ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ આવું સોનાનું પીંજરું કોને ગમે?

- શ્વેતા જોષી અંતાણી
આખી સ્કૂલમાં અફરાતફરી મચી ગયેલી, કારણ કે એ સ્કૂલમાં કોઈએ કલ્પના પણ ના કરી હોય એવી છોકરીએ નવું સવું એડમિશન લીધેલું. આજે પહેલો દિવસ હતો. એના આગમનની આતુરતાથી રાહ જોવાઈ રહેલી. પ્રિન્સિપાલથી લઈને પટાવાળા સુધી સહુ કોઈ સ્કૂલની શકલ ચમકાવી દેવા કટીબદ્ધ બન્યા હોય એવી તૈયારીઓ કરતાં હતા.
આજે તો વહેલું જ પહોંચી જવું એ વિચારે સ્ટુડન્ટ્સ પણ સમય કરતાં વહેલા આવી મેદાનમાં ઠેર-ઠેર ટોળે વળી ઊભેલાં. બરાબર સાત વીસના ટકોરે કોઈએ બાપ જન્મારામાં જોઈ ના હોય એવી મોટી, ચમકતી શોફર ડ્રિવન કાર મુખ્ય ગેટમાં પ્રવેશી. હાજર સહુની નજર એ તરફ મંડાય, અને શાળાના પ્રાંગણમાં સુમુખીના પગલાં થયાં.
ખરેખર એ હતી કોણ? શા માટે એ આવી મીડિયોકેર સ્કૂલમાં આવેલી? શા કારણે એ છોકરીને શિક્ષકો તો ઠીક, પ્રિન્સિપાલ દ્વારા પણ સખ્ત મહત્ત્વ આપવામાં આવતું. જેના પર્સનલ બોડીગાર્ડ પણ હતા એવી આ ટીનએજર વિશે જાણવા ચારેકોર ચચરાટી પ્રસરી ગઈ.
સુમુખી છે શહેરના નામાંકિત ઉદ્યોગપતિ તેમજ દેશના રાજકારણમાં આગવું સ્થાન ધરાવતા પ્રસિદ્ધ વ્યક્તિનું એકમાત્ર સંતાન. જેના માથે પિતાની ઈમેજ જાળવવાની જવાબદારીઓનો બોજ આપમેળે આવી પડેલો. સુમુખી બહાર નીકળે એ સાથે મીડિયા દ્વારા દુનિયાભરના અઘરા સવાલોનો એના પર રીતસર મારો ચલાવવામાં આવતો. જવાબ આપવામાં જો કંઈ કાચું કપાય તો એના પર ટિપ્પણીઓનો વરસાદ વરસી પડે. હંમેશાં બહાર નીકળતા સમયે વ્યવસ્થિત ડ્રેસિંગ રાખવું પડે, નહીં તો સોશ્યલ મીડીયામાં ચર્ચાઓનો દોર ચાલે.
આ પળોજણ વચ્ચે હજુ તાજી-તાજી તરુણી બનેલી સુમુખીને સામાન્ય જીવન જીવવાની ખેવના જાગી. વર્ષો થયે સુખ-સગવડતાના સાગરમાં હિલોળા લઈને થાકેલું એ ટીનએજ મન સ્વતંત્રતા ઝંખે છે. એ નોર્મલ લાઈફની મજા લેવા માગે છે. આ વાતને લઈને મહિનાઓથી પેરેન્ટ્સને મનાવવાની કોશિશ કરી રહેલી સુમુખીની ઈચ્છા આખરે ફળી. અંતે હિમાચલના જાણીતા હીલસ્ટેશન પર આવેલી સુપર બેસ્ટ ગણાતી સ્કૂલને ગુડબાય કહી પોતાના નાના એવા શહેરની સ્કૂલમાં સુમુખી પંહોંચી.
કોઈ મોટા ઉદ્યોગપતિઓ, રાજકારણીઓ, નેતા- અભિનેતાઓનાં સંતાનોને પોતે લોકપ્રિય કે પ્રખ્યાત માતા-પિતાનાં સંતાનો છે એની મોટી કિંમત ચૂકવવી પડતી હોય છે. આપણને દૂરથી એમની દુનિયા ખૂબ આકર્ષક, પરીઓના દેશ જેવી લાગે. એમના કપડાં, દેખાવ, જીવનશૈલી અને જાહોજલાલી જોઈને મનોમન ઈર્ષ્યા થઈ આવે ,પરંતુ સતત એક પબ્લિક ઈમેજ બનાવી જીવતા રહેવાનું પ્રેશર, બહાર નીકળે ત્યારે સલામતીના ભોગે ગુમાવવી પડતી સહજ સ્વતંત્રતા, પાપારાઝીઓ દ્વારા ડગલેને પગલે નાનામાં નાની બાબત પર રખાતી ચાંપતી નજર અને એમના પર લદાતા અસંખ્ય નાનાં-મોટાં બંધનોને કારણે જિંદગી સોનાના પીંજરા સમાન બની જતા વાર નથી લાગતી.
