ફેશનઃ શ્રગ ઈટ અપ

ખુશ્બુ મુલાણી ઠક્કર
શ્રગ એટલેકે, જેકેટ કે જે તમારા લુકમાં એક એક્સ્ટ્રા એલિમેન્ટ ઉમેરે છે. શ્રગ ડ્રેસ કોઈ ચોક્કસ પ્રકારનો ડ્રેસ નથી, પરંતુ ડ્રેસ પર શ્રગ (નાનું, કાર્ડિગન અથવા જેકેટ જે ખભા અને હાથને ઢાંકે છે. શ્રગ ડ્રેસને લેયરિંગ, હળવી ગરમી અને સ્ટાઈલ આપે છે, જેના કારણે લુક વધુ વર્સેટાઈલ અને સહજ એફર્ટલેસલી સ્ટાઈલિશ બનાવે છે.
આ કેઝ્યુઅલથી લઈને ફોર્મલ લુકમાં સરળતાથી પરિવર્તન લાવવા માટે એક પરફેક્ટ વિકલ્પ છે. તેને તમે હળવા, ઓપન-ફ્રન્ટ કાર્ડિગન અથવા જેકેટ તરીકે સમજી શકો છો, જે ટેન્ક ટોપ ડ્રેસથી લઈને ભવ્ય ગાઉન સુધી કોઈ પણ ડ્રેસમાં કવરેજ અને ચાર્મ ઉમેરે છે. તમારી હાઈટ અને બોડી અનુસાર તમે અલગ અલગ લેન્થનું શ્રગ સિલેક્ટ કરી શકો. આ માટે તમને ફેશનની આગવી સૂઝ હોવી જોઈએ. એક ખોટું સિલેક્શન આખો લુક બગાડી શકે છે. તો ચાલો જાણીયે શ્રગ કઈ રીતે પહેરી શકાય.
જેકેટમાં અલગ અલગ સ્ટાઇલ અને અલગ અલગ લેન્થ આવે છે. જેમકે, ફ્રન્ટ ઓપન જેકેટ અને કલોઝ જેકેટ. અમુક જેકેટમાં તો, એસિમેટ્રિકલ હેમકલાઇન હોય છે. આ જેકેટ કેઝ્યુઅલથી લઈને ફોર્મલી પણ પહેરી શકાય. ફ્રન્ટ ઓપન જેકેટ એટલેકે, જે આગળથી ખુલ્લું હોય અને કલોઝ જેકેટ એટલે કે જે આગળથી બંધ હોય.
શોર્ટ ડ્રેસ સાથે- જો તમે ડેનિમના શોર્ટ ડ્રેસ સાથે શ્રગ પહેરવું હોય તો, ત્રણ ટાઈપના શ્રગ પહેરી શકાય. સૌથી પહેલા બ્લેક કલરનું શોર્ટ જેકેટ પહેરી શકાય. હિપ લેન્થનું હોઝિયરી ફેબ્રિકનું બ્લેક અથવા રાણી કલરનું ઓપન શ્રગ પહેરી શકાય. અથવા આતો જો તમારી હાઈટ સારી હોય અને તમે ડેનિમનું બોડી હગિંગ ડ્રેસ પહેર્યો હોય તો તેની સાથે લોન્ગ ટ્રાન્સ્પરેન્ટ જેકેટ પહેરી શકાય. જો તમે બ્લેક કલરનું ની લેન્થ ડ્રેસ પહેર્યો હોય તો તમે બેજ કલરનું અથવા તો કોઈ કોન્ટ્રાસ્ટ કલરનું હિપ લેન્થનું પણ શ્રગ પહેરી શકો.
જો તમારું શરીર ભરેલું હોય અને હાઈટ ઓછી હોય તો શ્રગ પહેરવાનું ટાળવું. આનાથી તમારા શોલ્ડર વધારે હેવી લાગશે. જો તમે કાફ લેન્થનો ડ્રેસ પહેર્યો હોય તો, તેની સાથે કાફ લેન્થનું જ શ્રગ સારું લાગશે. કાફ લેન્થ ડ્રેસ સાથે જો તમે નાની મોટી લેન્થનું શ્રગ પહેરશો તો, લુક બ્રેક થશે અને સારું નહિ લાગે. કાફ લેન્થ ડ્રેસ સાથે તેજ લેન્થનું શ્રગ પહેરવું પડશે જેથી ડબલ લેયર ઇફેક્ટ આવે.
