
- રાજેશ યાજ્ઞિક
પહેલવાન એટલે પુરુષ એવી ભારતીય માન્યતા વચ્ચે ભારતમાં આ ક્ષેત્રમાં મહિલાનો પ્રવેશ અશક્યવત મનાતો હતો, ત્યારે એક મહિલાએ પુરુષોના આ ગઢમાં ગાબડું પાડવા નિશાન તાક્યું.
તેનું નામ હતું, હમીદા બાનો પહેલવાન. એક તો મહિલા, બીજું રૂઢિચુસ્ત ધાર્મિક મુસ્લિમ પરિવારની દીકરી અને તેમાં કુસ્તી જેવું પુરૂષોનું ક્ષેત્ર. કેટલું મુશ્કેલ રહ્યું હશે તેમના માટે આ રમતમાં ઊતરવું, અને સફળ પણ થવું! હમીદા બાનોના બાળપણ વિશે ઝાઝી માહિતી મળતી નથી.
પણ એટલું જાણવા મળે છે કે આજથી એક સદી પહેલા લગભગ વર્ષ 1900 અને 1920ની વચ્ચે તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અલીગઢમાં થયેલો. તેમના પિતા ઉત્તરપ્રદેશના પ્રસિદ્ધ નાદેર પહેલવાન હતા. એ જમાનામાં, નાદેર પહેલવાને દીકરીને સશક્ત બનાવવાના ઇરાદે કુસ્તી શીખવવાનું શરુ કર્યું. શિક્ષણ ક્યારે પોતાના શોખમાં બદલાઈ ગયું તેની ખુદ હમીદાને પણ જાણ ન રહી.
કુસ્તી કરવાનો શોખ તો જાગ્યો, પણ લડવું કોની સામે? કોઈ મહિલા પહેલવાન હોવી પણ જોઈએને! તેથી તેણે સ્થાનિક પુરુષ પહેલવાનોને પોતાની સામે લડવાનો પડકાર ફેંક્યો. પુરુષો એક મહિલા સાથે કેવી રીતે લડે? એ તો એક પ્રશ્ન હતો જ, પણ સાથે કુસ્તીના કપડાં પહેરીને મહિલા જાહેરમાં અંગપ્રદર્શન કરે એ સ્વીકાર પણ કેમ થાય? આવા અનેક પ્રશ્નોનો સામનો હમીદા બાનોને શરૂઆતથી જ કરવો પડ્યો.
કહેવાય છે કે, 5 ફૂટ 3 ઇંચનું કદ, અને 108 કિલોનું વજન ધરાવતી હમીદા, દરરોજ 6 લિટર દૂધ, 2.25 લિટર ફળોનો રસ, 1 કિલો મટન, 450 ગ્રામ માખણ, 6 ઈંડા, લગભગ 1 કિલો બદામ, 2 મોટી રોટલી અને 2 પ્લેટ બિરયાની ખાતી હતી. 24 કલાકમાં, તે 6 કલાક કસરત કરતી હતી. એટલે તેનો દેખાવ ભલભલા પુરુષ પહેલવાનોને ટક્કર આપે તેવો હતો.
કેટલાક પુરુષોએ એવું માનીને તેની સાથે કુસ્તી લડવાનો સ્વીકાર કર્યો કે એક સ્ત્રી કુસ્તીના અખાડામાં કેટલી મિનિટ ટકશે? 1937માં, તેણે અવિભાજિત ભારતના લાહોરમાં એક પુરુષ પહેલવાન ફિરોઝ ખાન સામે સ્પર્ધા કરીને એવો ચિત્ત કરી નાખ્યો કે પહેલવાન પણ આશ્ચર્યચકિત થઇ ગયો.
પરંતુ પંજાબના રૂઢિચુસ્ત સમુદાયે તેના પર અપમાન અને શારીરિક હુમલાઓ પણ કર્યા. હમીદાએ ત્યાંથી ભાગી જવું પડ્યું. તે સમયના વિખ્યાત બાબા પહેલવાન જેવા પુરુષ કુસ્તીબાજોએ તેને પડકાર ફેંક્યો કે કાં તો હમીદા તેની સાથે લગ્ન કરે અથવા કુસ્તીની મેચમાં તેમને હરાવે. હમીદાએ પડકાર સ્વીકારી લીધો!
બાબા પહેલવાન બે મિનિટથી ઓછા સમયમાં હારી ગયો. જોકે કહેવાય છે કે બરોડાના મહારાજા દ્વારા આશ્રિત છોટે ગામા પહેલવાન હમીદાનો વિરોધી બનવાનો હતો, પરંતુ બાનુની અદ્ભુત શક્તિ વિશે સાંભળ્યા પછી તે પીછેહઠ કરી ગયો અને હારવાનું કલંક બાબાના માથે આવ્યું!
