરીશ. અને હા, એમ પણ મર્યા પછી કોઈ આપણું સારું બોલી બોલીને કેટલું બોલશે? ઘરે પહોંચીને તો પછી મારા વિશે થાય એટલી ટીકાઓ કરવાના જ છે. તો પછી ગભરાવાની શું જરૂર છે. ખરું ને? આપ મૂએ ફિર ડૂબ ગઈ દુનિયા!’
આ પણ વાંચો…લાફ્ટર આફ્ટરઃ ઘોડા જેવું થવામાં મજા પડે ખરી?