એન્કલ લેન્થ ડ્રેસ પહેર્યો હશે તો શોર્ટ શ્રગ પણ સારું લાગશે, તેની માટે તમારે લાંબા પાતળા હોવું જરૂરી છે જેથી શોર્ટ શ્રગ ખરાબ ન લાગે. જો તમારો કમરનો અને પેટનો ભાગ વધારે હશે તો શોર્ટ જેકેટ પહેરવાનું ટાળવું તેની બદલે હિપ લેન્થ શ્રગ અથવા એન્કલ લેન્થ શ્રગ પહેરી શકાય. ડ્રેસમાં ઓપન શ્રગ જ સારું લાગશે.
ડેનિમ સાથે- ડેનિમ એ કેઝ્યુઅલ લુક આપે છે જેથી તેની સાથે ફ્લોરલ પ્રિન્ટ કે જોમેટ્રીક પ્રિન્ટનું શ્રગ સારું લાગશે. આ શ્રગ ખાસ કરીને ટ્રાન્સપેરન્ટ ફેબ્રિકમાં હોવું જોઈએ. જો તમારે ડેનિમ સાથે લોન્ગ શ્રગ પહેરવું હોય તો ખાસ ધ્યાન એ રાખવું કે, ડેનિમ એન્કલ લેન્થનું હોવું જોઈએ. અને જો તમારે લુઝ ડેનિમ સાથે શ્રગ પહેરવું હોય તો, તમને આ સ્ટાઇલ કેરી કરતા આવડતી હોવી જોઈએ. ડેનિમ સાથે જેટલું સિમ્પલ શ્રગ હશે તેટલું જ ફેશનેબલ લાગશે.
ડેનિમ સાથે એસિમેટ્રિક હેમલાઇન વાળું શ્રગ પણ સારું લાગી શકે. ડેનીમ એ એવું ગારમેન્ટ છે કે, તેની સાથે કઈ પણ મિક્સ એન્ડ મેચ કરી શકાય. કલર પણ જેટલા વાઇબ્રન્ટ હશે તેટલું સારું લાગશે. જેમકે, લાઈટ બ્લુ ડેનિમ સાથે ડાર્ક બ્લુ કે પછી બ્લેક કલરનું લોન્ગ શ્રગ. કે પછી ડાર્ક બ્લુ ડેનિમ સાથે રાની કે નિયોન ગ્રીન કલરનું શ્રગ. તમારું શરીર સુડોળ હોય તો, તમે ડેનિમ સાથે કોઈ પણ લેન્થનું શ્રગ પહેરી શકો. જો તમારું શરીર ભરેલું હોય તો ટ્રાન્સપેરન્ટ અને શોર્ટ શ્રગ ન પહેરવા તેની બદલે કોટન ફેબ્રિકના લોન્ગ શ્રગ પહેરવા જેથી જો પેટ કે કમરનો ભાગ વધારે હોય તો ખરાબ ન લાગે.
ઇન્ડિયન ડ્રેસ સાથે- ઇન્ડિયન ડ્રેસમાં જો શ્રગ પહેરવું હોય તો બે ઓપ્શન છે એક છે કે ઓપન જેકેટ અને બીજું છે કે કલોઝ જેકેટ. એટલેકે, જો તમે કાળીદાર ડ્રેસ પહેર્યો હોય તો તેની સાથે બંને શ્રગ સારા લાગશે. જો કલોઝ શ્રગ પહેરશો તો ડબલ લેયર ડ્રેસની ઇફેક્ટ આપશે. કલોઝ શ્રગ એટલે, જે શ્રગની નેક લાઈન કમર સુધી હોય અને પછી નીચે 8 થી 10 ઇંચની સ્લીટ હોય. જયારે શ્રગ ઇન્ડિયન ડ્રેસ સાથે પહેરવામાં આવે ત્યારે ખૂબ જ ગ્રેસફુલ લાગે છે.
ઇન્ડિયન ડ્રેસમાં પ્લાઝો સાથે પણ શ્રગ ખૂબ ગ્રેસફુલ લાગશે. જો તમને કલોઝ શ્રગ ન પહેરવું હોય તો ઓપન શ્રગ પહેરી શકો.
જો ઓપન શ્રગ પહેરવું હોય તો ફેબ્રિક હેવી લેવું જેમકે, જામેવાર કે બનારસી અથવા તો વર્કવાળું ફેબ્રિક લેવું. જેથી હેવી લુક આવે. હેવી ગાઉન સાથે પણ લોન્ગ અને શોર્ટ શ્રગ બન્ને સારા લાગી શકે. જો આખો ગાઉન હેવી વર્ક વાળો હોય તો પ્લેન શ્રગ સારું લાગશે અને જો પ્લેન ગાઉન હોય તો હેવી વર્કવાળું શ્રગ સારું લાગશે.
આ પણ વાંચો…ફેશનઃ લગ્નગાળામાં તમે શું પહેરશો?