યુવાનવયે વણમાગ્યું સેલેબ્રિટી સ્ટેટ્સ ભોગવવું કેટલું આકરું છે એનો ખરો ચિતાર સુમુખીને મળેલો. સ્વતંત્રતાના આકાશમાં ઊડવાના સપના જોતી સુમુખીને ખ્યાલ નહોતો કે અહીં તો માત્ર જગ્યા બદલાય છે, બાકી બધું જેમનું તેમ! એને સ્કૂલથી લેવા મૂકવા માટે કડક સિક્યોરિટી, કેમ્પસમાં ચોતરફ સિક્રેટ એજન્ટ્સની ભરમાર, બહાર નીકળે તો પત્રકારોના કેમેરા, શિક્ષકો દ્વારા અપાતું વધુ પડતું માન, સહાધ્યાયીઓ દ્વારા એ બધાથી અલગ છે એવું સાબિત કરવાના સતત પ્રયત્નો. એની મજાક ઉડાવવી અને મીમ્સ બનાવવી. શાળામાં સુમુખી કોઈ અલગ ગ્રહ પરથી આવેલી એલિયન હોય એવો માહોલ બની બેસે છે. સુમુખી માટે તો પોતે જાણે ઉલમાંથી ચૂલમાં પડી હોય એવો ઘાટ રચાયો.
સ્કૂલમાં ભાગ્યેજ કોઈ એની નજીક આવવા પ્રયત્ન કરતું. અમુક કુતૂહલ વશ તો અમુક ઈન્ફિરિયારીટીના માર્યા એને બોલાવતા નહીં. હા, અમુક છોકરીઓએ ઔપચારિક વાતો કરેલી. સુમુખી એ સામાન્ય મધ્યમવર્ગીય છોકરીઓની આઝાદી જોઈને મનમાં પિડાતી રહેતી. કાશ! એ પણ એમાંની એક હોત. નિયમો તોડવા, ફરવા જવું, વાતો કરવી, બધુ જ એને આકર્ષતું રહે, પરંતુ એવું એ કરી શકતી નહીં..
એક સામાન્ય જીવન જીવવા માગતી લોકપ્રિય તરુણીની લાચારી એ અહેસાસ કરાવી જાય કે, આપણી પાસે ઘણુંબધું ભલે ખૂટે છે એવું લાગતું હોય પણ મોજથી જીવવાની છૂટ, લોકોનું આપણા તરફનું બેધ્યાનપણું અને પ્રસિદ્ધિના હોવાને લીધે જીવનનો જે અદ્ભુત આનંદ લઈ શકીએ છીએ એ દરેકને મળતો નથી. કહેવાય છે ને કે, જે વસ્તુનો અભાવ હોય એના તરફ આપણે લોહચુંબક માફક ખેંચાતા જઈએ. સુમુખી જેવી તરુણીઓ પાસે બધું જ છે રૂપ, ગુણ, પૈસા, મજા, આરામ, સુખ-સગવડ, શાંતિ પણ સુકુન નથી. સ્વતંત્રતા નથી, સહજતા નથી. માટે જ એની કિંમત પણ એમનાથી વધુ કોઈ જાણતું હોતું નથી.
તમે ક્યારેય એકલા નથી હોતા અને એજ તમારી સતત એકલતાનું કારણ બની રહ્યું હોય ત્યારે એમાંથી ભાગી છૂટવા મન ગમે તેટલું વલખાં મારે, પણ તમારા ભાગ્યમાં લખાયેલી હકીકતથી પીછો છોડાવવો અઘરો નહીં, અશક્ય હોય છે. એમાં પણ જીવનમાં હજુ ઊગીને ઊભા થઈ રહ્યા હોય એ ઉંમરમાં સુમુખીની માફક પરાણે ઠરેલ, સમજુ અને ઠાવકું બનવું પડે ત્યારે એ અકળામણ કેટલી આકરી હોય એ તો અનુભવે જ સમજાય.
આપણ વાંચો: લાફ્ટર આફ્ટરઃ પ્રશ્ન છે પણ ઉત્તર ક્યાં?