હમીદાએ એલાન કર્યું કે જે પહેલવાન મને કુસ્તીમાં હરાવશે, હું તેને પરણી જઈશ! આ એક સશક્ત, આત્મવિશ્વાસથી ભરપૂર મહિલાનો પુરુષોને પડકાર હતો જે તેને કમજોર સમજતા હતા. ઘણા કુસ્તીબાજોએ હમીદાનો ખુલ્લો પડકાર સ્વીકાર્યો, પરંતુ કોઈ પણ તેની સામે ટકી શક્યું નહીં. એક પટિયાલાનો અને બીજો કોલકાતાનો કુસ્તી ચેમ્પિયન, બંને તેની સામે હારી ગયા.
1944માં, તે અખબારોની હેડલાઇન્સમાં ચમકી જ્યારે તે ગુંગા પહેલવાન નામના એક પ્રતિષ્ઠિત કુસ્તીબાજ સાથે લડવા અખાડામાં ઊતરી. 20,000 લોકો આ કુસ્તી જોવા આવ્યાના અહેવાલ ‘બોમ્બે ક્રોનિકલ’માં છપાયા હતા.
ગુંગા પહેલવાન જોકે, છેલ્લી ઘડીએ ખસી ગયો, પણ આ ઘટના પછી હમીદા, અમેરિકાની મશહૂર મહિલા પહેલવાન અમેઝોનના નામથી ‘અલીગઢની અમેઝોન’ તરીકે ઓળખાવા લાગી હોવાનું નોંધાયું છે. 1950 સુધીમાં તે વિશ્વવિખ્યાત બની ગઈ હતી. 1954માં, હમીદા બાનોનો સામનો મુંબઈમાં રશિયન કુસ્તીબાજ વેરા ચિસ્ટિલિન સાથે થયો.
વેરાને એ સમયે તેની કુસ્તીની કાબેલિયત માટે ‘રશિયન રીંછ’નું ઉપનામ મળ્યું હતું. મુંબઈમાં ખેલાયેલી આ કુસ્તીમાં તેણે એક મિનિટથી ઓછા સમયમાં રશિયન રીંછને હરાવી દીધી હતી. તે વર્ષના અંતમાં, તેણે સિંગાપોરની મહિલા કુસ્તી ચેમ્પિયન રાજા લૈલા સાથે પણ કુસ્તી કરી, અને બાદમાં યુરોપિયન કુસ્તીબાજોને લડાઈ માટે પડકાર ફેંક્યો.
કોલ્હાપુરમાં એક મેચ દરમિયાન, દર્શકોએ બાનુને તેના પુરુષ પ્રતિસ્પર્ધી સોમસિંહ પંજાબીને હરાવવા બદલ હોબાળો મચાવ્યો અને પથ્થરમારો પણ કર્યો. લોકોને શાંત કરવા પોલીસે આ મેચને માત્ર ‘નાટક’ ગણાવી. એવા પણ આરોપો મુકવામાં આવ્યા કે પુરુષ પહેલવાનો ગોઠવણ મુજબ જાણીજોઈને હારી જાય છે! વિવાદોના કારણે મહારાષ્ટ્રના તત્કાલીન મુખ્ય પ્રધાન મોરારજી દેસાઈને સ્ત્રી-પુરુષ મેચ પર પ્રતિબંધ મૂકવાની ફરજ પડી હતી.
આટલી સફળતા પછી પણ હમીદાનું અંગત જીવન એટલું જ પડકારજનક હતું. તેમના પૌત્ર ફિરોઝ શેખને ટાંકીને બીબીસીએ અહેવાલ આપ્યો હતો કે હમીદાના કોચ સલામ પહેલવાને હમીદા યુરોપ કુસ્તી લડવા ન જાય એ માટે તેના હાથ-પગ તૂટી જાય એટલી હદે મારીને તેને યુરોપ જતા અટકાવી હતી. વર્ષો સુધી તે લાકડી વિના ચાલી પણ નહોતી શકતી.
આ ઘટના પછી, હમીદા બાનો નામનો ચમકતો સિતારો કુસ્તીના આકાશમાંથી અદ્રશ્ય થઇ ગયો. તેના અંતિમ દિવસો તે મુંબઈ નજીક કલ્યાણમાં દૂધ અને ફરસાણ વેચીને પસાર કરતી હતી. ભારતીય કુસ્તીના ઇતિહાસમાં મહિલા કુસ્તીનું સોનેરી પ્રકરણ ઉમેરનાર હમીદા તકલીફોમાં આખરી દિવસો ગુજારીને 1986માં દુનિયાના અખાડામાંથી એક્ઝિટ કરી ગઈ.
આપણ વાંચો: ફોકસ પ્લસઃ આ 21-21-21 છે? આ છે નવો નુસખો વજન ઓછું કરવાનો…!