ફોકસઃ વિધવા પુનર્લગ્નને સમાજ ક્યારે સ્વીકારશે?

- ઝુબૈદા વલિયાણી
હજારો સ્ત્રીઓ અને પુરુષો દર વરસે વિધવા કે વિધુર થાય છે. સ્નેહભર્યું દાંપત્ય જીવનારાં સ્ત્રી અને પુરુષને આ આઘાત વસમો લાગે છે,
-પ્રેમાળ જીવનસાથી વિના જીવવું એ કંઈ જેવી તેવી મુસીબત નથી. એકાકી જીવન પોતાની સાથે કેટલીય સમસ્યાઓ લાવે છે. વિધવા-અવસ્થા સ્ત્રીઓ માટે આર્થિક સમસ્યાઓ ઊભી કરે છે. તો વિધુર પુરુષો માટે સ્વાસ્થ્યની સમસ્યાઓ ઊભી કરે છે.
-વિધુર કે વિધવા થયાનો પહેલો આઘાત સ્ત્રી કે પુરુષના લાગણીતંત્રને લાગે છે. જીવનસાથી જતાં જીવન જાણે તૂટીને ચૂરેચૂરા થઈ ગયાનો ભાસ થાય છે.
-પુરુષોના સ્વાસ્થ્ય પર તાત્કાલિક અસર એ થાય છે કે એમને શ્વાસ રૂંધાવો, હાર્ટ એટેક અને કોરોનરી થોમ્બોસીસ જેવી બીમારીઓ આવી પડે છે અને એમાંની કોઈક જીવલેણ પણ નીવડે છે.
-જેમનું લગ્નજીવન સુખી રહ્યું હોય, પતિ-પત્ની વેલની જેમ એકબીજાને વિંટળાઈને જીવ્યાં હોય એમનાથી આ આઘાત જીરવાતો નથી.
-આ દૃષ્ટિએ જોતાં વિધુરો કરતાં વિધવાઓ આ વિષમ પરિસ્થિતિનો સામનો સારી રીતે કરતી જણાઈ આવે છે. જીવનની આ કઠોર અને નઠોર વાસ્તવિક્તાને ઠીકઠીક સ્વીકારતી દેખાય છે.
-આપણા ભારત દેશમાં જ્યાં જ્યાં સંયુક્ત કુટુંબો છે ત્યાં આ સમસ્યાઓ નથી હોતી એવું નથી, પણ એ એટલી બધી જટિલ હોતી નથી કે જેને ઉકેલી ના શકાય.
-હવે ભારતમાંય સંયુક્ત કુટુંબો તૂટવા માંડ્યાં છે અને સંયુક્ત કુટુંબો કરતાં વિભક્ત કુટુંબોની સંખ્યા વધવા માંડી છે ત્યાં પશ્ચિમના દેશોને કનડતી સમસ્યાઓ કનડવા માંડી છે,
-ધર્મનું આલંબન આ સમસ્યાને હળવી કરવામાં સહાયભૂત થઈ શકે એમ છે, પરંતુ એય એટલું સમર્થ અત્યારે રહ્યું નથી.
સનાતન સત્ય
*લાગણીતંત્ર તૂટવા ઉપરાંત વિધુરો અને વિધવાઓને મૂંઝવતો સવાલ એમની નિરાધાર અવસ્થાનો છે.
*શરીરની પરાધીનતાનો છે.
*એમની દેખભાળ કોણ કરે એનો છે.
-પાશ્ચાત્ય દેશોએ સિનિયર સિટિઝન્સ હોમ અને હોરપાઈસ જેવી વ્યવસ્થા ઊભી કરીને આ સવાલ પોતાની રીતે ઉકેલ્યો છે જેને આ લેખિકાએ તાજેતરના તેના અમેરિકાના પ્રવાસ દરમિયાન નજરોનજર નિહાળી છે.
-આપણા આજાર વડીલો કે વૃદ્ધોની સારસંભાળ યોગ્ય રીતે રાખી શકાય એવી કોઈ કાયમી વ્યવસ્થા આપણે હજી સુધી ઊભી કરી શક્યા નથી. એ કરવા માટે આપણી પાસે નાણાં નથી એવું નથી.
-ધાર્મિક ઉત્સવો પછી તે કોઈ પણ જ્ઞાતિ કે સમાજ-જમાત-કોમના કેમ ના હોય! લખલૂટ ખર્ચો થાય છે, પણ સમાજને પજવતી આ સમસ્યાને તેના સાચા અર્થમાં ઉકેલવાની દિશામાં કોઈ ખાસ વિચારતું નથી અને એ માટેનો અભિગમેય આપણી પાસે નથી.
-એકાકી પુરુષ કે સ્ત્રી, વિધુર કે વિધવા માટે, એમની સમસ્યા માટે, પુનર્લગ્ન જેવો ઉત્તમ ઉકેલ એકેય નથી,
-પણ વિધુરના પુનર્લગ્ન જેટલું વિધવાના પુનર્લગ્નને આપણા સમાજે હજી સુધી જોઈએ તેટલું સ્વીકાર્યું નથી એટલે કોઈ વિધવા પુનર્લગ્ન માટે હિંમત કરતી નથી,
-એ મનથી ગમે એટલું ઈચ્છતી હોય તો પણ ભલે આજથી સો વરસ પહેલાં કવિ કલાપીએ ગાયું હોય કે,
દેહ લગ્નની વિધવાને
પુનર્લગ્નસમું પુણ્ય નથી
અને સ્નેહલગ્નની વિધવાને
પુનર્લગ્ન સમું પણ પાપ નથી.
આપણ વાંચો: ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધીઃ નિર્દય પ્રામાણિકતાથી પ્રામાણિકભર્યાં પાણી